વડોદરા : એમ.એસ.યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનીયરીંગ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ઓનલાઇન કેમ્પસ પ્લેસમેન્ટની કામગીરી ચાલી રહી હતી. જેમાં ભાગ લેનાર ૩૦ જેટલી કંપનીઓ તરફથી ફેકલ્ટીના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ નોકરી મેળવી છે. આગામી એક મહિનાના સમય સુધી ચાલનાર કેમ્પસ પ્લેસમેન્ટની ઓનલાઇન પ્રક્રિયામાં હજુ ૨૦થી ૨૫ કંપનીઓ ભાગ લેનાર છે.  

કોરોનાને કારણે એમ.એસ.યુનિવર્સીટીની તમામ ફેકલ્ટીઓમાં ઓનલાઇન એક્ઝામ, ઓનલાઇન અભ્યાસ અને ઓનલાઇન એડમિશન પ્રક્રિયા ચાલી રહી છે. જે પૈકી યુનિવર્સીટીની ફેકલ્ટી ઓફ ટેક્નોલોજી એન્ડ એન્જીનીયરીંગ દ્વારા છેલ્લા દોઢ મહિનાથી ઓનલાઇન કેમ્પસ પ્લેસમેન્ટની પ્રક્રિયા ચાલી રહી હતી. આ ઓનલાઇન કેમ્પસ પ્લેસમેન્ટમાં રાજ્યભરની ૩૦ જેટલી કંપનીઓએ ભાગ લીધો હતો. જેઓએ વિદ્યાર્થીઓના ઓનલાઇન ઇન્ટરવ્યૂ લીધા હતા. અત્યાર સુધીમાં કેમ્પસ પ્લેસમેન્ટ થકી ફેકલ્ટીના ૧૦૦થી વધુ વિદ્યાર્થીઓએ જુદી જુદી પ્રસ્થાપિત કંપનીઓમાં નોકરી મેળવી છે. જ્યારે, હજુપણ એક મહિના સુધી ચાલનાર આ પ્રક્રિયામાં વધુ ૨૦થી ૩૫ જેટલી કંપનીઓ ભાગ લેનાર હોઈ નોકરી મેળવનાર વિદ્યાર્થીઓનો આંકડો ૨૦૦ ને પાર પહોંચે તેવી શક્યતાઓ સર્જાઈ છે.