વડોદરા : ડભોઈ તાલુકામાં વણકરવાસમાં રહેતા ૨૭ વર્ષીય મેઘાબેન ડાહ્યાભાઈ વણકરે જેપી રોડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે હું વડોદરા મહાનગરપાલિકામાં ૨૦૧૩થી એડિ.આસી. એન્જિનિયર તરીકે પાણી વિભાગમાં ફરજ બજાવું છુ. હાલમાં વરસાદના કારણે શહેરમાં ઘણી જગ્યાએ પાણી ભરાવવાના કારણે રોડ પર ભુવા પડ્યા હોઈ આજે સવારે હું તેમજ કોર્પો.ના ડ્રેનેજ વિભાગના એડિ.આસી. એન્જિનિયર આશાબેન પ્રતિકકુમાર વાઘેલા આશાબેનની એક્ટિવા પર નિરીક્ષણ માટે નીકળ્યા હતા. સવારે સાડા દસ વાગે અમે મનીષા ચોકડીથી વાસણારોડ તરફ શોભનાનગર સોસાયટીના ગેટ પાસે પડેલો મોટા ભુવાનનું નિરીક્ષણ કરતા હતા તે સમયે કાળારંગની જીજે-૨૩-બીડી-૧૨૧૫ નંબરની કારમાં આવેલી રાખી બ્રિજેશભાઈ ઠાકોરે (એરીઝશ્યામ,શોભનાનગર,વાસણારોડ) કારનો હોર્ન વગાડ્યો હતો જેથી અમે એક્ટિવા રોડસાઈડથી ખસેડી હતી. જાેકે કારમાં બેઠેલી મહિલાએ મારી સાથે બોલાચાલી કરી જેથી મે તેને અમે કોર્પોરેશનના કર્મચારી છીએ અને સરકારી કામગીરી કરીયે છે તેમ સમજાવ્યા હતા પરંતું તેમ છતાં તેણે ઉશ્કેરાઈને અપશબ્દો કહ્યા હતા. તેમને તેમ નહી કરવા સમજાવતા તેણે ઉશ્કેરાઈને એક્ટિવાને લાત મારી મને માથાના વાળથી પકડીને એક લાફો માર્યો હતો અને આશાબેન મને બચાવવા પડતા રાખીએ તેમની સાથે ઝપાઝપી કરી અને હું તમને જાેઈ લઈશ તેવી ગર્ભીત ધમકી આપી સરકારી કામમાં અડચણ કરી હતી. આ દરમિયાન કોર્પોરેશનના અન્ય કર્મચારીઓ જેઓ સુપરસકર મશીનથી ડ્રેનેજ સાફ કરતા હતા તેઓએ આવીને અમને રાખીના મારથી બચાવ્યા હતા. આશાબેને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરતા જેપી રોડ પોલીસે રાખી ઠાકોરને પોલીસ મથકે લાવી તેમના કોરોના ટેસ્ટની તજવીજ હાથ ધરી છે.