નડિયાદ : ખેડા જિલ્લામાં માસ્ક નહિ પહેરનારાઓને દંડ થઇ રહ્યો છે. સાથે સાથે જાહેરમાં થૂંકતાં લોકો પણ ઝડપાયાં હતાં. આજે નડિયાદ શહેરમાં જિલ્લા કલેક્ટરની સૂચના અન્વયે પ્રાંત અધિકારી લલિત પટેલના માર્ગદર્શન હેઠળ કડક કાર્યવાહીં કરવામાં આવી હતી. શહેરમાં અંદાજે ૨૫૦થી વધુ નાગરિકો માસ્ક ન પહેરવા તેમજ જાહેરમાં થૂંકવા બાબતે દંડાયા હતા. જિલ્લાભરમાં પોલીસ દ્વારા ચલાવવામાં આવેલી ઝુંબેશના કારણે નાગરિકો જાગૃત થવા લાગ્યા છે, જેનાં કારણે માસ્ક પહેરતાં થયાં છે. લોકો મોંઢું ઢાંકીને વાઇરસથી પોતાની જાતનો બચાવ કરવા લાગ્યાં છે. જિલ્લામાં કોરોના સંક્રમણ વધે નહિ તે માટે માસ્ક પહેરવું ફરજિયાત છે. આ માટે જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા પોલીસ તંત્ર દ્વારા વારંવાર પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. 

ઉમરેઠમાં માસ્ક ન પહેરનારાં પોલીસની નજરથી બચી ન શક્યાં

આણંદ : આણંદ જિલ્લામાં કોરોનાનો કહેર યથાવત છે. કોરોના વાઇરસ સામે રક્ષણ મેળવવા માટે કાળજી લેવા રાજ્ય સરકાર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર કરાયેલી ગાઈડલાઈન મુજબ જાહેર સ્થળો માસ્ક પહેરવું ફરજિયાત છે. માસ્ક નહિ પહેનારની સામે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે. જાહેર સ્થળો પર માસ્ક વગર ફરતાં અનેક લોકોને આજે ઉમરેઠમાં દંડવામાં આવ્યાં હતાં. આજે જિલ્લાના ઉમરેઠમાં પણ માસ્ક વગર ફરતા લોકો સામે ઉરમેઠ પોલીસે લાલ આંખ કરીને દંડનીય કાર્યવાહી હાથ ધરતાં માસ્ક વગર ફરતાં લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે .