વડોદરા : ખાનગી શાળાઓની ઊંચી ફી તેમજ સરકારી શાળાઓમાં વધતી જતી સુવિધા અને શિક્ષણનું સ્તર સુધારવાને કારણે વાલીઓ તેેમના બાળકોને સરકારી શાળામાં પ્રવેશ અપાવી રહ્યા છે. વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી શાળામાં ધો-૨ થી ૮માં અત્યાર સુધી ૧૨૯૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે. આ સંખ્યા હજુ વધે તેવી શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ ઉપરાંત ધો-૧માં ૨૮૦૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.

રાજ્યભરમાં મોટાભાગની ખાનગી શાળા સંચાલકો દ્વારા આરટીઈનો અમલ કરાતો નથી કે એફઆરસી દ્વારા નક્કી કરાયેલ ફી કરતાં વધુ ફી વસૂલીને ફીના નામે ઉઘાડી લૂંટ ચલાવાઈ રહી છે. કોરોનાની મહામારીમાં પણ ફી માટે કેટલીક શાળાઓ દ્વારા પઠાણી ઉધરાણી કરવાના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા. ત્યારે વડોદરામાં વાલીઓએ હવે તેમના બાળકોને ખાનગી શાળાઓને બદલે સરકારી શાળામાં મુકવાની શરૂઆત કરી છે. ફીની સાથે કોર્પોરેશન દ્વારા સંચાલિત કેટલીક શાળાઓમાં ખાનગી શાળાઓ કરતાં સારી સુવિધાઓવાળી શાળાઓ તૈયાર થઈ છે. ઉપરાંત સરકારી શાળાઓમાં ક્વોલિફાઈડ શિક્ષકોની ભરતી થઈ રહી છે, જેના કારણે શિક્ષણનું સ્તર પણ સુધર્યુ છે, ત્યારે વાલીઓ હવે સરકારી શાળાઓમાં પ્રવેશ લઈ રહ્યા છે.

વડોદરા શિક્ષણ સમિતિના શાસનાધિકારી ધર્મેન્દ્રસિંહ ચૂડાસમાએ જણાવ્યું હતું કે,વડોદરામાં શિક્ષણ સમિતિ સંચાલિત ૧૨૦ શાળામાં સરકાર અને કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલી અદ્યતન સુવિધાઓ અને શિક્ષકોની મહેનતના કારણે હાલ ૧ થી ૮માં ૩૧,૨૭૮ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. નવા વર્ષે ધો-૧માં ૨૮૦૦ બાળકોએ તેમજ ધો-૨ થી ૮માં અન્ય શાળાઓ છોડીને ૧૨૯૭ નવા વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે, જે એક મહિનામાં ૨૦૦૦ સુધી પહોંચવાની શક્યતા છે. સરકારી શાળાઓમાં સસ્તા શિક્ષણ ઉપરાંત વધી રહેલી સુવિધાઓથી વાલીઓ હવે સરકારી શાળા તરફ વળી રહ્યા છે. આમ અત્યાર સુધી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં ૫૦૯૭ વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે.