હિંમતનગર,તા.૨૯ 

સાબરકાંઠાના ચાર તાલુકામાં ૨૪ કલાકમાં ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે. પ્રાંતિજ તાલુકામાં ૩, ઇડર તાલુકામાં બે, તલોદ તાલુકામાં બે અને હિંમતનગરમાં એક પોઝિટિવ કેસ નોંધાતા જિલ્લાનો આંકડો ૧૭૯ એ પહોંચી ગયો છે. ઇડર તાલુકાના ગામના ૬૦ વર્ષિય શખ્સનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.તલોદના સલાટપુરમાં રહેતા પટેલ ચીમનભાઈ અમૃતભાઇ (૫૦)ને તા.૨૦મીએ છાતીમાં દુઃખાવો થતાં એપોલો હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે લઇ જવામાં આવ્યા હતા. એનજીઓગ્રાફી કરતા હૃદયની નળીઓમાં બ્લાકેજ આવતા બાયપાસ સર્જરી કરવાની હોવાથી ૨૫ મીએ સેમ્પલ લઇ ટેસ્ટ કરતાં રિપોર્ટ પોઝિટિવ આવતા હિંમતનગર સિવિલમાં રિફર કર્યા હતા. તલોદના રણાસણના પ્રજાપતિ રમેશભાઇ હીરાભાઈને શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ લેવાતા રિપોર્ટ પોઝિટિવ આવતાં હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ઇડર તાલુકાના ગામના ૬૦ વર્ષિય શખ્સનો પણ પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. પ્રાંતિજના પંડ્‌યાવાસમાં રહેતા ૫૧ વર્ષિય અનંતકુમાર કાંતિલાલ ચૌહાણ અને દેસાઈની પોળમાં રહેતા નંદલાલ મધુમલ નરસિંઘાણી (૪૬) બંનેને શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ લેવાતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.જ્યારે તખતગઢના ૬૯ વર્ષિય ગણપતભાઇ વેલજીભાઈ પટેલને તાવ અને ખાંસી સહિત શંકાસ્પદ લક્ષણો જણાતાં સેમ્પલ લેવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ઇડરના સાબલી ગામના ૫૧ વર્ષિય રફીકભાઈ વલીભાઈ મનસુરીને લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યા બાદ પોઝિટિવ રિપોર્ટ આવતા હિંમતનગર સિવિલમાં દાખલ કરવામાં આવ્યા છે. હિંમતનગરની ચિત્રકૂટ સોસાયટીમાં ફાલ્ગુનીબેન પ્રવીણભાઈ પ્રજાપતિને લક્ષણો જણાતાં શુક્રવારે સેમ્પલ લેવાતાં પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જ્યારે બે દર્દીઓએ કોરોનાને મ્હાત આપતા તેઓને રજા આપવામાં આવી હતી.