ભુજ ભુજની જૂની લોહાણા મહાજનવાડી પાસે આવેલી વોકળા ફળિયાની મસ્જિદ સામે આશરે ૧૦૦ વર્ષ જૂનું બોરડીનું ઝાડ છે, જેમાં ૨૨ હજારથી વધુ ચકલીઓ જાેવા મળે છે. સમગ્ર કચ્છમાં એકમાત્ર આ જ એવું જુનું વૃક્ષ છે જેની લતાઓ પણ હવે જમીનને અડવા માંડી છે. જાે કે શેખપીર દરગાહ પાસેના બાવળના ઝાડ પર પણ ચકલીઓ વિપુલ પ્રમાણમાં જાેવા મળે છે. પરંતુ અહીંના ઝાડ જેટલી વિશાળ સંખ્યા સાથેની ચકલીઓ જિલ્લામાં બીજે ક્યાંય જાેવા મળે તેમ ના હોવાનું ડો. પૂર્વી ગોસ્વામીએ જણાવ્યું હતું. આ વિશે ૬૫ વર્ષીય મેમણ અબ્દુલ ગનીએ જણાવ્યું હતું કે સૂર્યોદય સમયે ચકલીઓ દેખાય છે અને પાછી સાંજે આવે ત્યારે આખો ફળિયો ગજાવી મૂકે છે. સાંજની ભરચક ભીડ વચ્ચે અનેક વાહનોના અવાજ વચ્ચે પણ વટેમાર્ગુ તેમના ચીંચીંનો ચિલકાટ સાંભળી શકતા હોય છે. વૃદ્ધ રમજુ બાયડે કહ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં જાણે ચકલીઓને પણ કોરોના થયો હોય તે રીતે તેમની સંખ્યામાં ધરખમ ઘટાડો નોંધાયો હતો. આ સમયમાં આશરે બેથી અઢી હજાર ચકલીઓ ઘટી હોવાનું અનુમાન સ્થાનિકો લગાવી રહ્યા છે.

આજના મકાનની બાંધકામમાં કોઈ ખૂણા ન હોવાને લીધે ચકલીઓને માળો બાંધવામાં મુશ્કેલી રહે છે. પરિણામે વસવાટના જંગી પ્રશ્ન સામે ચકલીઓની સંખ્યા શહેરોમાં ખૂબ ઓછી જાેવા મળે છે. પણ ભુજ શહેરની ભર બજારે આવેલા આ ઝાડ પર હજારોની સંખ્યામાં ચકલીઓ જાેઈ શકાય છે. મસ્જિદમાં નમાજ પઢવા આવેલા અબુભાઈ બાયડે કહ્યું હતું કે હું આ વૃક્ષ પર છેલ્લા સાત દાયકાથી ચકલીઓની ચીં ચીં સાંભળતો આવ્યો છું. એકમાત્ર આ ઝાડ પર વોકળા ફળિયાની કુલ વસ્તી કરતા વધુ ચકલીઓનો વસવાટ જાેવા મળે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે એક વ્યક્તિદીઠ એક ચકલીની વસ્તી એકલા આ વૃક્ષે જાળવી રાખી છે.