બાલાસિનોર : બાલાસિનોર ધરિયાવાળ વિસ્તારમાં રહેતાં નિલેશભાઇ શાહના પરિવારમાં કોરોના વાઇરસના એક બાદ એક ૯ સભ્યો ઝપટમાં સપડાયાં હતાં. આ ૯ સભ્યોમાં તેમનો નાનો દીકરો શૈલ શાહ પણ પોઝિટિવ આવ્યો હતો. શૈલને બાલાસિનોર કેએસપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. પાંચ દિવસ બાદ સ્વસ્થ થતાં તેને રજા આપવામાં આવી હતી. સ્વસ્થ થયાં બાદ પણ ધારિયાવાડ વિસ્તારમાં જાણે કોરોનાએ પોતાનું ઘર બનાવી લીધું હોય તેમ વિસ્તારના એક બાદ એક વ્યક્તિઓ કોરોના વાઇરસના શિકાર બનતાં ગયાં હતાં. આ સિલસિલામાં કિરણબેન રવિકુમાર જયસ્વાલ પણ કોરોનાની ઝપટમાં આવી ગયાં હતાં.  

તેઓને સારવાર માટે વડોદરાના વાઘોડિયા રોડ ઉપર આવેલી ધીરજ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. તેઓને વધુ તકલીફ હોવાના કારણે હોસ્પિટલના તબીબોએ કિરણબેનનાં પરિવારને પ્લાઝમા થેરાપી માટે જણાવ્યું હતું. શૈલને બાલાસિનોર કેએસપી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો તે સાંભળી શૈલ શાહે પોતે પ્લાઝમા ડોનેટ કરવાની તૈયારી બતાવી હતી. પરિવારની મંજૂરી મેળવી પ્લાઝમા ડોનેટ કરવા માટે ધીરજ હોસ્પિટલમાં પહોંચી ગયો હતો. પ્લાઝમા ડોનેટ કર્યાં બાદ કિરણબેનને પ્લાઝમા થેરાપી આપવામાં આવતાં તેઓ પણ કોરોનામાંથી બહાર આવ્યાં હતાં. કિરણબેનના પરિવારે શૈલ શાહનો આભાર માન્યો હતો. આ યુવાન મહિસાગર જિલ્લામાં પ્રથમ પ્લાઝમા ડોનર બન્યો છે.

શૈલ શાહ આબુ રોડમાં ફિઝિયોથેરાપીમાં અભ્યાસ કરે છે

બાલાસિનોર શહેરનો ૨૦ વર્ષીય નવયુવાન શૈલ શાહ રાજસ્થાનના આબુ રોડ ખાતે આવેલી માધવ યુનિવર્સિટીમાં ફિઝિયોથેરાપીનો અભ્યાસ કરે છે.