મહુધા, તા.૧૩ 

મહુધા તાલુકા ચુણેલ ગ્રામ પંચાયત દ્વારા વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધી મનરેગા યોજના હેઠળ ચાલેલા લુણી નદીની પાસેના ગૌચરમા બામ્બુ(વાંસ) પ્રોજેક્ટના કામમાં તાલુકા ગ્રામ વિકાસ એન્સી અને ગ્રામ પંચાયતના બાબુઓ દ્વારા ૧૭ લાખ ઉપરાંતની કટકી કરવામાં આવી હોવાની સ્થાનિકની રજૂઆતને પગલે ટીડીઓ દ્વારા ગ્રામ પંચાયત કચેરીએ ૮૭ જાેબકાર્ડ ધારકોનો રૂબરૂ જવાબ લઇ રોજ કામ હાથ ધરવામાં આવતાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.

મહુધા તાલુકામા હવે રોજે રોજ તાલુકા પંચાયતના અલગ અલગ વિભાગ દ્વારા ભ્રષ્ટાચાર કરવામાં આવતો હોવાની ફરિયાદો ઉઠવા લાગી છે. થોડાં દિવસ અગાઉ મહુધા ટીડીઓ ચુણેલ ખાતે સ્મશાનમાં કામ કર્યા વિના નાણાં ચૂકવાઇ ગયાં હોવાની રજૂઆત અંગે તપાસ અર્થે ગયાં હતાં. જ્યાં એક સ્થાનિક દ્વારા વર્ષ ૨૦૧૪ થી ૨૦૧૭ સુધીમાં બામ્બુ (વાંસ) પ્રોજેક્ટમાં લાખો રૂપિયાની લ્હાણી કરવામાં આવી હોવાની લેખીત રજૂઆત કરવામાં આવી હતી, જેથી ટીડીઓને પ્રાથમિક તપાસમા શંકા જતાં વાંસ પ્રોજેક્ટમાં કામ કરી ચૂકેલાં ૮૭ જાેબકાર્ડ ધારકોને નોટિસ બજાવીને શુક્રવારના રોજ સવારે ૧૧ કલાકે ગ્રામ પંચાયત કચેરી ખાતે હાજર રહેવા ફરમાન છોડવામાં આવ્યું હતું.

સૂત્રોના જણાવ્યાં મુજબ, જાેબકાર્ડ ધારકોનાં ગ્રામ પંચાયતના સરપંચ સભ્યો સમક્ષ રૂબરૂ નિવેદન લેવામાં આવ્યા હતા. વાંસ પ્રોજેક્ટ મામલે અગાઉ વર્ષ ૨૦૧૮ના ડિસેમ્બર માસમાં તાલુકા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા પણ અરજીના અનુસંધાનમાં તપાસ હાથ ધરવામાં આવી હતી. જાેકે, કોઇ ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો ન હોવાના અહેવાલ ઉપલી કચેરીએ મોકલી સમગ્ર મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. અગાઉના રોજ કામ દરમિયાનના જવાબોમાં મોટા ભાગના જાેબકાર્ડ ધારકોની ડૂપ્લિકેટ સહિ કરવામાં આવી હોવાની વાત સામે આવી હતી. જ્યારે કેટલાંક જાેબકાર્ડ ધારકોને શુક્રવારના રોજની તપાસ દરમિયાન ખબર પડી કે, તેઓના નામના જાેબકાર્ડ પણ ગ્રામ પંચાયત દ્વારા બનાવવામાં આવ્યા છે! ત્યારે વર્ષ ૨૦૧૪થી ૨૦૧૭ સુધીના મહુધા ટીડીઓ સહિત મનરેગા વિભાગના કર્મીઓ અને ગ્રામ પંચાયતના બાબુઓ દ્વારા વાંસ પ્રોજેક્ટ યોજનામાં મસ મોટો ખાયકીનો ખેલ કર્યો હોવાનું દેખાઇ રહ્યું છે.