નવી દિલ્હી

ઈન્ડિયન પ્રીમિયર લીગ ની ૧૪મી સીઝન માટે તૈયારીઓ તડામાર ચાલી રહી છે. IPL ૨૦૨૧ની હરાજીનું આયોજન ૧૮ ફેબ્રુઆરીએ ચેન્નઈમાં થવાનું છે. બપોરે ત્રણ વાગ્યાથી ઓક્શન શરુ થશે.

ઓક્શન માટે કુલ ૧૦૯૭ ખેલાડીઓનું રજિસ્ટ્રેશન કરવામાં આવ્યું છે. તેમાંથી ૮૧૪ ભારતીય અને ૨૮૩ વિદેશી ખેલાડી સામેલ છે. જેની જાણકારી આઈપીએલ દ્વારા ટ્વિટર પર આપવામાં આવી છે.

ભારતના દિગ્ગજ ક્રિકેટર સચિન તેંડુલકરનો પુત્ર અર્જુન તેંડુલકર ૧૮ ફેબ્રુઆરીએ યોજાનારા આઈપીએલ ૨૦૨૧ની ઓક્શનમાં સામેલ થશે. રિપોર્ટ અનુસાર અર્જુન સાથે પ્રતિબંધ બાદ મેદાન પર વાપસી કરનાર એસ શ્રીસંત પણ આ હરાજીમાં સામેલ થશે.

ડાબોડી ફાસ્ટ બોલર અર્જુનની બેઝ પ્રાઈસ ૨૦ લાખ રૂપિયા છે. તે હાલમાં જ સૈયદ મુશ્તાક અલી ટી૨૦ ટ્રોફીમાં મુંબઈ માટે રમ્યો હતો અને તે છેલ્લા કેટલાક સમયથી મુંબઈ ઈન્ડિયન્સની ટીમ સાથે ટ્રેનિંગ કરી રહ્યો છે.શ્રીસંત પર લાગેલો પ્રતિબંધ આ વર્ષે સપ્ટેમ્બરમાં ખતમ થઈ ગયો હતો અને તે હાલજ રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીમાં રમ્યો હતો. તેની બેઝ પ્રાઈસ ૭૫ લાખ રૂપિયા છે.

હરાજી માટે જે ૨૮૩ વિદેશી ખેલાડીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. તેમાં સૌથી વધુ વેસ્ટઈન્ડિઝના ૫૬ ખેલાડી છે. તેના બાદ ઓસ્ટ્રેલિયાના ૪૨, દક્ષિણ આફ્રિકાના ૩૮, શ્રીલંકાના ૩૧, ન્યૂઝિલેન્ડના ૨૯, ઈંગ્લેન્ડના ૨૧, યૂએઈના ૯, નેપાળના ૯, સ્કોટલેન્ડના ૭, બાંગ્લાદેશના ૫ અને આયરલેન્ડ, ઝિમ્બાબ્વે, યૂએસએ અને નીધરલેન્ડના ૨-૨ ખેલાડીઓએ ઓક્શન માટે રજિસ્ટ્રેશન કરાવ્યું છે.