ગાંધીનગર-

વડોદરા, દાહોદ, ગોધરા અને મોડાસા સહિત જુદા – જુદા જિલ્લા તથા રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં એચવીએન રિયાલીટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા સહિત અલગ – અલગ લેભાગુ કંપનીઓ ઉભી કરી રોકાણકારોને ઉંચા વળતરની લાલચ આપી આપી આશરે રૂપિયા ૧૫૦ કરોડથી વધુ ઉઘરાવી લેવાના આતંરાજ્ય કૌભાંડમાં સીઆઈડીની આર્થિક ગુના નિવારણ શાખાએ દાહોદની સરકારી સ્કુલના માસ્ટર માઈન્ડ શિક્ષકની ધરપકડ કરી હતી. પોલીસે આજે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી.

અદાલતે રિમાન્ડ નામંજૂર કરી કૌભાંડી શિક્ષકને વડોદરા સેન્ટ્રલ જેલમાં ધકેલ્યો હતો. પ્રાપ્ત માહિતી મુજબ, દાહોદના કરાઠ (લીબડી) ખાતે રહેતાં ગઠિયા પ્રકાશચંદ્ર ઉર્ફે રાજુ પરથેસિંહ ઝાડએ તેના બનેવી અજીતસિંહ ખેડડિયા સહિતના મળતિયા સગા વ્હાલાઓને ડાયરેક્ટ અને એમડી બનાવી સને ૨૦૧૦માં એચવીએન રિયાલીટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા લિ. નામની લેભાગુ કંપની શરૂ કરી હતી. આરોપી પ્રકાશચંદ્ર દાહોદ જિલ્લાના ઝાલોદ ખાતે આવેલી મહેલિયા પ્રાથમિક શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો હોવાથી કંપનીમાં કોઈ હોદ્દો ધરાવી શકતો ન હતો.

જેથી તેણે પત્ની ર્નિમલાના નામે એજન્ટ તરીકે કાર્ડ મેળવી લીધું હતું. ત્યારબાદ પૂર્વ આયોજિત કાવતરાના ભાગરૃપે અન્ય આરોપીઓ સાથે મળી એચવીએન રિયાલીટી એન્ડ એન્ટરપ્રાઈઝ ઈન્ડિયા નામની બીજી કંપની શરૃ કરી હતી. જેની વડોદરા, ગોધરા, દાહોદ અને મોડાસા સહિત રાજ્યના અલગ- અલગ જિલ્લામાં બ્રાંચ અને ઓફિસ શરૂ કરી હતી. તેમજ રાજસ્થાનના બાંસવાડા ખાતે પણ ઉંચા વળતરની જાહેરાતો આપી એજન્ટો ઉભા કર્યા હતા. તે પછી એજન્ટોને રોકાણકારો પાસેથી કેવી રીતે પૈસા ઉઘરાવવા તેની તાલીમ આપી હતી.