વડોદરા : કોરોનાના સંક્રમણનો બીજાે તબક્કો શરૂ થઈ ચૂકયો છે. કોરોના વાઈરસના સંક્રમણને નિયંત્રણ કરવા માટે સરકાર દ્વારા તમામ પ્રયાસો થઈ રહ્યા છે. તમામ રાજ્યો અને તંત્ર દ્વારા કોરોના વાઈરસના સંક્રમણને રોકવા માટે તમામ સાવચેતીના પગલાં લેવાઈ રહ્યાં છે તેમ છતાં શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ વધી રહેલા કોરોનાના કેસો અંતર્ગત આજે ૧૧૩ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો નોંધાયા હતા. જેથી કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૧૮ હજાર નજીક એટલે કે, ૧૭,૯૧૫ પર પહોંચી ગઈ છે. આ સાથે કોરોનાની સારવાર લઈ રહેલા છ દર્દીઓના બિનસત્તાવાર આજે મૃત્યુ થયા હતા. જ્યારે ડેથ ઓડિટ કમિટીએ વધુ એક દર્દીનું કોરોનામાં મોત જાહેર કરતાં સત્તાવાર મૃત્યુઆંક મંદગતિએ વધીને રરર પર પહોંચ્યો હતો. આજે ૭૧ જેટલા દર્દીઓને હોસ્પિટલોમાંથી રજા આપવામાં આવી હતી, જેમાં ચાર દર્દીઓ સરકારી, ૧૮ દર્દીઓ ખાનગી હોસ્પિટલમાંથી, ૪૯ દર્દીઓને હોમ આઈસોલેશનમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે કુલ ડિસ્ચાર્જ સંખ્યા ૧૬,૪૭૧ થઈ હતી. સેવાસદનની આરોગ્ય વિભાગની ટીમો દ્વારા શહેરના અલગ અલગ વિસ્તારોમાં જેવા કે માંડવી, કારેલીબાગ, નવા યાર્ડ, કલાલી, દંતેશ્વર, શિયાબાગ, ઓ.પી.રોડ, સવાદ કવાર્ટર્સ, આજવા રોડ, માણેજા, અકોટા, દિવાળીપુરા, છાણી, પાણીગેટ, ફતેપુરા, મુજમહુડા, ફતેગંજ, તાંદલજા, સમા, ગોરવા, મકરપુરા સહિતના વિસ્તારો તેમજ ગ્રામ્યના કોયલી, શિનોર, પોર, ડભોઈ, કરજણ, વાઘોડિયા, પાદરા સહિતના વિસ્તારોમાં કુલ ૩૯૮૬ જેટલા કોરોનાના શંકાસ્પદ લક્ષણો ધરાવતી વ્યક્તિઓના સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાં ૩૮૭૬ નેગેટિવ અને ૧૧૩ પોઝિટિવ રિપોર્ટ આવ્યા હતા. બીજી તરફ હાલના તબક્કે વડોદરા શહેરની અલગ અલગ ખાનગી અને સરકારી હોસ્પિટલમાં ૧૨૨૨ દર્દીઓ કોરોનાની સારવાર લઈ રહ્યા છે. જેમાં ૬૨ દર્દીઓ વેન્ટિલેટર પર, ૧૫૯ દર્દીઓ ઓક્સિજન પર અને ૧૦૦૧ સ્ટેબલ હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. આજે આવેલા ૧૧૩ કોરોનાના પોઝિટિવ કેસોમાં ગ્રામ્યમાંથી ૪૧ અને શહેરના ચાર ઝોન પૈકી દક્ષિણ ઝોનમાં ૧૮, ઉત્તર ઝોનમાં ર૦, પશ્ચિમ ઝોનમાં ૧૮ અને પૂર્વ ઝોનમાં ૧૬ કેસોનો સમાવેશ થાય છે. આજે ધન્વંતરી આરોગ્ય રથની સાથે ૩૪ આરોગ્ય સર્વેની ટીમો દ્વારા આરોગ્ય સર્વે હાથ ધરાયો હતો. જેમાં ૪૭૭૧ મહિલા અને પુરુષની મેડિકલ તપાસ હાથ ધરી હતી.