હિંમતનગર : સાબરકાંઠામાં વરસાદી માહોલ વચ્ચે હાથમતી નદી અને ઇન્દ્રાસી જળાશયના ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને પગલે ડેમ પૂર્ણ સપાટી ભરાવાની સંભાવના ઉભી થતાં આ જળાશય યોજનાના ગામોને એલર્ટ કરાયા છે. સિંચાઇ વિભાગ દ્વારા હિંમતનગર અને ભિલોડા તાલુકાના નીચાણવાળા ગામોના રહીશોને નદી નજીક આવેલ વહેણ વિસ્તારમાં ન જવા માટે મનાઇ ફરમાવાઇ છે. 

સાબરકાંઠાના હાથમતી અને ઇન્દ્રાસી જળાશય યોજનાના ઉપરવાસમાં પાણીની આવક થતાં ડેમ પૂર્ણ સપાટીએ ભરાવાની શકયતાને પગલે નદીમાં પાણી છોડવામાં આવશે. આ વર્ષે ૫૮૯.૦૦ ફૂટ(૧૮૯.૫૩ મીટર) થી ૫૯૩.૦૦ ફૂટ (૧૮૦.૭૫ મીટર) ની સ્થિતિએ આવવાની શકયતા છે ત્યારે ભિલોડા તાલુકાના થુરાવાસ, મઉ, મઉછાપરા, ભિલોડા કંપા, ચિભોડા, નારસોલી, આડાહાથરોલ, ખેરોજ, ખેરોજ કંપા, નાંદોજ સહિતના ગામો ઉપરાંત હિંમતનગર તાલુકાના ફતેપુર, ખાપરેટા, મેડીટીંબા, નરોડા, માંકડી, હમીરપુર, શણગાલ, મોતીપુરા, કડોદરી, વાસણા, ચાંદરણી, ખેડ સહિતના ગામોના લોકોને નદી નજીક વહેણ વિસ્તારમાં જવાની મનાઇ ફરમાવામાં આવી છે તેમજ ઢોરઢાંખરને નદીમાંથી પસાર ન થવા દેવા તાકીદ કરાઇ છે.