વડોદરા : શહેરમાં પ્રથમવાર ‘ગુજસીટોક’ અંતર્ગત નોંધાયેલા પ્રથમ ગુનામાં બિચ્છુગેંગના ૧૨ માથાભારે તત્ત્વોની પોલીસે ધરપકડ કરી હતી. ક્રાઈમ બ્રાન્ચે ઝડપેલા તમામ આરોપીઓને ખાસ અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા અને ૩૦ દિવસના રિમાન્ડની માગ કરી હતી. અદાલતે તમામના ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યાં છે. ગુજરાત સરકારે અમલમાં મુકેલા આતંકવાદ અને ઓર્ગેનાઈઝ્‌ડ ક્રાઈમ માટેનો ખાસ કાયદો ‘ગુજસીટોક’નો વડોદરા પોલીસે પહેલીવાર ઉપયોગ કરી ગેંગસ્ટર અસલમ બોડિયા અને બિચ્છુગેંગના ૧૨ નામચીનની ધરપકડ કરી આજે રિમાન્ડ માટે વડોદરાની કોર્ટમાં રજૂ કરતાં સરકારે નિયુક્ત કરેલા સ્પેશિયલ પ્રોસિકયુટરની દલીલો સાંભળી કોર્ટે આરોપીઓના તા.૩ ફેબ્રુઆરી સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.

વડોદરા પોલીસે પ્રથમ વખત ‘ગુજસીટોક’ કાયદાનો ઉપયોગ કરી વડોદરાના નામચીન બિચ્છુગેંગ સામે કાર્યવાહી કરી ગઈકાલે બિચ્છુગેંગના ૧૨ આરોપીઓની ધરપકડ કભરી હતી જેમાં મહંમદ તોસીફ ઉર્ફે બલ્લુ શેખ, ઈર્શાદ અલી ઉર્ફે ખાલી સૈયદ, મહંમદ ઈશાક ઉર્ફે લાલા દૂધવાલા, સુલતાન ઉર્ફે ટીપુ શેખ, મોહંમદ સાજિદ ઉર્ફે કટાર શેખ, મોઈન ઉર્ફે બકરી સૈયદ, મહંમદ નદીમ ઉર્ફે ભોલુ દાઢી સિંધી, હનીફ ઉર્ફે બાટલો પઠાણ, અશરફ ખાન પઠાણ, તોસિફ ઉર્ફે ભુરીયો મલેક, રમજાન ઉર્ફે કાલિયો દાઢી સિંધી, મહંમદ હનીફ ઉર્ફે અન્નુમિયા શેખનો સમાવેશ થાય છે, જ્યારે અસલમ બોડિયા સહિત અન્ય ૧૪ આરોપીઓ ફરાર થઈ ગયા હતા.

પોલીસે ‘ગુજસીટોક’ કાયદા હેઠળ ધરપકડ કરેલા ૧૨ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને સ્પેશિયલ પ્રોસિકયુટર રઘુવીર પંડયાએ દલીલ કરી હતી કે હાલમાં પકડાયેલા આરોપીઓ કોના કહેવાથી, કોની સલાહથી, કોના દ્વારા, ક્યારે અને કયા ઉદ્દેશથી આ બિચ્છુગેંગ બનાવી છે તેમજ આ ગેંગ દ્વારા વેપારીઓને ટોર્ચર કરી ખંડણી ઉઘરાવી તેને ક્યાં રોકાણ કર્યા છે, કોના મારફતે રોકાણ કર્યા છે અને આ ટોળકી ગુનાહિત કૃત્ય કરે છે તેની પાછળ કોનું પીઠબળ છે તેની જાણકારી મેળવીને સમાજ પર દાખલો બેસે તે પ્રમાણે પોલીસે કાર્યવાહી કરવાની બાકી છે તેમજ અન્ય તેમની ગેંગના મુખ્ય સૂત્રધાર અને તેના સાથીદારોને પકડવાના બાકી છે. આ દલીલોને આધારે કોર્ટે ૧૨ નામચીન આરોપીઓના તા.૩ ફેબ્રુઆરી સુધી ૧૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હોવાનું જાણવા મળે છે.