ચંદીગઢ-

પંજાબના અકાલી દળના નેતા અને ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન પ્રકાશ સિંઘ બાદલના પરિવાર પર કોરોના આડકતરી રીતે ત્રાટક્યો હતો. આ પરિવારની સુરક્ષા માટે અપાયેલા પોલીસ દળના એક સાથે 19 જવાનો કોરોના પોઝિટિવ હોવાના રિપોર્ટ આવ્યા હતા. એ સાથે જ પ્રકાશ સિંઘ બાદલ, સુખબીર સિંઘ બાદલ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલે પોતાને આઇસોલેટ કરી લીધાં હતાં.

બઠિંડામાં આવેલા પ્રકાશ સિંઘ બાદલના બંગલાને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં પરિવર્તિત કરી નાખવામાં આવ્યો હતો. શિરોમણી અકાલી દળના અધ્યક્ષ સુખબીર સિંઘ બાદલ અને કેન્દ્રીય પ્રધાન હરસિમરત કૌર બાદલ પોતાના પરિવાર સાથે ચંડીગઢ ચાલ્યા ગયા હતા જ્યાં તેમણે સ્વૈચ્છિક આઇસોલેશન સ્વીકાર્યું હતું. પ્રકાશ સિંઘ બાદલના ગામમાં આવેલી સિવિલ હૉસ્પિટલના મેડિકલ સુપરિન્ટેન્ડન્ટ ડૉક્ટર મંજુએ આ સમાચારને સમર્થન આપ્યું હતું કે બાદલ પરિવારના મકાનને માઇક્રો કન્ટેનમેન્ટ ઝોનમાં ફેરવી દેવામાં આવ્યું હતું. હવે બહારથી કોઇ અંદર નહીં જઇ શકે અને અંદરથી કોઇ બહાર નહીં આવી શકે.

ડૉક્ટર મંજુએ વધુમાં આપેલી માહિતી મુજબ ગયા સપ્તાહે પ્રકાશ સિંઘ બાદલના ઘરે રસોઇયા તરીકે કામ કરતી વ્યક્તિ અને એક પોલીસ સબ ઇન્સ્પેક્ટરનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ બાદલ પરિવારની સુરક્ષા માટે અપાયેલા પોલીસ દળના જવાનોના ટેસ્ટ કરવામાં આવ્યા હતા. એ દરમિયાન 19 પોલીસ જવાનો પોઝિટિવ આવ્યા હતા. હવે બાદલ પરિવારના સભ્યોના સેમ્પલ લેવામાં આવશે એમ ડૉક્ટર મંજુએ ઉમેર્યું હતું.