દિલ્હી-

દેશમાં કોરોનાની બીજી લહેર તબાહી મચાવીને હવે શાંત પડી રહી છે. આ દરમિયાન ત્રીજી લહેરની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે. ત્રીજી લહેરને ધ્યાને રાખીને ભારત સરકાર તૈયારીઓ કરવામાં લાગી છે. આના ભાગરૂપે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના ૨૬ રાજ્યોના ૧૧૧ ટ્રેનિંગ સેન્ટરોથી કોવિડ-૧૯ હેલ્થકેર ફ્રન્ટલાઇન વર્કર્સ માટે વિશેષ રીતે તૈયાર તાલીમ કાર્યક્રમનો આરંભ કર્યો. આ દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે, દરેક સાવધાની સાથે આવનારા પડકારોને પહોંચી વળવા માટે આપણે દેશની તૈયારીઓને વધારવાની રહેશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આજે દેશમાં લગભગ ૧ લાખ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ તૈયાર કરવાનું મહાઅભિયાન શરૂ થઈ રહ્યું છે.

તેમણે કહ્યું કે, કોરોનાની બીજી લહેરમાં આપણે જાેયું કે આ વાયરસનું વારંવાર બદલાતુ સ્વરૂપ કયા પ્રકારના પડકારો આપણી સામે લાવી શકે છે. આ વાયરસ આપણી વચ્ચે અત્યારે પણ છે અને આના મ્યુટેડ થવાની સંભાવના છે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, કોરોના મહામારીએ સાયન્સ, સરકાર, સંસ્થા અને વ્યક્તિ તરીકે આપણને આપણી ક્ષમતાઓ વધારવા માટે સતર્ક કર્યા છે. કોરોના સામે લડી રહેલી દેશની વર્તમાન ફોર્સના સપોર્ટ માટે દેશમાં લગભગ ૧ લાખ યુવાનોને તૈયાર કરવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. આ કૉર્સ ૨-૩ મહિનામાં જ પૂર્ણ થઈ જશે.

પીએમ મોદીએ કહ્યું કે, આ અભિયાનથી કોવિડ સામે લડી રહેલી આપણા હેલ્થ સેક્ટરની ફ્રન્ટલાઇન ફોર્સને નવી ઊર્જા પણ મળશે અને આપણા યુવાનો માટે રોજગારનો નવો અવસર પણ બનશે. છેલ્લા ૭ વર્ષમાં દેશમાં નવી એઇમ્સ, નવી મેડિકલ કૉલેજ, નવી નર્સિંગ કૉલેજના નિર્માણ પર ભાર આપવામાં આવ્યો છે. આમાંથી અનેકે કામ કરવાનું પણ શરૂ કરી દીધું છે. પીએમ મોદીએ કહ્યું કે, ફ્રન્ટલાઇન વર્કર્સના ખાસ તાલીમ કાર્યક્રમ હેઠળ ઉમેદવારોને નિઃશુલ્ક ટ્રેનિંગ, સ્કિલ ઇન્ડિયાનું સર્ટિફિકેટ, ભોજન તેમજ રહેવાની સુવિધા, કામ પર ટ્રેનિંગની સાથે સ્ટાઇપેન્ડ તેમજ ઉમેદવારોને ૨ લાખ રૂપિયાનો અકસ્માત વીમો મળશે. પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, ગામોમાં સંક્રમણનો ફેલાવો રોકવામાં, અંતરિયાળ વિસ્તોરમાં, પહાડી અને જનજાતિ ક્ષેત્રોમાં રસીકરણ અભિયાનને સફળતાપૂર્વક ચલાવવામાં આપણી આશા, એએનએમ, આંગણવાડી અને ગામના સ્વાસ્થ્ય કર્મચારીઓએ ઘણી મોટી ભૂમિકા નીભાવી છે.