રાજપીપળા- 

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીના પ્રવાસન સ્થળને વેગ આપવામાં તમામ પ્રકારની ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.બસની સુવિધા સાથે સી પ્લેનની સુવિધા ઉભી કરાઈ છે અને હવે ટ્રેન સેવા પણ શરૂ કરાશે. ૬૯૧ કરોડના ખર્ચ ૮૦ કિલોમીટરની રેલ્વે લાઈન અને રેલ્વે સ્ટેશન તૈયાર થશે. વડોદરાથી ડભોઈ ૩૯ કિલોમીટરની લાઈન, તેમજ ડભોઈથી ચાંદોદ ૧૮ કિલોમીટરનો ટ્રેક તૈયાર થઈ ગયો છે.ચાંદોદથી કેવડિયા ૩૨ કિલો મીટરની રેલવે ટ્રેકનું કામ ચાલી રહ્યું છે અને ડભોઈ અને કેવડિયા ખાતે રેલવે સ્ટેશનની બિલ્ડીંગનું કામ ચાલી રહ્યું છે. પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર મનોજ કંશલે અગાઉ કેવડિયાના અદ્યતન રેલ્વે સ્ટેશનની મુલાકાત લીધી હતી.

દરમિયાન એમણે જણાવ્યું હતું કે સમગ્ર ભારતમાં ક્યાંય નહિં જાેયું હોય તેવું કેવડિયાનું અદ્યતન સુવિધાથી સજ્જ ઈકો ફ્રેન્ડલી, વોટર હાવેર્સ્ટિંગ અને સોલાર સિસ્ટમથી સંચાલિત રેલવે ભવન કામ પૂર્ણતાના આરે છે, આગામી ૨ માસમાં કામ પૂરું થશે.રેલ્વે સેવા શરૂ થશે એવુ ટવીટ કેન્દ્રીય રેલ મંત્રી પિયુષ ગોયલે કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે આ ભવનનું ખાતમુહૂર્ત ૬ જૂન ૧૯ ના રોજ કરવામાં આવ્યું હતું.જેને ૩૧ ડિસેમ્બર ૨૦૨૦ પહેલાં પૂર્ણ કરવા તંત્ર દ્વારા કવાયત ચાલી રહી છે, ૨૦ કરોડના ખર્ચે ભારતનું એકદમ આધુનિક અને ઈકો ફ્રેન્ડલી રેલવે ભવન બનાવવામાં આવશે, સ્ટેશનની છત પરથી ૨૦૦ કિલોવોટ સુધી વીજ ઉત્પાદન થવાનું સંભાવના છે. તેના માટે સોલાર પેનલો ગોઠવવામાં આવશે.

કેવડીયા ખાતે અદ્યતન સુવિધા સજ્જ રેલવે ભવન બનાવવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે, જે વિશાળ રેલવે ભવન, મોટું જંક્શન સાથે કર્મચારીઓનું સ્ટાફ ક્વાટર્સ, રેલવે મેન્ટેનન્સ વિભાગ સહિત વિભાગોના બિલ્ડિંગો બનાવવાની કામગરી ચાલી રહી છે.કેવડીયા ખાતે બની રહેલા રેલવે ભવન ચાંદોદથી સીધી લાઈન જાેઈન્ટ થશે. આ રેલવે લાઈન દેશની તમામ રેલ સેવા સાથે જાેડવામાં આવશે. ડભોઈથી ચાંદોદ સુધીનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે.

સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી પહોંચવા વિશેષ ટ્રેનો દોડાવાશે

(૧) વડોદરા-મુંબઈ સેન્ટ્રલ એક્સપ્રેસ કેવડિયા સુધી ટ્રેન નંબરઃ ૧૨૯૨૮ કેવડીયાથી-મુંબઈ રાત્રે ૮ઃ૫૦ કલાકે, ટ્રેન નંબર ૧૨૯૨૭ મુંબઈથી-કેવડિયા સવારે ૮ઃ૧૦ કલાકે

(૨) વડોદરા રેવા એક્સપ્રેસ કેવડીયા સુધી કેવડીયાથી-રેવા ટ્રેન નંબરઃ ૨૦૯૦૫ સાંજે ૬ઃ૦૦ કલાકે, રેવાથી-કેવડિયા ટ્રેન નંબરઃ ૨૦૯૦૬ સાંજે ૬ઃ૦૦ કલાકે

(૩) વડોદરા-વારાણસી મહાત્મા એક્સપ્રેસ કેવડીયા સુધી કેવડીયાથી-વારાણસી ટ્રેન નંબરઃ ૨૦૯૦૩ સાંજે ૬ કલાકે, વારણસીથી-કેવડિયા સવારે ૯ઃ૫૫ કલાકે

(૪) પ્રતાપનગરથી કેવડિયા સુધી બે મેમુ ટ્રેન

ટ્રેન-૦૧ કેવડીયાથી-પ્રતાપનગર સવારે ૯ઃ૨૦ કલાકે, કેવડીયાથી-વારાણસી સવારે ૦૭ઃ૫૦ કલાકે તથા ટ્રેન-૦૨ કેવડીયાથી-પ્રતાપનગર રાત્રે ૦૯ઃ૪૫ કલાકે, કેવડીયાથી-વારાણસી બપોરે ૧૨ઃ૫૦ કલાકે