હિંમતનગર,તા.૧૧ 

સાબરકાંઠામાં જુલાઈના પ્રારંભથી જ સંક્રમણ ચરણે પહોંચી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૫ પોઝિટિવ કેસ નોંધાતા ૪૮ દિવસ અગાઉ ૨૩ મેના રોજ નોંધાયેલ ૧૪ પોઝિટિવ કેસનો રેકોર્ડ પણ તૂટી ગયો છે. ૧૫ કેસ આવતાં જિલ્લામાં કુલ આંક ૨૬૮ એ પહોંચ્યો છે. જ્યારે જિલ્લામાં એક્ટીવ કેસ ૭૪ છે. દરમિયાનમાં ઇડરના ચિત્રોડાના કોરોના પોઝિટિવ વણકર લખાભાઇ ભીખાભાઈ ઉ.વ. ૮૦નું હિંમતનગર સિવિલમાં સારવાર દરમિયાન મોત નિપજતા કોવિડ -૧૯ની ગાઈડલાઈન મુજબ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.હિંમતનગર, પ્રાંતિજ, ઇડર પંથકમાં સંક્રમણ પાંખો ફેલાવી રહ્યું છે. શુક્રવારે એક સાથે ૧૫ પોઝિટિવ કેસ નોંધાયા હતા. છેલ્લા દસ દિવસ દરમિયાન ૭૬ પોઝિટિવ કેસ નોંધાયા છે તે પૈકી ૪૭ કેસ હિંમતનગર તાલુકામાં નોંધાયા છે. હિંમતનગર તાલુકામાં દર્દીઓની સંખ્યા ૮૩ થઈ ગઈ છે. જે પૈકી ૩૮ની સારવાર ચાલી રહી છે. જિલ્લાનો કુલ આંકડો બહારના ૩૭ દર્દીઓ સહિત ૨૬૮ થઈ ગયો છે. એક્ટિવ કેસની સંખ્યા ૭૪ થઈ છે. હિંમતનગરમાં અલકાપુરી વિસ્તારમાં ૫૮ વર્ષીય મહિલા, વિરાટનગર સોસાયટીમાં ૫૪ વર્ષીય પુરુષ, પોલો ગ્રાઉન્ડમાં ૫૪ વર્ષીય પુરુષ, મહેતાપુરામાં ૫૦ વર્ષીય મહિલા અને ઇડરના આનંદનગર સોસામાં ૫૯ વર્ષીય પુરુષ, રબારીવાસમાં ૨૯ વર્ષીય પુરુષ, પાનોલ ગામમાં પુરુષ, બડોલીમાં પુરુષ, કેશરપુરામાં વૃદ્ધા તથા તલોદના દાદરડામાં આધેડ, અણિયોડમાં ૨૨ વર્ષીય મહિલા, પ્રાંતિજના પોગલુમાં ૪૨ વર્ષીય પુરુષ અને ૬૨ વર્ષીય પુરુષ, નાની ભાગોળમાં ૪૯ વર્ષીય મહિલા અને વ્હોરવાડમાં વૃદ્ધનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.