વડોદરા : વડોદરા શહેરના મેયર કેયુર રોકડિયાએ તાજેતરમાં કોરોના વોર્ડની મુલાકાત લીધા પછીથી તેઓને કોરોનાના લક્ષણો જેવું લાગતાં એનો ટેસ્ટ કરાવતાં જે રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. રોકડિયાએ આજે સોશિયલ મીડિયા ઉપર આ જાણકારી આપી હતી. તેઓએ જણાવ્યું હતું કે તેમના સંપર્કમાં આવેલા તમામને કોરોનાના ટેસ્ટ કરાવી લેવા માટે અપીલ કરી હતી. ઈન્કમટેક્સ વિભાગના ર૭ કર્મચારીઓ પણ કોરોના સંક્રમિત થયા છે, જેને પગલે ઈન્કમટેક્સ કચેરી બંધ કરીને સેનિટાઈઝેશન કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ઈન્કમટેક્સ ઓફિસ બંધ હોવાને કારણે માર્ચ એન્ડિંગમાં કામગીરીમાં અસર પહોંચશે.

આ ઉપરાંત સેન્ટ્રલ એક્સાઈઝ કચેરીમાં પણ કોરોનાએ દેખા દેતાં ફફડાટ વ્યાપ્યો છે. જ્યારે શહેર-જિલ્લામાં મહાનગરપાલિકા દ્વારા જાહેર કરેલા આંકડાઓ મુજબ આજે દિવસ દરમિયાન ૧૬૩ વ્યક્તિઓના કોરોનાના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. આજે બિનસત્તાવાર મૃત્યુઆંક આઠ થયો છે. છેલ્લા બે દિવસની સરખામણીએ એક તરફ કેસોની સંખ્યા વધતી જાય છે. જેને લઈને શહેરીજનોમાં ભયનો માહોલ ફેલાયો છે. શહેરના ચારેય ઝોનમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા માંડયું છે. આરોગ્ય વિભાગ દ્વારા આજે જાહેર કરવામાં આવેલ મેડિકલ બુલેટિનમાં વિતેલા છેલ્લા ર૪ કલાકમાં ૧૧૬૩ વ્યક્તિઓના રિપોર્ટ પોઝિટિવ આવતાં દર્દીઓનો કુલ આંક ૨૬,૬૦૪ ઉપર પહોંચ્યો હતો, જ્યારે હાલમાં ૮૫૦ જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે જે પૈકી ૬૫ વેન્ટિલેટર ઉપર, ૧૧૮ ઓક્સિજન ઉપર હોવાનું તેમજ ૬૬૭ સ્ટેબલ તેમજ ૮૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા છે. આમ કુલ ૨૫,૫૦૮ દર્દીઓને ડિસ્ચાર્જ આપવામાં આવ્યા હોવાનું સૂત્રોએ દ્વારા જાણવા મળ્યું છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ બાદ કોરોના વાઈરસ શહેર-જિલ્લામાં ફેલાઈ રહ્યો છે અને રોજબરોજ કોરોનાના કેસોની સંખ્યામાં વધારો નોંધાઈ રહ્યો છે. કોરોના પોઝિટિવ કેસોની વધી રહેલ સંખ્યાને કારણે આરોગ્ય વિભાગે દોડધામ મચાવી મુકી છે. શહેરના ચારેય ઝોન અને ગ્રામ્ય વિસ્તારના આંકડા ઉપર નજર કરીએ તો પૂર્વ ઝોનમાં કુલ આંક ૩૯૭૬, પશ્ચિમ ઝોનમાં ૪૪૬૨, ઉત્તર ઝોનમાં ૫૨૪૦, દક્ષિણ ઝોનમાં ૪૮૮૨ અને ગ્રામ્ય વિસ્તારમાં ૮૦૦૮ દર્દીઓ નોંધાયા હતા, જ્યારે ૩૬ કેસ બહારના નોંધાયા છે. શહેરમાં કોરોનાના નવા કેસો નોંધાયા છે જેમાં કિશનવાડી, રામદેવનગર, વારસિયા, કારેલીબાગ, નવાપુરા, સમા, એકતાનગર, ચાણકયપુરી, રંગમહલ, ગાજરાવાડી, કપુરાઈ, સોમા તળાવ, વાઘોડિયા રોડ, માંજલપુર, લાલબાગ, દરબાર ચોકડી, ચોખંડી, યમુના મિલ, માણેજા, દંતેશ્વર, વડસર, મકરપુરા, તાંદલજા, અટલાદરા, ગોત્રી અને સુભાનપુરાનો સમાવેશ થાય છે. જ્યારે ગ્રામ્યના અનગઢ, આંતી, ખાનપુર, ઊંડેરા, પાદરા, ગુતાલ, ગવાસદ, ડભોઈ અને કરજણ અર્બનનો સમાવેશ થાય છે.

કોરોના ટેસ્ટ માટે ૬ ખાનગી લેબમાં ધસારો ઃ ૪૮ કલાકનું વેઇટિંગ ઃ ખાનગી લેબમાં ટોકનથી એપોઇન્ટમેન્ટ

વડોદરામાં કોરોનાના વધતા કેસોને સમાંતરે વડોદરાની ખાનગી લેબોરેટરીઓમાં પણ લોકોનો ટેસ્ટિંગ માટેનો ધસારો જબરદસ્ત રીતે વધી રહ્યાં છે. શહેરની લેબોરેટરીઓમાં જ ૨૦૦૦થી વધુ ટેસ્ટિંગ થઇ રહ્યા હોવાનો અંદાજ મુકાય છે. એક લેબના રિપોર્ટ આપતાં સ્ટાફે જ રોજના ૮૦ ટકા કેસો પોઝિટિવ આવતા હોવાનું જણાવ્યું હતું. ખાનગી લેબોરેટરીમાં જ ૪૮ કલાકનુંં વેઇટિંગ ચાલે છે. જ્યારે અન્ય લેબમાં ધસારાને ખાળવા માટે ટોકન અને ઓનલાઇન એપોઇન્ટમેન્ટ શરૂ કરવામાં આવી છે. લોકો ભરબપોરે પણ કોરોના ટેસ્ટ કરાવવા લાઇનોમાં ઊભા રહે છે. કેટલાક વિસ્તારમાં તો લોકોના વિરોધને લીધે લેબોરેટરીએ સેન્ટર બંધ કરવાની પણ ફરજ પડી છે. રેસકોર્સ વિસ્તારમાં આવેલ એક ખાનગી લેબમાં સવારથી જ લોકોની ટેસ્ટિંગ માટે લાઇનો પડી જાય છે. આ અંગે મળતી માહિતી અનુસાર હાલમાં રોજના ૧૫૦ જેટલા ટેસ્ટિંગ થઈ રહ્યા છે. જેમાં બહારની ઇન્સ્ટિટ્યૂટમાંથી આવતા સેમ્પલોનો સમાવેશ થાય છે. ટેસ્ટિંગ વધુ થતાં વેઇટિંગ વધ્યું છે. જાે કે કેટલાક પોઝિટિવ આવે છે તે કહી શકાય તેમ નથી. બપોરના બે વાગ્યાના ગાળામાં ધોમધમખતા તાપમાં ૨૫થી વધુ લોકો કોરોના રિપોર્ટ માટે આવ્યા હતા, જ્યાં ભરબપોરે લાઇનો પડી હતી. લોકો પોતાના નંબરની રાહ જાેઇ રહ્યા હતા ત્યારે એક સિનિયર સિટિઝનને લાંબો સમય સુધી રાહ જાેવાને લીધે ઘટના સ્થળે જ ચક્કર આવ્યા હતા અને જાેતજાેતામાં તેઓ ઢળી પડ્યા હતા. આ બાબતે હાજર વ્યક્તિઓએ હોબાળો કર્યો હતો. આ ડ્રામા ૧૫થી ૨૦ મિનિટ સુધી ચાલ્યો હતો. સંચાલકોની દરમિયાનગીરીથી મામલો માંડ થાળે પડ્યો હતો. કોરોના ટેસ્ટ કરવા માટે લેબમાં આવતા લોકોની સંખ્યા એટલી બધી વધી ગઇ છે કે, જે રહેણાંક વિસ્તાર કે કોમ્પલેક્સમાં લેબોરેટરીની બ્રાન્ચ હોય છે, ત્યાં રીતસરનો લોકોએ વિરોધ કરવાનો શરૂ કર્યો છે. લોકોના આ ધસારાથી કારેલીબાગ વિસ્તારમાં આવેલા એક કોમ્પ્લેક્સનો લેબોરેટરીનો વિરોધ કરતાં સંચાલકે આ બ્રાન્ચને બંધ કરવાની ફરજ પડી હતી.

ગોત્રી-સયાજી હોસ્પિટલમાં ઓક્સિજન લેવલ ૯૩થી નીચે હોય એમને જ દાખલ કરાશે

વધતા જતા કોરોનાના કેસો અને દર્દીઓની સંખ્યા સામે હોસ્પિટલની ક્ષમતાને ધ્યાનમાં રાખીને એક મહત્વનો ર્નિણય લેવામાં આવ્યો છે.જે અનુસાર જે દર્દીઓનું ઓક્સિજન લેવલ ૯૩થી નીચે હશે એવા દર્દીઓને જ ઇન્ડોર પેસન્ટ તરીકે દાખલ કરવામાં આવશે. અન્ય તમામને પ્રાથમિક સારવાર અને દવાઓ લખી આપીને કેટલીક સૂચનાઓનું પાલન કરવાનું સમજાવીને હોમ ક્વોરેન્ટાઇન રહેવાની સલાહ આપીને જવા દેવામાં આવશે.

કારેલીબાગ એસબીઆઈ શાખામાં વધુ એકવાર કોરોનાનો પગપેસારો

વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં આવેલ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાની શાખામાં ગ્રાહકોની સતત આવનજાવન અને કર્મચારીઓ સાથેના વિવિધ વ્યવહારોને લઈને થતા કામકાજને કારણે કોરોનાનો પગપેસારો થવા પામ્યો છે. જેને કારણે કર્મચારીઓ સંક્રમિત થવા પામ્યા છે.આને લઈને શાખાને બંધ કરી દઈને સૅનેટાઇઝેશનની કામગીરી કરાશે.માર્ચ એન્ડમાં આવી સ્થિતિ સર્જાતા વિકટ સ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે.

ગોત્રીમાં વધુ ૫૦ આઇસીયુ બેડ અને ઈએસઆઈમાં ૫૦ બેડની સુવિધા વધારાશે

ગોત્રીની હોસ્પિટલ ખાતે કોવીડ સારવાર વિભાગમાં ઉપલબ્ધ ૫૭૫ બેડ પૈકી ૩૧૨ બેડ પર દર્દીઓ છે અને ૨૬૩ ખાલી બેડ ઉપલબ્ધ છે. અહીંની ૧૫૦ બેડની આઇ.સી.યુ. સુવિધા ખાતે ૧૩૪ બેડ પર દર્દીઓ છે.તેને અનુલક્ષીને મેઇન બિલ્ડિંગમાં ચોથા માળે ઉપલબ્ધ ૫૦ બેડને આઇ.સી.યુ.માં ફેરવવાનો ર્નિણય લીધો છે. વધુમાં, ગોત્રી ખાતેની ઈ.એસ.આઇ.હોસ્પિટલ ખાતે ૫૦ બેડની કોરોના સારવાર સુવિધા કાર્યરત કરાશે.

૧૦૨ ટીમો ઘરે સારવારના દર્દીઓની મુલાકાત લઇ જરૂરી દવાઓ આપશે

ઘર સારવાર હેઠળના વડોદરા શહેરના કોવીડના દર્દીઓની ઉચિત સાર સંભાળ લેવા સંજીવની અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે.તેના હેઠળ, પ્રત્યેક બે સદસ્યોની બનેલી ૧૦૨ ટીમો શહેરી વિસ્તારમાં ઘેર રહીને સારવાર લઈ રહ્યાં છે તેવા કોરોનાના દર્દીઓની મુલાકાત લેશે અને રોગના લક્ષણો પર નજર રાખવાની સાથે ,તેમની સારવારનું યોગ્ય સંકલન કરશે અને ઘેર બેઠા જરૂરી દવાઓ પણ આપશે. આવશ્યકતા જણાશે તો આગામી દિવસોમાં ટીમોની સંખ્યા વધારવામાં આવશે.પ્રત્યેક ટીમ દૈનિક ઘર સારવાર હેઠળના દર્દીઓની મુલાકાત લે, પલ્સ ઓક્સીમિટર, બીપી માપક યંત્ર અને થર્મલ ગન જેવા ઉપકરણોની મદદથી તાપમાન, લોહીનું દબાણ, પ્રાણવાયુંનું પ્રમાણ અને શારીરિક લક્ષણોની ચકાસણી કરે અને દર્દીની સારવાર પર નજર રાખે એ પ્રકારે આયોજન કરવામાં આવ્યું છે. જાે કોઈ દર્દીને દવાખાનામાં દાખલ કરવાની જરૂર લાગશે તો તેનું સંકલન કરશે. આ ટીમો દર્દીઓને ઘેર બેઠા જરૂરી દવાઓ પણ આપશે અને દિવસમાં એક કે બે વાર તેમનો ટેલીફોનીક સંપર્ક કરશે. શહેરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ના તબીબી અધિકારીઓ આ ટીમોની કામગીરીનું નિરીક્ષણ કરશે, ઘર મુલાકાત અને ફોલોઅપની નોંધ રખાશે તથા જરૂર જણાય તેવા કિસ્સાઓના ટેલી મેડીસીન સેવાઓ સાથે વધુ સારવારનું સંકલન કરશે.

હાઈરિઝોલ્યુશન સીટી સ્કેન ઓફ ચેસ્ટ - એચઆરસીટીના ભાવો નક્કી કરાયા

કોરોનાના કેસોમાં થયેલા એકાએક ઉછાળાને પગલે તમામ દર્દીઓને રાહત દરે સારવાર કરાવી શકે એને માટે તમામ સરકારી હોસ્પિટલોમાં સીટી સ્કેન મશીનોને કાર્યરત કરવામાં આવ્યા છે.જ્યાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને નિઃશુલ્ક એચઆરસીટી કરી આપવામાં આવશે. જયારે અન્ય દર્દીઓ પાસેથી આ પેટે માત્ર ૧૨૦૦ રૂપિયાનો ચાર્જ સયાજી હોસ્પિટલ અને જીએમઈઆરએસ હોસ્પિટલ ગોત્રી ખાતે લેવામાં આવશે. જયારે આને માટે ખાનગી લેબો રૂપિયા ૨૫૦૦ થી વધુ ચાર્જ વસૂલી શકશે નહી.એવો આદેશ બહાર પાડવામાં આવ્યો છે. આ દરો ખાનગી હોસ્પિટલો,ટ્રસ્ટની હોસ્પિટલો અને રેડિયોલોજી તેમજ ડાયગ્નોસ્ટિક સેન્ટાર્સને પણ લાગુ પડશે.

કોરોનાના મૃતકોને ગેસ કે ઇલેક્ટ્રિકને બદલે લાકડાની ચિતામાં અંતિમવિધિ કરતાં ચિંતા વ્યાપી

વડોદરા શહેરમાં કોરોનાના મૃતકોને ઇલેક્ટ્રિક કે ગેસ ચિતામાં અગ્નિદાહ આપવાનો નિયમ છે.પરંતુ કોરોણાની આ કહેરમાં તંત્ર દ્વારા કોરોનાના મૃતકોની અંતિમવિધિ કોરોનાના નિયમાનુસાર કરવામાં આવે એ પ્રત્યે બેધ્યાન રહેતા મોટાભાગના કોરોનાના દર્દીઓ મૃત્યુ પામે એ પછીથી એમની અંતિમક્રિયા ગેસ કે ઇલેક્ટ્રિક ચિતામાં કરવાના બદલે ખુલ્લેઆમ લાકડાની ચિતા પર કરવામાં આવતા ચોતરફ હવામાં એના જમ્સના ફેલાવાને કારણે આ બાબતે સ્મશાનગૃહોની આસપાસમાં રહેનારાઓના જીવ તાળવે ચોંટી ગયા છે. તેમજ ભય વ્યાપી ગયો છે

સયાજી હોસ્પિટલ ખાતે ઘેરબેઠાં સારવાર માટે સંજીવની અભિયાનનો પ્રારંભ કરાયો

ખાસ ફરજ પરના અધિકારી અને શિક્ષણ સચિવ ડો.વિનોદ રાવે ઘરે રહીને કોવિડની સારવાર એટલે કે હોમ બેઝ કોવીડ કેરને વધુ સુદ્રઢ કરવાના હેતુસર સંજીવની અભિયાનનો સયાજી હોસ્પિટલના ઓડીટોરિયમ ખાતે પ્રારંભ કરાવ્યો હતો. તેમણે તથા આરોગ્ય અધિકારીઓએ આ અભિયાનની ઘેર રહીને સારવાર લેતા દર્દીઓની મુલાકાત સહિતની કાર્ય પદ્ધતિનું તેની સાથે સંકળાયેલા આશા વર્કર,નર્સ બહેનો, તબીબી અઘિકારીઓ અને ઝોનલ અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું. .જેમની ઘર સારવાર શક્ય છે એ લોકો બિન જરૂરી દવાખાનામાં દાખલ ન થાય અને ખોટો ખર્ચ ન કરે એ પ્રકારની સ્થિતિ સર્જવામાં આ અભિયાન ઉપયોગી બનશે. અગ્રિમ આયોજનના ભાગરૂપે ૫૦ આઇસીયુ બેડ વધારવાનો ર્નિણય લઈને તેમણે ન્યુ સર્જિકલ બ્લોકના જી- ૧ વોર્ડ અને જૂની ઇમરજન્સી બિલ્ડિંગના અન્ય એક વોર્ડનું નિરીક્ષણ કર્યું હતું અને સુવિધાઓને આઇસીયુમાં પરિવર્તિત કરવા માટે વિચાર વિમર્શ કર્યો હતો.