વડોદરા, તા. ૧૫ 

આજરોજ સીબીએસઈ દ્વારા ધોરણ ૧૦ ના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે. વડોદરા શહેરમાં આવેલી ૪૪ જેટલી સીબીએસઈ શાળાઓ પૈકી મોટાભાગની શાળાઓનું પરિણામ ૧૦૦% આવ્યું છે. જ્યારે, કોરોનાને કારણે પરિણામ આવવામાં વિલંબ થયો હતો. તેમ છતાં વિદ્યાર્થીઓને ધાર્યા કરતા સારું પરિણામ મળ્યું હોવાનું દેખાઈ રહ્યું છે. આજે સવારે ૧૦ વાગ્યાથી સીબીએસઈ ની વેબસાઈટ પરથી ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું. ધોરણ ૧૨ની જેમ જ આ વખતે પણ બોર્ડની વેબસાઈટ પર ધસારો વધી જતા થોડા સમય માટે વેબસાઈટ ક્રેશ થઇ ગઈ હતી. જે બપોરે પુનઃ શરુ થઇ ગઈ હતી. વડોદરા શહેરમાં સીબીએસઈ સાથે સંલગ્ન કુલ ૪૪ જેટલી સ્કૂલો આવેલી છે. જે પૈકી મોટાભાગની સ્કૂલોનું પરિણામ ૧૦૦% આવ્યું છે. માણેજા વિસ્તારમાં આવેલી પોદાર ઇન્ટરનેશનલ સ્કુલના વિદ્યાર્થી મેહુલ શર્માએ ૯૫% અને વિદ્યાર્થીની શ્રુતિ આનંદે ૯૪% સાથે સ્કૂલમાં અનુક્રમને પ્રથમ અને બીજો નંબર મેળવ્યો હતો. અટલાદરા વિસ્તારમાં આવેલી ગુજરાત પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરનાર વિદ્યાર્થીનીઓ મૃણાલ ગાંધી(૯૬.૫%), નિશા ખંડેલવાલ(૯૫.૮%) અને સુહાની આચાર્ય(૯૫.૬%) સાથે અનુક્રમે પ્રથમ,બીજો અને ત્રીજો નંબર મેળવ્યો હતો. જ્યારે, બી.આર.જીગ્રુપ સંચાલિત ઊર્મિ સ્કુલમાં વિદ્યાર્થી આયુષ કુમાર(૯૭%), ત્રિશા બેનર્જી(૯૩.૮%) અને ઓમ પંડિત(૯૨.૮%) સાથે અનુક્રમે પ્રથમ, બીજો અને ત્રીજો નંબર મેળવ્યો હતો. આ ઉપરાંત કેન્દ્રીય વિદ્યાલયમાંથી ધોરણ ૧૦ની પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓ પાસ થતા શાળાનું પરિણામ ૧૦૦% નોંધાયું છે.

૯૮.૮% મેળવનાર વિદ્યાર્થી કહે છે, મારે પિતાની જેમ એન્જીનીયર બનવું છે

વડોદરા શહેરની ન્યુ ઇરા સિનીયર સેકન્ડરી સ્કૂલના વિદ્યાર્થી ક્રિડય પરમારે ધો-૧૦ની પરીક્ષામાં ૯૮.૮ ટકા પ્રાપ્ત કર્યાં છે. ક્રિડય પરમારે જણાવ્યું હતું કે, ૯૭ ટકા આવે તેવી મારી ધારણા હતી. પરંતુ, મારા ૯૮.૮ ટકા આવતા હું ખુબ જ ખુશ છું. મારી ધારણા મુજબ આવેલા પરિણામ પાછળ મારી મહેનતની સાથે સાથે સ્કૂલના શિક્ષકોનો પણ હાથ છે. હું શરૂઆતમાં રોજ ૩ કલાક વાંચતો હતો. તે બાદ ૭ થી ૮ કલાક વાંચતો હતો. કોવિડ-૧૯ના કારણે પરિણામ મોડું આવ્યું છે. પરિણામની ઉત્સુકતા રહેતી હતી, પરંતુ, પરિણામ કેવું આવશે તેની ચિંતા ન હતી. વધુમાં તેણે જણાવ્યું કે, ધોરણ-૧૧ના ઓનલાઇન કલાસ એપ્રિલ માસથી જ શરૂ થઇ ગયા છે. પરંતુ સ્કૂલમાં મિત્રો સાથે અભ્યાસ કરવાની મજા જ કંઇક અલગ છે. જોકે, ઓનલાઇન ભણવામાં પણ કોઇ વાંધો નથી. ઓનલાઇન અભ્યાસ લાંબા સમય સુધી શક્ય નથી. સ્કૂલો વહેલી તકે ચાલુ થવી જોઇએ. હું ભવિષ્યમાં કમ્પ્યુટર એન્જિનિયર બનવા માંગુ છું.