વડોદરા : વડોદરા મહાનગર પાલિકા પછીથી ૨૮મી ફેબ્રુઆરીના રોજ વડોદરા જિલ્લા પંચાયત, જિલ્લાની આઠ તાલુકા પંચાયત અને ડભોઇ, પાદરા તથા સાવલી નગર પાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે. આ બેઠકોના ઉમેદવારોની પસંદગી કરવાને માટે ભાજપના પ્રદેશના નિરીક્ષકો દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં જિલ્લા પંચાયતની કુલ ૩૪ બેઠકોને માટે ૧૯૨એ તેમજ તાલુકા પંચાયતની ૧૭૪ બેઠકોને માટે ૬૮૯એ દાવેદારી રજુ કરી હતી. આ ઉપરાંત નગર પાલિકાઓની ૮૦ બેઠકોને માટે ૩૫૨ કાર્યકરો દ્વારા દાવેદારી રજુ કરાઈ હતી. આમ સમગ્ર જિલ્લાઆની જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગર પાલિકાઓની કુલ ૨૮૮ બેઠકોને માટે ૧૨૩૩ કાર્યકરોએ ઉમેદવારી કરવાને માટે પોતાની દાવેદારી નોંધાવી હતી. જ્યાં સુધી જિલ્લા પંચાયતની ચૂંટણીને લાગેવળગે છે, ત્યાં સુધી ૩૪ બેઠકોના ૧૯૨ દાવેદારોમાં સૌથી વધુ દાવેદારો વડોદરાની સાત બેઠકોને માટે ૪૩ છે. જ્યારે સૌથી ઓછા દાવેદારો ડેસરની બે બેઠકોને માટે બાર ઉમેદવારો છે. જ્યારે આજ પ્રમાણે આઠ તાલુકા પંચાયતોની ચૂંટણીઓને માટે ૧૭૪ બેઠકોના ૬૮૯ દાવેદારો છે. જેમાં સૌથી વધુ ૧૧૪ દાવેદારો વડોદરા તાલુકાની ૨૮ બેઠકોને માટે છે. જ્યારે સૌથી ઓછા દાવેદારો ડભોઇ તાલુકા પંચાયતની ૨૦ બેઠકોને માટે ૫૩ દાવેદારો છે. આ ઉપરાંત ત્રણ નગર પાલિકાની ચૂંટણીઓની વાત કરવામાં આવે તો ૮૦ બેઠકોને માટે ૩૫૨એ દાવેદારી નોંધાવી છે. જેમાં સૌથી વધુ દાવેદારી સાવલી નગર પાલિકાની ૨૪ બેઠકોને માટે ૧૩૯એ નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી દાવેદારી પાદરાની ૨૮ બેઠકોને માટે ૯૯એ નોંધાવી છે. આ બેઠકોની દાવેદારીને ટકાવારીની રીતે અને બેઠક દીઠ ઉમેદવારોની દાવેદારીની રીતે જાેવામાં આવે તો જિલ્લા પંચાયતની ચૂંટણીને માટે સૌથી વધુ સરેરાશ એક બેઠકને માટે ૬.૫ની દાવેદારી શિનોર બેઠકને માટે નોંધાઈ છે. જ્યાં બે બેઠકને માટે ૧૩એ દાવેદારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી દાવેદારી સાવલીને માટે બેઠક દીઠ ૪.૪ની જાેવા મળી છે. જ્યા પાંચ બેઠકને માટે બાવીસે દાવેદારી નોંધાવી છે. આજ પ્રમાણે તાલુકા પંચાયતની બેઠકોને માટે વિચારવામાં આવે તો આઠ તાલુકા પંચાયતો પૈકી પ્રતિ બેઠક સૌથી વધુ દાવેદારી વાઘોડિયામાં ૪.૬૫ના રેસિયોની નોંધાવા પામી છે. જ્યા ૨૦ બેઠકને માટે ૯૩એ દાવેદારી નોંધાવી છે. જ્યારે સૌથી ઓછી દાવેદારી ડભોઈને માટે ૨.૬૫ની રહેવા પામી છે. જ્યા ૨૦ બેઠકોને માટે ૫૩એ દાવેદારી નોંધાવી છે.આ ઉપરાંત ત્રણ નગર પાલિકાનો વિચાર કરવામાં આવે તો સૌથી વધુ દાવેદારી સાવલીને માટે ૫.૭૯ના રેસિયોની રહેવા પામી છે. જ્યા ૨૪ બેઠકને માટે ૧૩૯એ દાવેદારી નોંધાવી છે. જયારે સૌથી ઓછી પાદરાને માટે ૩.૫ની રહેવા પામી છે. જ્યાં ૨૮ બેઠકોને માટે ૯૯એ દાવેદારી નોંધાવી હતી. આમ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગર પાલિકાની ચૂંટણીઓને માટે દાવેદારી મોટા પ્રમાણમાં નોંધાતા પસંદગીને માટે અગ્નિ પરીક્ષા થશે એમ ચર્ચાય છે.  

જિલ્લા પંચાયતની ૩૪ બેઠકો માટે ૧૯૨ દાવેદારો

જિલ્લા પંચાયતની ૩૪ બેઠકોને માટે ૧૯૨ દાવેદારોએ દાવેદારી નોંધાવી છે. જેમાં કરજણની ચાર બેઠકોને માટે ૨૧ દાવેદારો સ્પર્ધામાં છે. આજ પ્રમાણે અન્ય બેઠકોમાં વાઘોડિયાની ચાર બેઠકો માટે ૨૪, સિનોરની બે બેઠકો માટે ૧૩, ડભોઇની ચાર માટે ૨૧, પાદરાની છ માટે ૩૬, વડોદરાની સાત માટે ૪૩, સાવલીની પાંચ માટે ૨૨ અને દેસરની બે બેઠકોને માટે ૧૨ કાર્યકરોએ દાવેદારી નોંધાવી હતી.

સાવલી નગરપાલિકા માટે મોટાપાયે દાવેદારી,જ્યારે જિલ્લા પંચાયતની બેઠક માટે ઓછી સ્પર્ધા

આગામી ૨૮ ફેબ્રુઆરીના રોજ યોજાનાર વડોદરા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને ત્રણ નગર પાલિકાઓની ચૂંટણીમાં સાવલી નગરપાલિકા માટે મોટાપાયે દાવેદારી ,જયારે જિલ્લા પંચાયતની બેઠક માટે ઓછી સ્પર્ધા જાેવા મળી રહી છે. સાવલી નગર પાલિકાની ૨૪ બેઠકોને માટે ૧૩૯એ દાવેદારી નોંધાવી છે. જેનો રેસીઓ બેઠક દીઠ ૫.૭૯નો છે. જયારે જિલ્લા પંચાયતની પાંચ બેઠકને માટે માત્ર ૨૨ દાવેદારો આવતા આ રેસીઓ માત્ર ૪.૪નો હોવાથી ઓછી સ્પર્ધા હોવાનું જાેવા મળ્યું છે.

તાલુકા પંચાયતની ૧૭૪ બેઠકો માટે ૬૮૯ દાવેદારો

વડોદરા જિલ્લાના આઠ તાલુકાઓની તાલુકા પંચાયતોની ૧૭૪ બેઠકોને માટે ૬૮૯ કાર્યકરોએ દાવેદારી નોંધાવી છે. જેમાં કરજણમાં ૨૦ બેઠકો માટે ૮૮, વાઘોડિયામાં ૨૦ બેઠકો માટે ૯૩, સિનોરમા ૧૬ બેઠકોને માટે ૫૫, ડભોઇમાં ૨૦ બેઠકોને માટે ૫૩,પાદરમાં ૨૬ માટે ૧૦૪, વડોદરામાં ૨૮ માટે ૧૧૪, સાવલીમાં ૨૨ માટે ૯૧ અને ડેસરમાં ૨૨ માટે ૯૧ દાવેદારોએ પોતાનો દાવો રજુ કર્યો છે.

ત્રણ નગરપાલિકાની ૮૦ બેઠકો માટે ૩૫૨ની દાવેદારી

વડોદરા જિલ્લામાં આવેલ સાવલી, પાદરા, ડભોઇ નગર પાલિકાની ૮૦ બેઠકોની ચૂંટણીઓને માટે ૩૫૨એ દાવેદારી નોંધાવી છે. જેમાં ડભોઇમાં સાત વોર્ડની ૨૮ બેઠકોને માટે ૧૧૪એ, પાદરા નગર પાલિકાની સાત વોર્ડની ૨૮ બેઠકોને માટે ૯૯એ અને સાવલી ન.પા.ની છ વોર્ડની ૨૪ બેઠકોને માટે ૧૩૯એ દાવેદારી નોંધાવી છે. જેને લઈને આ બેઠકો પર પણ પસંદગીને માટે ખાસ કરીને સાવલી માટે લોઢાના ચાના ચાવવા જેવું સાબિત થશે.