વડોદરા, તા. ૧૩ 

જન્માષ્ટમીના દિવસો દરમ્યાન શહેરમાં વિવિધ જગ્યાઓએ શ્રાવણીયો જુગાર રમી રહેલા ૧૧૩ શખ્સોને વિવિધ પોલીસસ્ટેશનના કર્મીઓ દ્વારા જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યા હતા. આ તમામ લોકો પાસેથી કુલ ૧૯,૭૫,૪૦૦નો મુદ્દામાલ જપ્ત કરી તેઓની વિરુદ્ધ જુગારધારા હેઠળ કેસ કરવામાં આવ્યા છે.

શ્રાવણ મહિનાની શરૂઆતથી જ જુગારીયાઓનો મોસમ શરુ થઇ જાય છે. એવામાં સાતમ-આઠમના દિવસોમાં વધારે પડતા લોકો જુગાર રમવા બેસી જતા હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને પોલીસ આ બે દિવસ દરમ્યાન જુગારીયાઓને પકડવા વધુ સતર્ક થઇ જતી હોય છે. છેલ્લા બે દિવસમાં શહેરના વિવિધ પોલીસમથકોએ કુલ ૧૪ સ્થળોએ દરોડા પાડીને જુગારીયાઓને પકડયા હતા. જેમાં અજબડી મિલના ખુલ્લા કમ્પાઉન્ડમાંથી ૧૮ જુગારીયાઓને ૧,૩૪,૧૦૦ના મુદ્દામાલ સાથે, ફાજલપુર ગામની જુની પાણીની ટાંકી પાસે ૯ શખ્સોને ૧૩,૨૪૦ના મુદ્દામાલ સાથે, કારેલીબાગ વિસ્તારના જીમખાનામાં ૯ જુગારીયાઓને ૧૧,૨૦૦ના મુદ્દામાલ સાથે, પાણીગેટ રત્નકુંજ સોસાયટીના મકાનમાંથી ૮ જુગારીયાઓને ૯,૯૯,૪૦૦ના મુદ્દામાલ સાથે, વારસિયા વિસ્તારના મિલન પાર્ટીપ્લોટ સામેના જવાહર ફળિયાંથી ૭ લોકોને ૧,૫૯,૮૦૦ના મુદ્દામાલ સાથે, બકરાવાડી સ્થિત આઝાદ મેદાનમાં ૪ જુગારીયાઓને ૧૭,૨૨૦ના મુદ્દામાલ સાથે, દુમાડ ચોકડી પાસે ૧૨ લોકોને ૨,૦૩,૪૨૦ના મુદ્દામાલ સાથે, વાડી વિસ્તારમાંથી ૧૦ જુગારીયાઓને ૩૨,૯૦૦ના મુદ્દામાલ સાથે, સયાજીગંજ રેલવે સ્ટેશન પાસે અને મારવાડી મહોલ્લામાથી કુલ ૧૩ જુગારીયાઓને ૨,૦૯,૬૬૦ના મુદ્દામાલ સાથે, ગોત્રી તુલસી શ્યામ મંદિર પાસેના ખુલ્લા મેદાનમાંથી ૧૦ જુગારીયાઓને ૬૮,૦૯૦ના મુદ્દામાલ સાથે, વાસણા તળાવ પાસેના ખુલ્લા મેદાનમાંથી ૮ લોકોને ૧,૧૫,૦૦૦ના મુદ્દામાલ સાથે અને સયાજીપુરા ટાઉનશીપ પાસેના મારુતિનગરમાંથી ૫ જુગારીયાઓને ૧૧,૩૫૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા હતા.