વડોદરા : વડોદરા શહેર જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત રહેવા પામ્યો છે. આ કોરોનાના વાવાઝોડામાં વધુ ૧૭૫ જેટલા દર્દીઓએ અંતિમ શ્વાસ લીધા છે. જયારે વધુ ૭૧૨ દર્દીઓ પોઝિટિવ આવ્યા છે. આજે કોરોનાના એક્ટિવ ૬૧૩૬ દર્દીઓમાં ૫૪૩૫ સ્ટેબલ, ૪૩૨ ઓક્સિજન પર અને ૨૬૯ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આ ઉપરાંત શહેરના ૩૨ અને ગ્રામ્યના ૩૫ મળી ૬૭ વધુ વિસ્તારોમાં કોરોનાના સંક્રમણના ફેલાવાથી હાહાકાર મચી જવા પામ્યો છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લાં કેટલાંક દિવસથી કોરોના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૭૧૨ પોઝિટિવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જ્યારે બિનસત્તાવાર રીતે મૃતાંક બસોથી વધુ છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર સાતના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૮૬૩૫ દર્દીઓમાં આજના ૭૧૨ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૯૩૪૭ સુધી પહોંચ્યો છે, જે આ તબક્કાનો વિક્રમી આંક છે.

આજે વડોદરા શહેરના ૩૨ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૩૫ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આમ શહેર-જિલ્લાના ૬૭ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વિસ્તરતાં એ બાબત ચિંતાનો વિષય બની ચૂકી છે. સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૩૧૮ મૃતાંકમાં વધુ સાતનો ઉમેરો થતાં સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૩૨૫ સુધી પહોંચી છે. હાલમાં કુલ નવ હજારથી વધુ કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે. જેમાં ૫૪૩૫ સ્ટેબલ, ૪૩૨ ઓક્સિજન ઉપર અને ૨૬૯ વેન્ટિલેટર ઉપર સારવાર લઇ રહ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૩૨૩૪૭ દર્દીઓમાં વધુ ૫૩૯ નો ઉમેરો થતાં સંખ્યા ૩૨૮૮૬ થતાં હવે એનો આંકડો ૩૨ હજારને આંબી ૩૩ હજારની નજીક પહોંચી ગયો છે.

કોવીડની કટોકટીભરી સ્થિતિમાં જવેલર્સો એક સપ્તાહ માટે બંધ રાખશે

વડોદરા શહેરના જવેલર્સોના કર્મચારીઓમાં કોરોણાનું સંક્રમણ કુદકેને ભૂસકે વધતા વડોદરા સોની મહાજન અને જવેલર્સ એસોશિએશન દ્વારા વડોદરા શહેરમાં આવેલ તમામ જવેલર્સના શો રૂમને આવતીકાલે ૨૫ એપ્રિલથી એક સપ્તાહને માટે સંપૂર્ણ બંધ રાખવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. આ ર્નિણયને લઈને શહેરના અંદાજે ૭૦૦ જેટલા નાના મોટા જવેલર્સોની દુકાનો એક સપ્તાહ સુધી બંધ રહેશે.