વડોદરા : વડોદરા શહેર-જિલ્લામાં મક્કમ ગતિએ ઝડપથી વધી રહેલા કોરોના સંક્રમણમાં આવેલા અને હોસ્પિટલમાં કોરોનાની સારવાર લઈ રહેલા ભાજપાના સંનિષ્ઠ કાર્યકર અને સેન્ટ્રલ જેલના કેદી સહિત ૧૫નાં મોત નીપજ્યાં હતાં. જ્યાં આજે વધુ નવા ૧૧૮ કોરોનાના પોઝિટિવ કેસો નોંધાતાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધીને ૭૨૨૧ થઈ હતી. ડેથ ઓડિટ કમિટીએ પણ આજે વધુ એક દર્દીનું કોરોનામાં મોત થયાનું સમર્થન આપતાં કોરોનામાં દર્દીઓનો મૃત્યુઆંક વધીને ૧૩૧ થયો હતો. બીજી તરફ શહેરની વિવિધ હોસ્પિટલોમાં સારવાર લઈ રહેલા ૧૪૪૬ દર્દીઓ પૈકી ૧૨૨૯ દર્દીઓની હાલત સુધારા પર હોવાનું અને ૧૫૭ ઓક્સિજન પર તેમજ ૬૦ વેન્ટિલેટર પર હોવાનું તબીબીસૂત્રોએ જણાવ્યું હતું. 

આજ સાંજ સુધીમાં શહેરના અલગ અલગ વિસ્તારો જેવા કે સુભાનપુરા, ગોરવા, ફતેપુરા, માંજલપુર, વાઘોડિયા રોડ, વાસણા, મકરપુરા, નવાપુરા, છાણી, કારેલીબાગ, સોમા તળાવ, ન્યુ સમા રોડ, નિઝામપુરા, વડસર, માણેજા, સમતા વગેરે સહિત ર૩ વિસ્તારો અને ગ્રામ્યના કરજણ, સાવલી, ડભોઈ, ઈટોલા, સમિયાલા, ભાયલી, પાદરા અને અન્ય એક પાટણ મળી કુલ ૨૨૯૮ નવા સેમ્પલો આરોગ્ય વિભાગની ટીમો દ્વારા લેવામાં આવ્યા હતા, જે પૈકી ૧૧૮ પોઝિટિવ અને ૨૧૮૦ નેગેટિવ રિપોર્ટ આવ્યા હતા. આજે પોઝિટિવ આવેલા કોરોનાના કેસોમાં વડોદરા ગ્રામ્યમાંથી ૩ર, દક્ષિણ ઝોનમાંથી રપ, પૂર્વ ઝોનમાંથી રપ, પશ્ચિમ ઝોનમાંથી રર અને ઉત્તર ઝોનમાંથી સૌથી ઓછા ૧૩ દર્દીઓ નોંધાયા હતા. આજે વધુ પપ દર્દીઓ કોરોનામુક્ત થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આ સાથે ડિસ્ચાર્જ આપવામાં આવેલા દર્દીઓની સંખ્યા વધીને ૫૬૪૪ થઈ હતી. જેમાં ૨૬ દર્દીઓને સરકારી હોસ્પિટલમાંથી, ૧૭ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાંથી અને ૧૨ દર્દીઓને હોમ ક્વોરન્ટાઈનમાંથી મુકત કરાયા હતા.  

શહેરમાં અલગ અલગ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં કોરોનાની સારવાર લઈ રહેલા ભાજપાના સંનિષ્ઠ કાર્યકર્તા અને વાઘોડિયાના ધારાસભ્યના નિકવર્તી કાર્યકર કોરોના સંક્રમિત બન્યા હતા. જેથી તેઓ કોરોના પોઝિટિવ સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા, જ્યાં તેમની તબિયત વધુ લથડતાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. વડોદરા સેન્ટ્રલ જેલમાં ગંભીર ગુનાની સજા ભોગવી રહેલા ૬૬ વર્ષીય કેદી જેલમાં કોરોના સંક્રમિત બન્યા હતા, તેઓને પોલીસના જાપ્તા સાથે જેલના સત્તાવાળાઓએ સારવાર માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબીએ કેદી દર્દીને એમએનએચ આઈસોલેશન વોર્ડમાં દાખલ કરાયા હતા, જ્યાં તેમનું આજે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

શહેરના કિશનવાડી ભાથુજી મંદિર પાસેના જાગૃતિ મહોલ્લામાં રહેતા ૭૦ વર્ષીય વૃદ્ધ કોરોનાના લક્ષણો સાથે સયાજી હોસ્પિટલમાં દાખલ થયા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમનો કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો જે પોઝિટિવ આવતાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ભાજપાના કાર્યકરને કોરોના ભરખી ગયો : ખાનગી હોસ્પિટલમાં ર૦ દિવસથી સારવાર હેઠળ હતા

વાઘોડિયાના ભાજપાના ધારાસભ્ય મધુભાઈ શ્રીવાસ્તવના અંગત અને ભાજપાના સંનિષ્ઠ કાર્યકર્તા વિજયસિંહ પરમાર કોરોનાના લક્ષણો સાથે ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે દાખલ થયા હતા. તેમનો કોરોનાનો રિપોર્ટ કરાવતાં જે પોઝિટિવ આવતાં તેમની સઘન સારવાર તબીબો દ્વારા ચાલી રહી હતી. છેલ્લા ર૦ દિવસથી ચાલી રહેલી કોરોનાની સારવાર દરમિયાન ગઈકાલથી તેમની તબિયત એકાએક લથડી હતી અને આઈસીયુમાં વેન્ટિલેટર પર રાખવામાં આવતાં જ્યાં સારવાર દરમિયાન ભાજપાના કાર્યકરનું મોત થયું હતું. જેથી ભાજપના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે પોતાનો અંગત મિત્ર ગુમાવ્યો હતો.