વડોદરા

કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને રેલમાર્ગથી જાેડવાના પ્રોજેક્ટ અંતર્ગત આવતીકાલે રેલવેતંત્ર દ્વારા ચાંદોદ-ડભોઈ-વિશ્વામિત્રી સુધી ૧૧૦ની સ્પીડે ટ્રાયલ રન લેવામાં આવશે. આ લાઈન પર ઈલેકટ્રીફિકેશનની કામગીરી પૂરી થઈ ગઈ છે. જ્યારે ચાંદોદથી કેવડિયા વચ્ચે ઈલેકટ્રીફિકેશનની કામગીરી પૂર્ણતાના આરે છે.

દેશનું પ્રથમ ગ્રીન રેલવે સ્ટેશન કેવડિયા સ્ટેશનનું લોકાર્પણ તા.૧૬મીએ થનાર છે. ચાંદોદથી કેવડિયા સુધી નવીન રેલ ટ્રેક નાખવાની કામગીરી લગભગ પૂરી થઈ ગઈ છે. હાલ આ સેકશન પર ઈલેકટ્રીફિકેશનની કામગીરી ચાલી રહી છે ત્યારે ડભોઈથી ચાંદોદ અને વિશ્વામિત્રીથી ડભોઈ સેકશનમાં ૧૧૦ની સ્પીડે ટ્રાયલ રન લેવાયા બાદ આવતીકાલે પશ્ચિમ રેલવેના સેફટી ઓફિસર અને ટીમ દ્વારા ચાંદોદ-ડભોઈ-વિશ્વામિત્રી વચ્ચેની રેલલાઈન પર ૧૧૦ની સ્પીડે ટ્રેન દોડાવીને ટ્રાયલ રન લેવામાં આવનાર છે.

આ ઉપરાંત આ સેકશન પર ઈલેકટ્રીફિકેશન અને સ્પીડ રાઈઝીંગના કાર્યની પણ સમીક્ષા કરવામાં આવશે. આ દરમિયાન રેલવે ટ્રેક ક્રોસ નહીં કરવાની સૂચના આપવામાં આવી છે. જ્યારે આગામી તા.૧૪મીએ ચાંદોદથી કેવડિયા વચ્ચે ટ્રાયલ રન લેવામાં આવશે તેમ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે કેવડિયા સ્ટેચ્યૂ ઓફ યુનિટીને સી-પ્લેન મારફતે જાેડયા બાદ હવે રેલ પ્રોજેકટ પૂરો થયા પછી રેલમાર્ગે પણ જાેડાઈ જશે. બરોડા એક્સપ્રેસ સહિત કેટલીક ટ્રેનો કેવડિયા સુધી લંબાવવાનું આયોજન છે.