વડોદરા, તા.૨૧ 

કોરોનાના ચક્રવ્યુમાં સપડાયેલા અને હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા ૧૧ દર્દીઓના મૃત્યુ થયા હતાં. આજે મોતને ભેટેલા દર્દીઓમાં નિવૃત્ત શાળાના આચાર્ય, જ્વેલર્સ તથા ખેડૂતનો સમાવેશ થયો હતો. આજે વધુ નવા ૭૫ કોરોના પોઝિટિવ કેસોનો ઉમેરો થતાં કેસોની કુલ સંખ્યા ૪ હજાર નજીક ૩૭૫૭ ઉપર પહોંચી છે. ડેથ ઓડીટ કમિટીએ આજે વધુ બે કોરોનામાં દર્દીઓના મોત જાહેર કરતા કોરોના દર્દીઓનો મૃત્યુ આંક ૬૫ થયો હતો. ૬૧ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવતાં ડીસ્ચાર્જ દર્દીઓના વધારા સાથે ૩૦૬૩ ઉપર પહોંચી હતી. તદઉપરાંત ૬૨૯ દર્દીઓ પૈકી ૪૬૧ દર્દીઓ સ્ટેબલ, ૧૩૧ ઓક્સીજન પર તથા ૩૭ દર્દીઓ વેન્ટીલેટર પર હોવાનું તબિબ સુત્રોએ જણાવ્યું છે.

હરણી વારસીયા રીંગ રોડ પર અરવિંદ પાર્ક અને કારેલીબાગ સ્થિત સ્વામી વિવેકાનંદ સ્કૂલમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા નિવૃત્ત થયેલા ૮૧ વર્ષના આચાર્ય કોરોના સંક્રમિત બન્યા હતાં. તેમને સારવાર માટે સયાજીમાં સારવાર દરમિયાન મોત થયું હતું. હરણી સંગમ ચાર રસ્તા પાસે આવેલ વિજય નગરમાં રહેતાં અને આસોજમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં ૫૭ વર્ષના જ્વેલર્સ કેન્સરની બિમારીથી પિડાતા તેમને સારવાર માટે ગોરજ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતાં. તેમને કોરોનાના લક્ષણો જણાતા સમા સાવલી રોડ પરની ખાનગી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતાં. જ્યાં સારવાર દરમિયાન દર્દીનું મોત થયું હતું. ભરૂચ અંકલેશ્વરના નિરાંત નગરમાં રહેતા ખેડૂતને કોરોનાના લક્ષણો જણાતા તેમને પ્રથમ ભરૂચની સ્થાનિક હોસ્પિટલમાં લઇ જવાયા હતાં. તેમને અંકલેશ્વરથી શહેરની ન્યુ વી.આઇ.પી. રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં રીફર કર્યા હતાં. જ્યાં તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ત્યાર બાદ સારવાર દરમિયાન ખેડૂતનું મોત નિપજ્યું હતું. ડભોઇ ટાઉનના હિરાભાગોળ રામજી મંદિર પાસે રહેતાં ૭૨ વર્ષના વૃદ્ધ કોરોના સંક્રમિત થયા હતાં. તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતાં. દરમિયાન વૃદ્ધનું મોત નિપજ્યું હતું. ભરૂચ ઝાડેશ્વર ખાતેના રંગ ક્રિષ્ણા એવેન્યુમાં રહેતાં ૨૩ વર્ષિય યુવાન કોરોના સંક્રમિત થયા હતાં. તેમને સયાજી હોસ્પિટલમાં દાખલ કર્યાે હતો. તેમનો રીપોર્ટ આવે તે પૂર્વે જ મોત થયું હતું. સાવલી તાલુકાના અંજેસર ગામે રહેતા અને શાકભાજીનો ધંધો કરતાં ૩૮ વર્ષના યુવાનને કોરોનાના શંકાસ્પદ લક્ષણો જણાય આવતાં તેને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. જ્યાં સારવાર કર્યા વગર આખી રાત સુવડાવી રાખતાં તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તેનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવતાં સારવાર હાથ ધરી હતી. પરંતુ સારવાર દરમિયાન દર્દીનું મોત નિપજ્યું હતું. સુરેન્દ્ર નગર નવા ગામમાં રહેતાં ૬૩ વર્ષના વૃદ્ધને કેન્સરની બિમારીની સારવાર માટે ગોરજ દાખલ કરાયા હતાં. તેમનો કોરોના રાવેલ સ્ટેટ કરવામાં આવ્યો હતો. ટેસ્ટ રીપોર્ટ આવે તે પૂર્વે જ દર્દીનું મૃત્યું થયું હતું. મકરપુરા તુલસીશ્યામ સોસાયટીમાં રહેતાં ૫૬ વર્ષના વ્યક્તિ કોરોના સંક્રમિત થયા હતાં. ગોત્રીમાં સારવાર દરમિયાન આજે સવારે મોત નિપજ્યું હતું. ભરૂચ અંકલેશ્વર મસ્જીદ વાળા ફળિયામાં રહેતા ૪૦ વર્ષિય યુવાન કોરોના લક્ષણો દેખાતા સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન દર્દીનું ઇન્તેકાલ થયું હતું. 

ખાસવાડી સ્મશાનમાં આવેલ ગેસચિતા નિભાવણી કાર્ય માટે ત્રણ દિવસ બંધ

કોરોનાના સંક્રમણમાં આવેલા દર્દીઓની મૃત્યું સંખ્યામાં વધારો રોજ બરોજ થઇ રહ્યો હોય. આ તમામ મૃતકોના અંતિમ સંસ્કાર સેવા સદન દ્વારા કારેલીબાગ ખાતે આવેલ મોક્ષધામ ખાસવાડી સ્મશાન ગેસ ચિતામાં કરવામાં આવ્યા બાદ આ ગેસ ચિતા ખાતે રોજ બરોજ સંખ્યાબંધ કોરોનાના મૃતકોની અંતિમ વિધિ ચોવીસ કલાક કરવામાં આવી રહી છે. જેના પરિણામે ગેસ ચિતાની હાલત જર્જરીત તેમજ ઓછી પ્રેસરથી ગેસ આવવાથી સમસ્યાના મેન્ટેનન્સ માટે ત્રણ દિવસ બંધ રાખવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે.

સાવલીના ધારાસભ્ય બાદ પુત્ર પણ કોરોના પોઝિટિવ

કોરોના વાઇરસના સંક્રમણમાં સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર બાદ તેમના પુત્રને પણ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જેના લીધે તેમના પરિવારમાં કોરોના ચેપ લાગવાની દહેશત વ્યાપી છે. આ સાથે જુના પાદરા રોડ પાણીપુરીનો ધંધો કરતા ૪ જેટલા પાણીપુરીવાળાઓનો કોરોના પોઝિટિવ આવતાં ભારે ચકચાર મચી જવા પામી છે.