અમદાવાદ, દુર્લભ બીમારીથી પીડાતા ગુજરાતના મહિસાગર જિલ્લાના કાનેસર ગામના ધૈર્યરાજ સિંહ રાઠોડની સારવાર માટે ૪૨ દિવસમાં જ ૧૬,૦૬,૩૨,૮૮૪ રૂપિયાનું દાન જમા થઈ ગયું છે. ૩ મહિનાનો ધૈર્યરાજ સ્પાઈનલ મસ્ક્યૂલર એટ્રોફી ફેક્ટ શીટ નામની બીમારી સામે ઝઝુમી રહ્યો છે.  ધૈર્યરાજની જન્મજાત બીમારીની જાણ થતાં ડૉક્ટરોએ સારવાર માટે રાઠોડ પરિવારને એક વર્ષમાં ૧૬ કરોડ રૂપિયાની વ્યવસ્થા કરવા માટે કહ્યું હતું. જેથી એ રૂપિયાથી અમેરિકાથી આવતું મોંઘુ ઈન્જેક્શન મંગાવી શકાય. બે લાખથી વધારે દાતાઓએ દિલ ખોલીને દાન કરતાં ૪૨ દિવસમાં જ ૧૬.૬ કરોડ રૂપિયાનું ફંડ જમા થઈ ગયુ છે.  ધૈર્યરાજની મદદ માટે તેના પિતાના નામે ખોલવામાં આવેલા બેંક ખાતામાં હજુ પણ રકમ જમા થઈ રહી છે. ૭ માર્ચે ધૈર્યરાજની સારવાર માટે એ એનજીઓની મદદથી ખોલવામાં આવેલા બેંક ખાતામાં ૧૬ લાખ રૂપિયા હતા.

આ આંકડો એક મહિના બાદ ૬ એપ્રિલે ૧૬ કરોડની પાર પહોંચી ગયો છે. રૂપિયાની વ્યવસ્થા થયા બાદ ધૈર્યરાજની હવે મુંબઈમાં સારવાર થશે. આ અંગે ધૈર્યરાજના પિતા રાજદીપ રાઠોડે જણાવ્યું કે, પુત્ર ધૈર્યરાજની સારવાર માટે ૧૬ કરોડ રૂપિયાની જરૂર હતી. આ માટે દરેક શહેરમાં ફરી-ફરીને મદદ માંગવામાં આવી. લોકોએ પણ ભરપુર સહકાર આપ્યો જેના કારણે આ રકમ એકઠી થઈ શકી. દરેક ધર્મના લોકો અને ભારત જ નહીં વિદેશોમાંથી પણ આર્થિક મદદ મળી છે. અમેરિકાથી આવનારા ઈન્જેક્શન પર ૬ કરોડ રૂપિયાનો ટેક્સ કેન્દ્ર સરકાર દ્વારા માફ કરવામાં આવ્યા બાદ ઈન્જેક્શન મંગાવવામાં આવશે. ૧૬ કરોડ રૂપિયાથી વધુ રકમ એકઠી થશે, તો એ પૈસાથી અમે ધૈર્યરાજની જેમ ગંભીર બીમારીથી પીડિત બાળકોની મદદ કરીશું.