સુરેન્દ્રનગર-

સુરેન્દ્રનગરનાં ગાંધી સિવિલ હૉસ્પિટલ વોર્ડમાંથી બે કેદીઓ ફરાર થઇ ગયા છે. હૉસ્પિટલમાં કેદીઓની ગણતરી કરતા આ વાત સામે આવી છે. હાલ હૉસ્પિટલ અને પોલીસ તંત્રમાં દોડધામ મચી છે. હાલ પોલીસે નાસી ગયેલા કેદીઓને શોધવાની કવાયત હાથ ધરી છે. નોંધનીય છે કે, સુરેન્દ્રનગરના કોવિડ વોર્ડ પાસે કોઇ સીસીટીવી લગાવવામાં આવ્યા નથી. આ ફરાર બે દર્દીઓ અન્ય જગ્યાના સીસીટીવીમાં ઝડપાઇ ગયા છે. આ અંગે મળતી માહિતી પ્રમાણે, થોડા દિવસ પહેલા સુરેનદ્રનગરની સબ જેલમાં સજા ભોગવી રહેલા ૬૦ કેદીઓના કરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાં હતાં.

જે બાદ તમામને મહાત્મા ગાંધી સિવિલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. આજે વહેલી સવારે કોવિડ વોર્ડમાંથી પાંચ વાગ્યાની આસપાસ સબજેલનાં બે કેદી દર્દીઓ ફરાર થઇ ગયા હતા. આજે સવારે પોલીસ અધિકારીઓએ હૉસ્પિટલમાં જ્યારે સારવાર લઇ રહેલા કેદીઓની ગણતરી કરી રહ્યાં હતાં ત્યારે આ વાતની જાણ થઇ હતી. આ બે દર્દીઓ બીજામાળેથી ચાદરની મદદથી નીચે ઉતરીને ભાગી ગયા હતાં. આ કેદીઓ ભાગ્યા ત્યારે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત હૉસ્પિટલની આસપાસ તહેનાત હતો. તો સવાલ એ થાય છે કે,

આ બંન્ને કેદીઓ કઇ રીતે પોલીસની નજર સામેથી ભાગી ગયા. સિવિલ સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલનાં મેઇન ગેટ ઉપર કેમેરા નથી. બંને ગેટ ઉપર સિક્્યુરિટી ગાર્ડ છે પણ સીસીટીવી કેમેરા નથી. જ્યાં કેદીઓને સારવાર માટે રાખવામાં આવ્યાં હતાં તે જ હૉસ્પિટલમાં સીસીટીવી કેમેરા ન હોય તેની પર પણ ઘણાં સવાલો ઉભા થાય છે.