વડોદરા, તા.૮ 

ભાયલીમાં રહેતા ઈજનેરને ઓનલાઈન સંપર્ક કરીને તેમની પાસેથી જનરલ ઈલેકટ્રીકની ફ્રેન્ચાઈઝી આપવાના બહાને ૧.૦૮ નાણાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને ઠગાઈ કરવાના કૈાભાંડના મુખ્ય સુત્રધાર તેમજ એક મહિલા સહિત સાત આરોપીઓને જિલ્લા એલસીબીની ટીમે મુંબઈથી ઝડપી પાડ્યા હતા. ઠગટોળકીએ અત્યાર સુધી ૭૯ જેટલા અલગ અલગ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરી ત્રણ કરોડથી વધુની ઠગાઈ કરી હોવાની વિગતો સપાટી પર આવતા પોલીસે તેઓના રિમાન્ડની તજવીજ હાથ ધરી છે.

ભાયલમાં આવેલા ગેલેક્ષી બંગ્લોઝમાં રહેતા ૬૪ વર્ષીય નાગેશ રૂગનાથ ઘુગરધરે તેમના ઘરેથી વિમલ ઈલેકટ્રીક ઈન્કોર્પોરેટેડ નામથી કન્સલ્ટીંગ ઈલેકટ્રીક ઈજનેર તરીકે વ્યવસાય કરે છે. તેમને નોકરી મેળવવા લિન્કડઈન એપ્લીકેશનમાં તેમનો બાયોડેટા અને ફોટ સહિતની વિગતો મુકી હતી. બાયોડેટા જાેઈને ગત સપ્ટેમ્બર-૨૦૧૯માં તેમનો મુંબઈમાં રહેતા રોહન માનેએ ફોન પર સંપર્ક કર્યો હતો અને જણાવ્યું હતું કે અમારી લા મેન પાવર સર્વિસની મેમ્બરશીપ લઈ લો અને અમે તેમને જનરલ ઈલેકટ્રીકની ફ્રેન્ચાઈઝી આપીશું અને તેમને એક વિઝીટના ૪૦ હજાર આપીશું અને તેમને એક મહિનામાં ઓછામાં ઓછી ૧૦ વિઝીટો મળશે. લોભામણી લાલચ આપીને રોહન સહિતની ટોળકીએ તેમની પાસેથી વિવિધ કારણોસર સમયાંતરે કુલ ૧,૦૮,૭૧,૮૮૪ રૂપિયા ઓનલાઈન બેન્કીંગથી અલગ અલગ વ્યક્તિઓના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવ્યા બાદ તેમને ફ્રેન્ચાઈઝી નહી આપી ઠગાઈ કરી હતી જે બનાવની તેમણે ગત માર્ચ માસમાં વડોદરા તાલુકા પોલીસ મથકમાં રોનક અને નિલોફર બેગ સહિત પાંચ સામે ફરિયાદ નોંધાવી હતી.આ બનાવની એલસીબીએ તપાસ કરી હતી અને જે બેંક ખાતામાં નાણાં ટ્રાન્સફર થયા હતા તે ખાતેદારોની ડિટેઈલ્સ મેળવી હતી અને તેના આધારે તપાસનો દોર મુંબઈ તરફ લંબાવ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં ઠગ ટોળકીએ નાગેશભાઈ પાસેથી આંધ્ર બેંક, એક્સીસ બેંક, કરુરવૈશ્ય બેંક, કોટક મહિન્દ્રા બેંક, કર્ણાટકા બેંક,કેનેરા બેંક, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા,એસબીઆઈ અને બેંક ઓફ બરોડામાં નાણાં ટ્રાન્સફર કરાવ્યા હોઈ પોલીસે આ બેંકના જે ખાતેદારોના ખાતામાં નાણાં જમા થયા હતા તેઓની બેંકો પાસેથી માહિતી લઈને આરોપીની અટકાયતોનો દોર શરૂ કર્યો હતો અને પોલીસે પ્રથમ પાંચ ખાતેદાર આરોપીઓને ઝડપી પાડયા હતા જેમાં આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર સેલ્વા સંતોષ નાડર હોવાની વિગતો મળતા પોલીસે સેલ્વા સંતોષ અને તેને અન્ય એક સાગરીત સહિત સાતેય આરોપીની અટકાય કરી તેઓને અત્રે લઈ આવ્યા હતા.

કૈાભાંડના માસ્ટર માઈન્ટ સંતોષ મુંબઈની અલગ અલગ કંપનીઓમાં કોલ એટેન્ડન્ટ તરીકે નોકરી કર્યા બાદ ગત ૨૦૧૭માં દિલ્હીના ગાજીયાબાદ ખાતે તેના મિત્ર આશુતોષને મળ્યો હતો અને રાતોરાત કરોડપતિ થવા માટે તેઓએ ઠગાઈનો કારસો રચ્યો હતો. તેઓએ કોલ સેન્ટરમાં સારી રીતે વાતચિતનો અનુભવ ધરાવતા અન્ય આરોપીઓને પોતાની ગેંગમાં સામેલ કરી લાકેન્ટો નામની વેબસાઈટમાં તેઓએ જંગી પગારની નોકરીની તેમજ શારીરિક સંબંધો માટે એસ્કોર્ટ સર્વિસની ઓનલાઈન લોભામણી જાહેરાતો કરી હતી અને જે લોકો તેઓનો ઓનલાઈન સંપર્ક કરે તો તે ગ્રાહકો સાથે મોબાઈલ ફોનથી વાતચિત કરતા હતા. અત્યાર સુધી ટોળકીએ ૭૯થી વધુ મોબાઈલ નંબરોનો ઉપયોગ કરીને લોકોને વિશ્વાસમાં લઈને તેઓની પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી કરોડો રૂપિયાની ઠગાઈ કરી છે. પોલીસે આ કૈાભાંડમાં સાત આરોપીઓની ધરપકડ કરી તેઓની ઘનિષ્ટ પુછપરછ શરૂ કરી છે.

ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં ૩ કરોડથી વધુની ઠગાઈ

ઠગ ટોળકીએ લાકેન્ટો વેબસાઈટ પર સેક્સુઅલ અને વિવિધ જાતની મેમ્બરશીપની લોભામણી જાહેરાતો તેમજ અન્ય એપ્લીકેશન કે વેબસાઈટ પર નોકરી કે કામધંધા માટે પોતાનો બાયોડેટા મુકનારનો મોબાઈલ નંબરથી સંપર્ક કરતા હતા. ટોળકીએ લોભામણી વાતો કરીને ગુજરાત તેમજ તામીલનાડુ, આંધ્રપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્રમાં અનેક લોકો પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવીને ૩ કરોડથી વધુ પડાવી લીધા છે.

ટોળકી પાસેથી ૧૯.૬૫ લાખથી વધુની મત્તા જપ્ત

પોલીસે ઠગ ટોળકી પાસેથી ૧૭ મોબાઈલ ફોન તેમજ ૧૮ સીમકાર્ડ, ૨૦ સીમકાર્ડના કવર, ૫ પાસબુક, ૮ ચેકબુક, ૨૮ ડેબીટકાર્ડ, ૨ છુટ્ટા ચેક, ૨ રસીદ, ૧ કેવાયસી ફોર્મ, ૧ પાનકાર્ડનું અર્ધુભરેલુ ફોર્મ, ૧ સોનાની ચેન, ૪ સોનાની બંગડીઓ, ૧ સોનાનું મંગળસુત્ર, રોકડા ૨ લાખ, ૧ મારૂતિ અર્ટીકા કાર અને સીઝ કરેલા ૮,૯૩,૦૦૮ રૂપિયા સહિત ૧૯,૬૫,૭૦૮ની મત્તા જપ્ત કરી હતી. આ કૈાભાંડમાં હજુ ફરાર ભુષણ જગન્નાથ કામળે,વૈભવ નામદેવ ભોવળ અને શ્રીરામ શ્યામલાલ ગુપ્તાને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે.

બેંક કર્મીઓની સંડોવણી?

ઠગ ટોળકીએ અત્યાર સુધી વિવિધ બેંકોમાં ૪૯ ખાતા ખોલાવ્યા હોઈ તેઓની સાથે કેટલાક બેંક કર્મચારીઓની પણ સંડોવણીની શંકા સેવાઈ રહી છે. ટોળકી બેંકમાંથી હમેંશા પ્લેટીનમ એટીએમ કાર્ડ જ મેળવતી હતી જેથી તે નાણાં ટ્રાન્સફર થતા જ તુરંત મોટી રકમ ઉપાડી શકે.

કોણ-કોણ પકડાયું અને તેઓની શું ભૂમિકા

• સેલ્વા સંતોષ નટેશન નાડર (ઉ.૩૦,ઈન્દિરાનગર, મુલુન્ડ મુળ તામિલનાડુ) - કૈાભાંડનો મુખ્ય સુત્રધાર

• રમાકાન્ત પડોહી વિશ્વકર્મા (ઉ.૪૧ ઈન્દિરાનગર. મુળ ઉત્તરપ્રદેશ)- એટીએમમાંથી નાણાં ઉપાડનાર

• રાકેશ તારાચંદ જાધવ (ઉ.૪૧, ગૈારવગેલેક્ષી એપાર્ટમેન્ટ, ઈસ્ટમુંબઈ, મુળ અહેમદનગર)- મોબાઈલ ફોન પર વાત કરી લોભાણી લાલચ આપનાર

• સંદીપ ઉર્ફ સેન્ડી વિડય સિન્હા (ઉં.૨૫,એકદંત વિંગ, નાલાસોપારા, મુંબઈ, મુળ બિહાર) –મોબાઈલ ફોન પર વાત કરી લોભામણી લાલચ આપનાર

• જમીલખાન દુબર ખાન (ઉં.૩૭, સાંઈદિપક એપાર્ટમેન્ટ,કલ્યાણ, થાણે) – મોબાઈલ પર વાત કરી લોભામણી લાલચ આપનાર

• નિલોફર જમીલખાન ખાન (ઉં.૩૬,સાંઈદિપક એપાર્ટમેન્ટ, થાણે)- પોતાના બેંક ખાતા અને મોબાઈલ ફોન ભાડે આપનાર

• સજ્જાદ સત્તાર બેગ ઉર્ફ સુરેશ બેગાની પાટીલ (ઉ.૬૪, સાંઈદિપક એપાર્ટમેન્ટ, થાણે મુળ કર્ણાટક) પોતાના બેંક ખાતા અને મોબાઈલ ફોન ભાડે આપનાર