વડોદરા : કરજણ-લાકોદ્રા વચ્ચે આવેલા રેલવે ટ્રેક પર ૨૫ હજાર વોલ્ટનો ઓવરહેડ વાયરનો થાંભલો ટ્રેક તરફ નમી પડતા મોટી દુર્ધટના ટાળવા માટે રેલવે તંત્રમાં મોડી સાંજે દોડધામ મચી હતી. સંભવિત અકસ્માતને ટાળવા માટે તુરંત ૧૮ જેટલી ટ્રેનોને આ ટ્રેક પરથી પસાર થતી અટકાવી દેવામાં આવતા હજારો મુસાફરો અટવાયા હતા.

રેલવેના સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ શુક્રવારની સાંજે કરજણ-લાકોદ્રા વચ્ચે પસાર થતી એક ટ્રેનના ડ્રાઈયરને ઓવરહેડના ૨૫ હજાર વોલ્ટના કેબલ થાંભલો નમી પડવાના કારણે ટ્રેનના સ્પર્શતો હોવાની જાણ થતાં તેણે હાઈવોલ્ટેજનો કેબલ જાે રેલવે ટ્રેક પર પડે તો ગંભીર દુર્ઘટના થવાની શક્યતાની જાણ કરી હતી. આ જાણકારીના પગલે કર્ણાવતી એક્સપ્રેસ સહિત લાકોદ્રાથી સુરત તરફ જતી ૧૮ જેટલી ટ્રેનોને સલામતિના કારણોસર આ ટ્રેક પરથી પસાર થતી તુરંત અટકાવી દેવામાં આવી હતી. રેલવે તંત્ર દ્વારા યુધ્ધના ધોરણે નમી પડેલા થાંભલાની મરામત માટે કામગીરી શરૂ કરી દેવાઈ છેે. જાેકે ટ્રેનો અધવચ્ચે અટકાવી દેવાતા હજારો મુસાફરો ટ્રેનમાં તેમજ રેલવે સ્ટેશનો પર અટવાયા હતા.