વોશિંગ્ટન -

આગામી ૨૦મીએ અમેરીકાના પ્રમુખ બનનારા ડેમોક્રેટ ડો બાયડેને પોતાના સૌથી મોટા ચૂંટણી ઢંઢેરાના મુદ્દે એક્શન લેવાની શરુઆત કરી દીધી છે અને તે અંતર્ગત કોરોનાને પગલે પાટા પરથી ઉતરી ગયેલા અમેરીકી અર્થતંત્રને પાટે ચઢાવવા માટે તેમણે ૧.૯ ટ્રીલિયન ડોલર્સના રાહત પેકેજની જાહેરાત કરી દીધી છે.

આ પેકેજને કેટલાક ભાગોમાં વહેંચી દેવાયું છે અને તેને અમેરીકી કોંગ્રેસના બંને ગૃહોમાંથી પસાર કરવામાં આવશે. એકંદરે અંદાજ એવો છે કે, આ પેકેજ પાસ થતાંની સાથે દરેક અમેરીકી નાગરીકના ખાતામાં ૧૪૦૦ ડોલર્સ એટલે કે આશરે ૩૦,૦૦૦ રુપિયા જમા થશે. બાયડેનના પેકેજમાં નાના વેપારીઓને પણ રાહત અપાઈ છે અને આ પેકેજને અમેરીકન રેસ્ક્યુ પ્લાન એવું નામ અપાયું છે.

બાયડેનના પેકેજની વિગતો

અમેરીકન અર્થતંત્રને પાટા પર લાવવાના મકસદથી બાયડેને જે રાહત પેકેજ આપ્યું છે અને તેમાં જે પ્રકારે ભંડોળની ફાળવણી કરવામાં આવી છે, એ જાેતાં શિક્ષણ અને વેપારક્ષેત્રના લોકોને રાહત મળે તેમજ તમામ નાગરીકોને પણ રાહત મળે એવી વ્યવસ્થા થઈ છે. વળી, આ પેકેજમાં રસીકરણ કાર્યક્રમ પર પણ ધ્યાન અપાયું છે. ફાળવણી પ્રમાણે-

૪૧૫ અબજ ડોલર્સ - કોરોના સામેની ઝૂંબેશમાં

૧૪૦૦ ડોલર્સ - દરેક અમેરીકનના ખાતામાં જમા કરાશે

૪૪૦ અબજ ડોલર્સ - નાના વેપારીઓની હાલત સુધારવા માટે વપરાશે

૧૫ ડોલર્સ - પ્રતિ કલાકના દરે કર્મચારીઓને વેતન ચૂકવવામાં આવશે, જે પહેલા પ્રતિ કલાકના ૭ ડોલર્સ હતા

પેકેજ આડે અડચણો

આ પેકેજ આડે અડચણો પણ છે. ગયા નવેમ્બર-ડિસેમ્બરમાં જ્યારે ટ્રમ્પ પેકેજ લાવ્યા હતા ત્યારે બાયડેન અને તેમના ડેમોક્રેટિક પક્ષે જ તેમાં અનેક સવાલ ઉઠાવ્યા હતા. હજીપણ સેનેટમાં રીપબ્લિકન પક્ષનો બહુમત હોવાથી તેઓ આ પેકેજ લાગુ કરવામાં અડચણ ઊભી કરી શકે છે, વળી સંરક્ષણક્ષેત્ર માટે બજેટની કોઈ ચોખવટ ન હોવાથી તેના પર સવાલ ઉઠી શકે છે.

બાયડેને શું કહ્યું

નોંધનીય વાત એ છે કે, ઉપરાષ્ટ્રપતિપદના ચૂંટાયેલા ઉમેદવાર કમલા હેરિસે આ જાહેરાત બાયડેનના હોમટાઉન વિલિમિંગ્ટન(ડેલાવેયર)માં કરી હતી, જે સામાન્ય રીતે વોશિંગ્ટનમાં થતી હોય છે. જાે કે, બાયડેને કહ્યું છે કે, સંકટ મોટું છે અને સમય ઓછો છે. બાયડેન હવે ૧૦૦ દિવસમાં ૧૦ કરોડ લોકોને રસી આપવા માંગે છે. તેઓ બેરોજગારી ભથ્થું પ્રતિ માસ ૩૦૦ ડોલર્સથી વધારીને ૪૦૦ ડોલર્સ કરી દેવા માંગે છે. આવા બેરોજગારોની સંખ્યા ૧ કરોડ ૧૦ લાખ છે. શાળાઓ ફરી શરુ કરવાની યોજના પાછળ તેઓ ૧૩૦ અબજ ડોલર્સ ખર્ચ કરવા માંગે છે.