મુંબઇ-

સોમવાર સવારથી મહારાષ્ટ્રના 20 જિલ્લાઓ અનલોક થઈ ગયા છે. તેમજ મુંબઇ, થાણે અને પાલઘરમાં તાળાબંધીમાં આંશિક છૂટછાટ આપવામાં આવી છે. ડિઝાસ્ટર મેનેજમેન્ટ મંત્રી વિજય બડેટ્ટીવારે, નાગરિકોને કોરોના નિયમોનુ પાલન કરવાની અપીલ કરી છે. રાજ્ય સરકારે આજે અનલોકના નવા નિયમો બહાર પાડીને, રાજ્યના 20 જિલ્લાઓને સંપૂર્ણપણે લોકડાઉન મુક્ત બનાવ્યા છે. આ જિલ્લાઓમાં નાગપુર, અહમદનગર, અમરાવતી, ભંડારા, બુલઢાણા, ચંદ્રપુર, ધૂલે, ગોંદિયા, હિંગોલી, જલગાંવ, જાલના, લાતુર, નાંદેડ, નંદુરબાર, પરભણી, સોલાપુર, વર્ધા, વશીમ, યવતમાળ નો સમાવેશ થાય છે. લોકડાઉન હળવુ થયા બાદ, લોકોની પાછી ભીડ શરૂ થઈ ગઈ હતી. તેથી, મેયર કિશોરી પેડનેકરે લોકોને માસ્ક અને સામાજિક અંતરને અનુસરવાની અપીલ કરી છે. પુણેમાં ચેપગ્રસ્તોની સંખ્યામાં ઘટાડો થવાને કારણે, અહીં સવારે 7 વાગ્યાથી સાંજના 7 વાગ્યા સુધી દુકાનો ખોલવાની મંજૂરી આપવામાં આવી છે. એટલા માટે અહીં પણ જાહેર સ્થળોએ લોકોની ભીડ વધવા માંડી છે.

રાજ્ય સરકારના નવા નિયમો હેઠળ, સ્થાનિક સ્તરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ જિલ્લાઓમાં કેટલાક નિયંત્રણો લાદવામાં આવી શકે છે. મુંબઈ, થાણે, પાલઘર વગેરે જિલ્લાઓમાં કોરોના ચેપગ્રસ્ત લોકોની સંખ્યામાં ઘટાડો થયો છે. તેથી અહીંના લોકડાઉનમાં આંશિક રાહત આપવામાં આવી છે. અહીં સવારે 7 થી સાંજના 4 વાગ્યા સુધી દુકાનો ખુલ્લી રાખવાની પરવાનગી આપવામાં આવી છે. મહારાષ્ટ્રના કોલ્હાપુર, વાસીમ, રત્નાગિરી, સિંધુદુર્ગ, રાયગઢ જિલ્લાઓમાં કોરોનાની સંખ્યા વધી રહી છે. આ જોતા વહીવટીતંત્રને એલર્ટ રહેવાનો આદેશ આપવામાં આવ્યો છે. આપત્તિ અને સહાય પ્રધાન વિજય બડેટ્ટીવારે કહ્યું કે, "જો અનલોકડ જિલ્લાઓમાં કોરોના દર્દીઓની સંખ્યા ફરી વધી જશે, તો તે જિલ્લાઓમાં નિયંત્રણો કડક કરવામાં આવશે."