રાજપીપળા, સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં હાલ અન્ય પ્રોજેક્ટોનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.એ નિર્માણ કાર્યની આડમાં ખનીજ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું હોવાની વ્યાપક ફરિયાદો અગાઉ ઉઠી હતી.ગેરકાયદેસર ખનનથી સરકારને જ મોટું નુકસાન જઈ રહ્યું હોવાની ફરિયાદો ઉઠતા ગેરકાયદેર ખનન સામે ખાણ ખનીજ વિભાગે લાલ આંખ કરી છે. નર્મદા જિલ્લા ખાણ ખનીજ વિભાગે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ગેરકાયદેસર ખનન બાબતે ગાંધીનગરથી અલગ અલગ ટિમો દ્વારા ડ્રોનથી સર્વે હાથ ધરાયુ હતું, તંત્રની આ કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો છે.સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં ચાલતી વિવિધ ક્વોરીમાં બ્લાસ્ટિંગથી સરકાર સરોવર નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રતિમાને નુકશાન થઈ રહ્યું હોવાની ફરિયાદો પણ ઉઠી હતી, એ બાબતે ખાણ ખનીજ વિભાગે ક્વોરીઓમાં આકસ્મિક વિઝીટ કરી સર્વે હાથ ધરી નિયમ મુજબ ખાણકામ કરવા ક્વોરી માલિકોને કડક સૂચના છે.

નર્મદા જિલ્લા માંથી રાત્રી દરમિયાન આડેધડ ઓવર લોડેડ ટ્રકો પસાર થતી હોવાથી અકસ્માતના અનેક બનાવો બનવા પામ્યા હતા, જેથી લોકોમાં રોષ ફેલાયો હતો.આ બનાવો અટકાવવા ખાણ ખનીજ વિભાગે આકસ્મિક ચેકીંગ હાથ ધર્યુ હતું. છેલ્લા ૨ મહિના દરમિયાન ૧૫ જેટલા ઓવર લોડ વાહનો જપ્ત કરી એમની પાસેથી ૧૭.૬૭ લાખ જેટલો દંડ પણ વસુલ કર્યો હતો.ભાજપ સાંસદ મનસુખ વસાવાએ નર્મદા જિલ્લાની દિશા કમિટીની એક બેઠકમાં રાત્રી દરમિયાન રાજપીપળા વિસ્તાર માંથી ઓવરલોડેડ ટ્રકોને પસાર થતી રોકવા તાકીદ કરી હતી.