વડોદરા, તા.૨૬ 

વડોદરા શહેર કોરોના ભરડામાં ભિંસાઇ રહ્યું છે તેવા સમયે આજે નોટરાઇઝ વકીલ, મોટાગજાના ભજનીક (કિર્તનકાર), એચ.ડી.એફ.સી. બેન્ક તથા ઓ.એન.જી.સી. કંપનીના કર્માચારીઓ સહિત ૧૪ દર્દીઓ સારવાર દરમિયાન કોરોના ભરખી ગયો હતો. જ્યારે ૯૨ વધુ નવા કોરોના પોઝિટિવ કેસો સાથે આવતાં દર્દીઓની કુલ સંખ્યા ૪૧૯૪ પર પહોંચી હતી. બીજી તરફ ૩૦ દર્દીઓ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવ્યા હતા. ગત સાંજથી આજ સાંજ સુધી શહેર તેમજ તાલુકાના ગ્રામ્યમાંથી ૬૧૭ સેમ્પલો લેવામાં આવ્યા હતા. જેમાંથી ૯૨ પોઝિટિવ અને ૫૨૫ નેગેટિવ કેસો નોંધાયા હતા. હાલ હોસ્પિટલો સારવાર લઇ રહેલા ૮૫૪ દર્દીઓ ૬૬૯ દર્દીઓની હાલત સુધારા પર તથા ૧૪૨ દર્દીઓ ઓક્સિજન પર તેમજ ૪૩ દર્દીઓ વેન્ટીલેટર તથા બાઇ પેપ પર હોવાનું તબીબ સુત્રોએ જણાવ્યું હતું. શહેરમાં કોરોનાની સારવાર દરમિયાન મોત ખપ્પરમાં હોમાયેલ દર્દીઓમાં શહેરના આજવા રોજ સરદાર એસ્ટેટ લક્ષ્મીનગરમાં રહેતાં અને મોટાગજાના ભજનીક (કિર્તનકાર) સસ્તા અનાજની દુકાનમાં કામ કરતાં હતા. તેમને શ્વાસ લેવાની તકલીફ થતાં કોરોના શંકાસ્પદ જણાતા તેમને સારવાર માટે ગઇકાલે જ ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રેપિડ ટેસ્ટમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. શહેરમાં આજવા રોજ પર આવેલ મુક્તિધામ સોસાયટીમાં રહેતાં અને નિગ્નમ પુરા એચ.ડી.એફ.સી. વિભાગીય કચેરીમાં ફરજ બજાવતાં ૩૮ વર્ષીય મહિલા તથા જૂના પાદરા રોડ આવેલ વિશ્વાધર સોસાયટીમાં રહેતાં અને એચ.ડી.એફ.સી. બેંકંમાં ફરજ બજાવતાં ૬૧ વર્ષીય કર્મચારી કોરોના સંક્રમિત બન્યા હતા. જેમાં ૩૮ વર્ષીય મહિલાને ફેંફસાની તકલીફને કારણે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કર્યા હતાં. જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે ૬૪ વર્ષીય વૃધ્ધને ખાનગી બેન્કર્સ હાર્ટમાં દાખલ કર્યો હતા. તેમનો પણ રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. બંને બેંકના કર્મચારીઓના કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યાં હતાં. 

સાવલી તાલુકાના ભાદરવા ચોકડી પાસે આવેલ વિવેકાનંદ સોસાયટીમાં રહેતાં ૬૪ વર્ષીય નોટરાઇઝ વકીલને અચાનક શ્વાસ લેવાની તકલીફ શરૂ થઇ હતી. એ દરમિયાન તેમને શહેરની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં બેડના અભાવને કારણે વારસિયા રોડ પર આવેલ ખાનગી પ્રેમદાસ જલારામ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો. કોરોનાની સારવાર દરમિયાન નોટરાઇઝ વકીલનું નિધન થયું હતું. અમદાવાદ ખાતેના સાધના ત્રિમૂર્તિ એપાર્ટમેન્ટમાં રહેતાં ૬૧ વર્ષીય વૃધ્ધ અને ૧ વર્ષ અગાઉ જ ખંભાત ઓ.એન.જી.સી. કંપનીમાં નિવૃત્ત થયેલ વ્યક્તિને શરીરમાં ઓક્સિજન ઓછો થવાથી અમદાવાદ સ્થાનિક હોસ્પિટલ ખાતે લઇ જવા હતા. પરંતુ ત્યાં બેડનાં અભાવે તેમને વડોદરા માંજલપુર વિસ્તારમાં આવેલ ખાનગી સ્પંદન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમને સારવાર દરમિયાન મૃત્યું થયું હતું. ભરૂચ ટાઉનમાં રહેતાં ૭૮ વર્ષીય મહિલા દર્દીને નિમોનિયા તથા છાતીમાં કફનો ભરાવો થતાં સારવાર અર્થે ગોત્રી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેણીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ટુંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભરૂચ નજીક આવેલ શુક્લતીર્થ ખાતે રહેતાં અને ભરૂચ સ્થિ વિડિયો કોન કંપનીમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લેનાર ૫૮ વર્ષના આધેડ શ્વાસોશ્વાસની તકલીફને કારણે કોરોના સંક્રમિત થયા હતા. તેમને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા જ્યાં તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. 

શહેરમાં ભગતસિંહ નાં પૂતળાં પાસે રહેતાં ૭૫ વર્ષીય વૃધ્ધ કોરોના અસર હેઠળ આવ્યા હતા. તેમને કોવિડની સારવાર આપતી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં તેમનું મોત થયું હતું. ગરવાડા નવી ધરતી ગોલવાડ સુતરીયા ફળિયામાં રહેતાં ૬૫ વર્ષીય વૃધ્ધ કોરોના સંક્રમિત થયા હતા. તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનું મોત થયું હતું. કાલુપુરા-મચ્છીપીઠ વિસ્તારમાં રહેતાં મહિલા દર્દી કોરોનાની અસર હેઠળ આવ્યા હતા. તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.  

ભરૂચ જિલ્લાન અંકલેશ્વર જીઆઇડીસી વિસ્તારમાં આવેલ સત્ય દર્શન સોસાયટીમાં રહેતાં ૫૯ વર્ષીય મહિલાને શ્વાસ લેવાની તકલીફ ઉભી થઇ હતી. તેમને સારવાર માટે સ્થાનિક ભરૂચ ખાતેની સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. જ્યાં બેડના અભાવે સયાજી હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યા હતા. જ્યા મહિલા દર્દીનો ટેસ્ટ કરવામાં આવતાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે બાદ મહિલાનું સારવાર દરમિયાન નિધન થયુ હતું. આજે મોતને ભેટેલા તમામ મૃતકોના કોરોનાની સરકારી પ્રોટોકોલ મુજબ ગોત્રી તથા વાસણા સ્મશાન ખાતે અંતિમ વિધિ કરવામાં આવી હતી.

પંચમહાલ જિલ્લાના હાલોલ ખડાયતી વાડી સામે ચોરા પાસે રહેતાં અને વેજલપુર સોના-ચાંદીનાં દાગીનાની દુકાન ધરાવતાં ૪૯ વર્ષના સોની કોરોના સંક્રમણમાં આવ્યા હતાં. તેમને સારવાર માટે વાઘોડિયા રોડ પર આવેલ ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમનું સારવાર આજે મોડી સાંજે કોરોનામાં મોત નીપજ્યું હતું. તેમની અંતિમ વિધિ કોરોનાના પ્રોટોકોલ મુજબ કરવામાં આવી હતી.

ડેથ ઓડિટ કમિટીએ વધુ ૩ દર્દીઓના મૃત્યુની જાહેરાત કરી : કુલ સંખ્યા ૭૭ થઇ

કોરોનાના વિકરાળ પજાે શહેર-જિલ્લામાં ફરી વળ્યા છે. તેવા સમયે નિર્દોષ વ્યક્તિઓ સપડાય રહ્યા છે. અને મોતના મુખમાં ધકેલાય રહ્યા છે. એ સત્ય હકીકત છે. સેવાસદન દ્વારા રચવામાં આવેલ ડેથ ઓડિટ કમિટિ પણ હવે સતત એક અઠવાડીયાથી કોરોનામાં મૃત્યુ પામી રહ્યાને સત્તાવાર જાહેરાત કરાં કોરોનામાં દર્દીઓનો મૃત્યુઆંક સતત વધીને ૭૭ પર પહોંચ્યો હતો. આજે ડેથ ઓડિટ કમિટિએ વધુ ત્રણ મૃત્યું કોરોનાના કારણે થયા હોવાનું જાહેરાત કરી હતી. ઝડપથી વધી રહેલા કોરોનાના દર્દીઓની મૃત્યુ સંખ્યાને પગલે સ્થાનિક આરોગ્ય તંત્રમાં દોડધામ મચી છે.

જેલમાં સજા ભોગવી રહેલા ૧૮ કેદીઓને કોરોના પોઝિટિવ આવ્યો

વડોદરા સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહેલા ૧૮ કેદીઓને કેરોના પોઝિટિવ આવતાં તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. તમામ અસરગ્રસ્ત કોરોનાના કેદીઓને સારવાર માટે સયાજી હોસ્પિટલ કોવિડ સેન્ટરમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતાં. કોરોના સંક્રમિત બનેલા ૧૮ કેદીઓ પૈકી મોટા ભાગના કેદીઓ ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના હોવાનું સુત્રોએ જણાવ્યું હતું. આ ઘટના પગલે કેદીઓની સલામત વ્યવસ્થા સંભાળતા પોલીસ જવાનો પોતે સંક્રમણમાં આવવાના ભયથી ડરી રહ્યા છે.

અકોટાના સ્મશાન ખાતે કોરોનાની ડેડ બોડીના નિકાલની કામગીરી બે દિવસથી બંધ : ગેસ ચિતાની પ્લેટ વળી જતાં રિપેરિંગ કરાશે

કારેલીબાગ ખાસવાડી સ્મશાન ખાતેની ગેસ ચિતાના ચાલી રહેલા સમારકામને કારણે ગેસ ચિતા હાલ પૂરતી બંધ કરવામાં આવી છે. તેની અવેજીમાં અન્ય ત્રણ સ્મશાન અકોટા, ગોત્રી અને વાસણા ખાતે કોરોનાના મૃતદેહોની અંતિમ વિધિ કરવામાં આવી રહી છે. અકોટા સ્મશાન ખાતે બે દિવસ અગાઉ ભારે વજનની કોરોના બોડી અંતિમ વિધિ માટે આવતાં ગેસ ચિતાની પ્લેટ વળી જતાં અકોટા સ્મસાનમાં કોરોનાની બોડીના નિકાલની કામગીરી બંધ કરવામાં આવી છે. જ્યારે ગોત્રી સ્મશાન ખાતેની ગેસ ચિતાની ચીમનીનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે.