ગાંધીનગર, માહિતી અધિકાર કાનૂન (આરટીઆઇ) હેઠળ માંગેલી માહિતીમાં ચોંકાવનારા ખુલાસા થયા બાદ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા ડૉ. મનિષ દોશી દ્વારા શિક્ષનની કથળતી જતી સ્થિતિ અંગે રાજ્યની ભાજપ સરકાર ઉપર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.માહિતી અધિકાર કાનૂન (આરટીઆઇ) હેઠળ માંગવામાં આવેલી માહિતીમાં રાજ્ય સરકારના શિક્ષણ વિભાગની કથળતી જતી સ્થિતિ અંગે ખુલાસા સામે આવ્યા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસનાં મુખ્ય પ્રવકતા ડૉ. મનીષ દોશીએ રાજ્યની ભાજપ સરકાર ઉપર પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકારની ભ્રષ્ટ નીતિરીતિના કારણે ગુજરાત શિક્ષણમાં પાછળ ધકેલાઈ ગયું છે. દોશીએ જણાવ્યું છે કે, રાજ્ય સરકારની અણઘડ નીતિના કારણે રાજ્યના ટેટ-ટાટ પાસ થયેલ ૫૦ હજાર જેટલા યુવાન - યુવતીઓ શિક્ષક બનવા માટે છેલ્લા ચાર વર્ષથી રાહ જાેઈ રહ્યા છે. રાજયમાં શિક્ષક વિનાની શાળા, શાળા વિનાનું ગામ, ગ્રામ સેવક વિનાનું ગામ, ડોક્ટર વિનાનું દવાખાનુ ભાજપ સરકારનું વિકાસ મોડલ હોવાનો પણ કટાક્ષ તેમણે કર્યો હતો. ડૉ. મનીષા દોશીએ વધુમાં જણાવ્યું હતું કે આરટીઆઇ હેઠળ માંગેલી એક માહિતીમાં સરકારે આપેલા જવાબ અનુસાર રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ૧૫૦૦૦થી વધુ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે. રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓના ધો. ૬ થી ૮ના વર્ગોમાં કુલ ૮,૨૭૩ વિદ્યાસહાયકની જગ્યા ખાલી પડેલી છે. જેમાં ગણિત વિજ્ઞાનના ૩,૩૨૪ શિક્ષકો, સામજિક વિજ્ઞાનમાં ૩,૦૮૭ શિક્ષકો, ભાષાના ૧,૮૬૨ શિક્ષકોની જગ્યાઓ ખાલી પડેલી છે. આમ રાજ્યની પ્રાથમિક શાળાઓના ઉચ્ચતર પ્રાથમિક વિભાગમાં ૮,૨૭૩ વિદ્યાસહાયકની ચોખ્ખી જગ્યાઓ ખાલી પડેલી છે.કોંગ્રેસનાં પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યની શાળાઓમાં ધોરણ ૧ થી ૫ની લાયકાત વાળા ૨,૧૮૮ શિક્ષકો હાલના સંજાેગોમાં ધોરણ ૬ થી ૮માં કામ કરે છે.જાે એમને ધોરણ ૬ થી ૮ ના મહેકમમાં ગણવામાં ન આવે તો, રાજ્યની વિવિધ પ્રાથમિક શાળાઓમાં ધોરણ ૬ થી ૮ માં ૧૦ હજાર કરતા વધુ જગ્યાઓ ખાલી પડેલી ગણાય. જ્યારે રાજયની પ્રાથમિક શાળાઓના ધો. ૧ થી ૫માં શિક્ષકોની ૫,૮૬૭ જગ્યાઓ ખાલી પડેલી છે.આમ રાજ્યની વિવિધ પ્રાથમિક શાળામાં કુલ મળીને ૧૫ હજારથી વધુ જગ્યા ખાલી હોવાના ચોંકાવનારા આંકડાઓ સામે આવ્યા છે તેમ પણ કોંગ્રેસ પ્રવકતા ડૉ. મનીષ દોશીએ જણાવ્યું હતું.કોંગ્રેસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, છેલ્લા ૪ વર્ષથી આટલી મોટી સંખ્યામાં શિક્ષકોની ઘટ છે, તો બાળકોને શિક્ષણ કઈ રીતે આપવામાં આવતું હશે તે એક મોટો સવાલ છે. જ્યારે ટેટ પાસ કરેલા ઉમેદવારોની ભરતી કરવાની વાત ચાર વર્ષથી કરાય છે, પરંતુ હજુ સુધી ભરતી થઈ નથી. કોંગ્રેસ પ્રવક્તાએ વધુમાં જણાવ્યું હતું કે, આ બાબતે રાજ્ય સરકારે ગંભીરતાથી નોંધ લઈને વિદ્યાસહાયકની ભરતી તાત્કાલિક ધોરણે કરવી જાેઈએ. જેથી બાળકોને પૂરતા પ્રમાણમાં વિષય શિક્ષકો મળી રહે અને ટેટ પાસ કરેલા ૫૦ હજાર બેરોજગાર છે, તે પૈકીનાં અનેક યુવાનોને નોકરી મળી રહે.