આણંદ-

PUBG રમતા સંતાનોના વાલીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો, પરિવારે વ્હાલસોયો ગુમાવ્યો 


આજકાલના બાળકોને Online ગેમિંગનું ઘેલું લાગ્યું છે. વાલીઓ નાની ઉંમરે બાળકોને સ્માર્ટફોન આપે છે ત્યારે તેમને સ્વપ્ને પણ ખ્યાલ નથી હોતો કે આના દુર્ગમ પરિણામો કેવા આવી શકે છે. ત્યારે ખૂબ જ લોકપ્રિય ગેમ PUBG રમવા બાબતે આણંદના ઉમરેઠ તાલુકાના સુરેલી ગામે એક કિશોરે આપઘાત કરીને જિંદગી ટૂંકાવી લીધી છે. હાલમાં ઑનલાઇન એજ્યુકેશનના કારણે બાળકોને સ્માર્ટફોન આપવા ફરજિયાત છે ત્યારે વાલીઓએ આ પાસાનો વિચાર ખાસ કરવા જેવો છે.

PUBG ગેમની આદત હવે જોખમી બનતી જાય છે. 16 વર્ષીય કિશોરેને પિતાએ ગેમ રમવાની ના પાડતા 16 વર્ષના કિશોરે ઝેરી દવા ગટગટાવી અને જિંદગી ટૂંકાવી હતી. આ ગેમના કારણે રાજ્યમાં અને દેશમાં અનેક બાળકોએ પોતાની જિંદગી ટૂંકાવી છે. આણંદના ઉમરેઠના સુરેલી ગામે શિક્ષિક પિતાએ યુવકનને વારંવાર PUBG રમવાની ના પાડી હતી. શિક્ષક પિતા આ ઝેરથી વાકેફ હતા પરંતુ ડિજિટલ ઝેરથી બચાવા જતા પુત્રએ ઝેરની દવા પીને જિંદગી ટૂંકાવી હતી.

આ મામલે આણંદના ઉમરેઠ પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરીને ફરિયાદ નોંધવામાં આવી છે. જોકે, આ કિસ્સો એ તમામ વાલીઓ માટે ચેતવણીરૂપ છે, જેમના સંતાનો ચોવીસ કલાક ગેમમાં રચ્યા પચ્યા રહે છે. મનોચિકિત્સકો કહે છે કે તમારા સંતાનોને જરૂરિયાત હોય તો પણ નાની ઉંમરે સ્માર્ટફોનનું વળગણ ન લગાડવું જોઈએ. ઓનલાઇન એજ્યુકેશન માટે પણ વાલીઓે પોતાના મોબાઇલ ફોનનો ઉપયોગ કરવા આપવો જોઈએ. હાલમાં શાળાઓ બંધ હોવાના લીધે જ્યારે તમામ બાળકો સ્માર્ટફોનની નજીક છે ત્યારે આ કિસ્સો અન્ય વાલીઓ માટે ચેતવણી સમાન છે.