વડોદરા

મ.સ.યુનિ.ની સિન્ડિકેટની ૧૪ બેઠકોની તા.રપમી ફેબ્રુઆરીએ યોજાનારી ચૂંટણી માટે આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ડીન, પ્રિન્સિપાલ અને જનરલ કેટેગરીની ૯ તેમજ પ્રોફેસર કેટેગરીને એક બેઠક પર જેટલી બેઠક છે તેટલા જ ફોર્મ ભરાતાં ૧૦ બેઠકો બિનહરીફ જાહેર થઈ હતી. જાે કે, ૧૦ પૈકી ૮ બેઠકો જીતીને સત્તાધારી જૂથે પોતાનો દબદબો જાળવી રાખ્યો હતો. શહેરમાં પાલિકાની ચૂંટણીના ચાલી રહેલા પ્રચાર વચ્ચે મ.સ.યુનિ.ના સિન્ડિકેટની ૧૪ બેઠકો માટે ભાજપ તરફી બે જૂથો વચ્ચે સમાધાનના પ્રયાસો શરૂ કરાયા હતા અને જનરલ કેટેગરીની ૬, ડીન કેટેગરીની બે, ટીચર્સ કેટેગરીની પાંચ અને પ્રિન્સિપાલ કેટેગરીની એક એમ તમામ ૧૪ બેઠકો બિનહરીફ થાય તે માટે ભાજપ સંગઠન દ્વારા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હતા.જાે કે, ગઈકાલ સુધી તમામ બેઠકો પૈકી ટીચર્સ કેટેગરીમાં એકમાત્ર ફોર્મ ભરાયું હતું. આજે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ડીન કેટેગરીની બે બેઠકો પર બે જ ફોર્મ ભરાયાં હતાં, જ્ગ્યારે પ્રિન્સિપાલ કેટેગરીની એક બેઠક પર એક ફોર્મ ભરાતાં આ ત્રણે બેઠકો બિનહરીફ થઈ હતી. જ્યારે જનરલ કેટેગરીની ૬ બેઠકો માટે ૭ ફોર્મ ભરાયાં હતાં. જાે કે, કપિલ જાેશીએ તેમનું ફોર્મ પાછું ખેંચતાં આ છ બેઠકો પણ બિનહરીફ થઈ હતી. જ્યારે ટીચર્સ કેટેગરીની પાંચ બેઠકો પૈકી પ્રોફેસર કેટેગરીની એક બેઠક પર ડો. રંજન ક્રિષ્ણન ઐયરનું એક ફોર્મ ભરાતાં તે પણ બિનહરીફ જાહેર થશે. જ્યારે અન્ય ચાર બેઠકો પૈકી આર્ટસ, કોમર્સ અને મેડિસિનની બેઠક પણ બિનહરીફ જાહેર થશે. જાે કે, ટેકનોલોજી એન્ડ એન્જિનિયરિંગની બેઠક પર ડો. નિકુલ પટેલ અને ચેતન સોમાણી એમ બે ઉમેદવારો હોઈ આ બેઠક માટે ટીચર્સ કેટેગરીની ચૂંટણી યોજાશે.

આમ હાલના તબક્કે ૧૪ બેઠકો પૈકી ૧૦ બેઠકો બિનહરીફ જાહેર થઈ છે. જેમાં સત્તાધારી જૂથી ૮ બેઠકો સાથે યુનિ.માં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. યુનિ.ના ઈતિહાસમાં પ્રથમ વખત સિન્ડિકેટની ચૂંટણી બિનહરીફ થઈ છે. સિન્ડિકેટની ચૂંટણીમાં ૧૦ બેઠકો બિનહરીફ થતાં શહેર ભાજપ પ્રમુખ ડો. વિજય શાહે વિજેતા ઉમેદવારોને શુભેચ્છા આપી હતી. જ્યારે સત્તાધારી જૂથના ટેકેદારોએ યુનિ. હેડ ઓફિસ ખાતે વિજેતા ઉમેદવારોને હાર પહેરાવી તેમજ મોં મીઠું કરાવી આતશબાજી કરીને વિજયોત્સવ મનાવ્યો હતો.