વડોદરા, તા.૧૪ 

કોરોનાના સંક્રમણમાં આવેલા અને કોવિડ હોસ્પિટલોમાં સારવાર લઇ રહેલા દર્દીઓ પૈકી આજે ભાજપ અગ્રણી કાર્યકર્તા અને પૂર્વ સ્થાયી સમિતિના અધ્યક્ષ તથા જંબુસર વેડજ ગામના અનાજ કરીયાણાના વેપારી સહિત ૧૧ દર્દીઓને કોરોના ભરખી ગયો હતો. વધુ નવા રેકોર્ડ બ્રેક ૭૬ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતાં. આ દર્દીઓની સંખ્યા ૩૨૧૯ ઉપર પહોંચી હતી. બીજી તરફ ડેથ ઓડિટ કમિટીએ વધુ ત્રણ દર્દીઓના મૃત્યું થયાને સમર્થન આપતા કોરોના દર્દીનો મૃત્યું આંક ૬૦ થયો હતો. બીજી તરફ હાલ ૭૮૫ દર્દીઓ પૈકી ૬૧૦ દર્દીઓ સ્ટેબલ તથા ૧૩૯ દર્દીઓ ઓક્સીજન તથા ૩૬ દર્દીઓ વેન્ટીલેટર તથા બાયપેપ ઉપર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું હતું. આજે કોરોનામાં મોતને ભેટનાર શહેરના ભાજપ અગ્રણી અને પૂર્વ સ્થાયી સમિતિ અધ્યક્ષ ઉ.૬૫ કોરોના સંક્રમિત થયા હતાં. તેમને વાઘોડિયા રોડની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેમનું સારવાર દરમિયાન નિધન થયું હતું. ગાજરાવાડી વિસ્તારના મંગલમુર્તિ એપાર્ટમેન્ટ બસ સ્ટેન્ડ પાસે રહેતા ૭૮ વર્ષના મહિલા દર્દીને શ્વાસની તકલીફ થતા તેણીને સારવાર માટે માંડવી સ્થિત ખાનગી ટ્રસ્ટની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યા તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન વૃદ્ધની તબિયત લથડતા મોત થયું હતું.  

પાદરા તાલુકાના કરજણ રોડ વાઘેશ્વરી સોસાયટીમાં રહેતાં ૭૩ વર્ષીય વૃદ્ધનો ગત તા.૭મીના રોજ કોરોનાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જેતલપુર રોડ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હોય જ્યા સારવાર દરમિયા મોત નિપજ્યું હતું. ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના સીગામ ગામે રહેતા ૭૨ વર્ષિય વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને ગત તા.૨૭ જુનના રોજ તેમનો કોરોના પોઝિટિવ આવ્યો હતો. તેમને રેષકોર્ષ સ્થિત ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. જ્યા તેમનું અવસાન થયું હતું. વાસણા રોડ સ્થિત શિવવાટીકામાં રહેતા અને જંબુસર તાલુકાના વેડજ ગામે અનાજ કરિયાણાની દુકાન ધરાવતાં વેપારી ઉ.૬૭ શ્વાસ લેવાની તકલીફ ઉભી થતા તેમને કોરોનાની સારવાર માટે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. વેપારીનું મૃત્યું થયું હતું.

સુરતના કતાર ખાતે સહજાનંદ સોસાયટીમાં રહેતા ૫૯ વર્ષના પુરૂષ કેફસાના ઇન્ફેક્શન સાથે સ્થાનિક હોસ્પિટલમાં દાખલ થયા હતાં. કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો. સુરતની કોવિડ હોસ્પિટલમાં વેન્ટીલેટર ખાલી ન હોવાને કારણે તબિબે દર્દીને વડોદરા ખાતે રીફર કર્યો હતાં. જ્યા દર્દીને શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જયાં તેમનું મોત થયું હતું. ખંભાત તાલુકાના જમલી મહોલ્લામાં રહેતા ૬૫ વર્ષના વૃદ્ધ કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને પાણીગેટ બહાર આવેલ મુસ્લિમ મેડીકેર સેન્ટરમાં દાખલ કર્યો હતો. જ્યાં તેમનું મોત થયું હતું. ભરૂચના પાલેજ ગામની અંકુર સોસાયટીમાં રહેતા ૫૨ વર્ષના વ્યક્તિને કોરોના લક્ષણો જણાતા તા.૬ ઠ્ઠીના રોજ સંગમ ચાર રસ્તા પાસે હોસ્પિટલમાં દાખલ કર્યો હતો. રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. કારેલીબાગ જલારામ મંદિર સામે આવેલ રાજેશ્વ દર્શન ટાવરમાં રહેતાં મુળ મુંબઇના રહેવાસી ૬૮ વર્ષના વૃદ્ધાને ફેફ્સાની તકલીફના કારણે વડોદરા શહેરની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એ દરમિયાન તેમની તબિયત વધુ બગતાં સારવાર દરમિયાન મોત થયું હતું. આ તમામ મૃતકોની અંતિમ વિધિ કોરોનાની ગાઇડ લાઇન અનુસાર કરવામાં આવી હતી. 

હવે માસ્ક નહીં પહેરનાર પાસે રૂ.૫૦૦નો દંડ વસૂલાશે

કોરોનાના કેસોમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સરકારે બહાર પાડેલી ગાઇડલાઇન મુજબ માસ્ક પહેરવું ફરજીયાત કરવામાં આવ્યું છે. જ્યારે માસ્ક નહી પહેરનાર પાસે રૂ.૨૦૦નો દંડ વસૂલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પરંતુ હવે માસ્ક નહી પહેરનાર પાસે રૂ.૫૦૦નો દંડ વસૂલાશે. આ સંદર્ભે પાલિકાના કમિશ્નરે જાહેરનામુ બહાર પાડીને જણાવ્યું છે કે, કેનદ્રી ગૃહમંત્રાલયના તા.૧૭-૫ના હુકમ તેમજ ગુજરાત સરકારના ગૃહવિભાગના જાહેરનામા અને તે સાથેની માર્ગદર્શિકાઓને ધ્યાને લેતા માસ્ક પહેર્યા વગર નિકળનાર પાસે હાલ રૂ.૨૦૦ દંડ તરીકે વસુલ કરવામાં આવે છે. પરંતુ શહેર વિસ્તારમાં પ્રવર્તી રહેલ કોરોના સંક્રમણ, એકંદર પરિસ્થિતિ અને વ્યાપને અટકાવવાના હેતુસર હવે પછી જે કોઇપણ વ્યક્તિ માસ્ક પહેર્યા વગર જણાશે તો હવે તેની પાસેથી રૂ.૫૦૦નો દંડ વસૂલ કરવામાં આવશે.

દર્દીની માહિતી છુપાવનાર તબીબ સામે પગલાં લેવાશે

રજીસ્ટર્ડ મેડિકલ પ્રેક્ટીશનર્સને હોમ બેજુડ કોવિડ કેર માટે કોવીદ કન્સલટન્ટ તરીકે નિમવામાં આવ્યા છે. તેઓના ધ્યાનમાં જાે કોઇ કોવિડ૧૯ દર્દીની માહિતી ઓપીડીમાં ધ્યાનમાં આવે તો તે પછીના આઠ કલાકમાં નજીકના અર્બન પ્રાયમરી હેલ્થ સેન્ટર ખાતે જાણ કરવાની રહેશે.

કોરોનામાં મૃત્યુ પામનાર દર્દીઓની અંતિમ વિધિ ખાસવાડી અકોટા, ગોત્રી અને વાસણા સ્મશાનગૃહ ખાતે કરી શકાશે

શહેરના વિવિધ ઝોન વિસ્તારમાં આવેલ હોસ્પિટલ ખાતે કોવિડ - ૧૯ શંકાસ્પદ અને પોઝિટિવને કારણે મૃત્યું પામનાર વ્યક્તિના સયમસર ઝડપથી અને સારીરીતે અંતિમ વિધિ થઇ શકે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા ગેસ ચિતા ધરાવતા સ્મશાન ગૃહો અકોટા સ્મશાન ગૃહ, વાસણા ખાતે આવેલ વાસમા સ્મશાન ગૃહ, ગોત્રી ખાતેના સ્મશાન ગૃહમાં અંતિમ વિધિ કરાશે તેમ મહાનગરપાલિકાના સુત્રોએ જણાવ્યું હતું. 

જી.એસ.એફ.સી. ના ઉચ્ચ અધિકારીની અભિનેત્રી પુત્રી સહિત બે વ્યક્તિનો કોરોના પોઝિટિવ આવ્યો

જી.એસ.એફ.સી કંપનીમાં ઉચ્ચ હોદ્દો ધરાવતાં અને સમા વિસ્તારમાં રહેતા અધિકારીની ૩૦ વર્ષિય અભિનેત્રી પુત્રી કે જે એક રાષ્ટ્રીય મનોરંજન સિરીયલમાં અભિનય અદા કરી રહી છે. તેણી લોક ડાઉન બાદ સિરીયલના શુટીંગ માટે ગઇ હતી. જ્યા તેણીની તબીયત બગડતાં પરત વડોદરા આવી હતી. જ્યાં શહેરની નાણાકીય ખાનગી હોસ્પિટલમાં તેનો કોરોના ટેસ્ટ કરાવતા રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેણીને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. એજ પ્રમાણે કંપનીના એમોનિયા પ્લાન્ટમાં ફરજ બજાવતાં કર્મચારીને પણ કોરોના પોઝિટિવ આવતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.