વડોદરા, તા.૧૫

ઉત્સવપ્રિય નગરીમાં ઉત્તરાયણ પતંગોત્સવ દરમિયાન વિતેલા ૪૮ કલાક દરમિયાન રપથી વધુ પતંગ-દોરીથી વાહનચાલકોના ગળા કપાવાના અને ધાબા ઉપરથી પડી જવાના બનાવો બન્યા છે. જેમાં એક વ્યક્તિનું પતંગની દોરીથી ગંભીર ઈજાઓ થવાને કારણે મોત નીપજ્યું હતું.

છાણી ગામ નંદનગરમાં રહેતા સ્વામીજી પરત્માનંદ યાદવ (ઉં.વ.૩પ) રણોલી બ્રિજ પરથી પસાર થતા હતા તે દરમિયાન પતંગની ચાઈનીઝ દોરી તેમના ગળામાં આવી ગઈ હતી. હેલ્મેટ પહેરેલ હોવા છતાં સ્વામીજી યાદવના ગળાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી અને મોતને ભેટયા હતા. ગાજરાવાડી ગણપતિ મંદિર પાસે રહેતા રણજિતસિંહ માનસિંહ પઢિયાર (ઉં.વ.૩૭)ના ગળામાં પતંગની દોરી આવી જતાં ગળાના ભાગે ગંભીર રીતે ઘાયલ થયા હતા. પ્રતાપનગર અનુપમનગરમાં રહેતી પ્રિયાંશી ઉમેશભાઈ માળી (ઉં.વ.૧૦)ને કપાયેલી પતંગની દોરીનો ઘસરકો ગાલ ઉપર વાગતાં ગાલ અને હોઠ કપાઈ ગયા હતા. છાણી જકાત નાકા પાસે રહેતો રોકી દાઉદભાઈ પરમાર (ઉં.વ.૩પ) હાલોલ રોડ પર ગળાના ભાગે પતંગની દોરી ભરાઈ જતાં ઘાયલ થયો હતો. માંડવી મહેતા પોળમાં કલ્યાણરાયજી હવેલી સામે રહેતા અમિત કિરીટભાઈ ત્રિવેદી (ઉં.વ.૩પ)ને સંગમ ચાર રસ્તા પાસે ગળામાં પતંગની દોરી આવી જતાં ઈજાગ્રસ્ત થયો હતો. પ્રતાપનગર રોડ ગીતામંદિરની ચાલીમાં રહેતો વિજય જિતેન્દ્રભાઈ (ઉં.વ.રપ)ને અકોટા બ્રિજ પર પતંગની દોરી ગળામાં ફસાઈ જતાં ઈજા પહોંચી હતી. કારેલીબાગ તુલસીવાડી સંજયનગરમાં રહેતો સ્નેહલ જશુભાઈ પરમાર (ઉં.વ.ર૩)ને લાલબાગ બ્રિજ કાશીવિશ્વનાથ મંદિર પાસે પતંગની દોરી ગળામાં આવી ગઈ હતી, જેથી તેને ઈજાઓ પહોંચી હતી. માણેજા ક્રોસિંગ પાસેથી બાઈક પર પસાર થતી વખતે સ્વામીનારાયણ આશીર્વાદ સોસાયટીમાં રહેતો શુભમ્‌ ભાનુદાસ સુર્વે (ઉં.વ.રર) પતંગની દોરી આવી જતાં ઈજાઓ થઈ હતી. મકરપુરા જીઆઈડીસી ભવાનીનગરમાં રહેતો પાર્થ નિલેશભાઈ કરાઈ (ઉં.વ.ર૦) ને બાઈક પર જતી વખતે ઘર પાસે જ પતંગની દોરી આવી જતાં તેને ઈજાઓ પહોંચી હતી. સરદાર એસ્ટેટ રોડ પર ખોડિયારનગરમાં રહેતો વિજય ભીમાભાઈ રાવલ (ઉં.વ.૩૮)ને ફતેગંજ બ્રિજ પરથી બાઈક લઈને જતી વખતે પતંગની દોરી નાક ઉપર આવી જતાં તેને ઘસરકો વાગતાં લોહીલુહાણ થયો હતો. નવાપુરા વિસ્તાર એસએસસી બોર્ડની કચેરી પાસ રહેતો સંતોષ બાળાભાઈ દેવીપૂજક (ઉં.વ.૩ર)ને પતંગની દોરી આવી જતાં તે ઈજાગ્રસ્ત થયો હતો. અલવા નાકા કોતર તલાવડી સોનાપાર્કમાં રહેતો રવિ અશોકભાઈ માળી (ઉં.વ.ર૬)ને ગળામાં પતંગની દોરી આવી જતાં તે ઘાયલ થયો હતો. આજવા રોડ એકતાનગરમાં રહેતો સાહિલ ફિરોજ શેખ (ઉં.વ.૮) મકાનના ધાબા પર પતંગ ચગાવતો હતો તે વખતે તે ધાબા પરથી નીચે પડતા માથાના ભાગે ઈજાઓ થઈ હતી. તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આ સાથે શહેર અને તેની આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાંથી પતંગની દોરીથી ઈજાગ્રસ્તો અને ધાબા ઉપરથી નીચે પડવાના અલગ અલગ સ્થળોએ રપથી વધુ બનાવો બનવા પામ્યા હતા.