વડોદરા : અમદાવાદમાં દિવાળી બાદ કોરોનાની સ્થિતિ વણસતાં આજે રાત્રિથી કરફર્યુ લગાવવામાં આવ્યો છે, જેના પગલે એસ.ટી. નિગમ દ્વારા વડોદરાથી અમદાવાદ જતી બસો સોમવાર સવાર સુધી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જાે કે, આજે વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં અમદાવાદ જતી બસોમાં ભારે ભીડ જાેવા મળી હતી. અમદાવાદમાં કોરોનાના કેસો વધતાં વડોદરાથી અમદાવાદ તરફ જતી ર૦૦ જેટલી એસ.ટી. બસો આજે સાંજે ૬.૩૦ વાગ્યાથી બંધ કરવામાં આવી હતી. સાવચેતીના ભાગરૂપે સોમવારે સવાર સુધી અમદાવાદ આવતી-જતી બસો બંધ કરવાનો નિર્ણય લેવાતાં દિવાળી પર્વે ફરવા-ખરીદી કરવા નીકળેલા તેમજ વતનમાં દિવાળી પર્વ મનાવવા ગયેલા લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. ફરીથી લૉકડાઉન થશે તેવી બીકે અમદાવાદ તેમજ વતન પરત જવા માટે વડોદરા સેન્ટ્રલ એસ.ટી. ડેપોમાં ખાસ કરીને અમદાવાદ જવા માટે લોકોની ભારે ભીડ જાેવા મળી હતી. 

અમદાવાદ જવા માટે એડવાન્સ બુકિંગ કરાવનારા મુસાફરોને બુકિંગ કેન્સલ કરાવવાનો વારો આવ્યો હતો. જાે કે, લાંબા રૂટથી અમદાવાદ આવનારા લોકોને અમદાવાદ બાયપાસ ઉતારી દેવામાં આવશે. વડોદરા એસ.ટી. વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે, જે બસ અમદાવાદ જાય છે તેને આજે સાંજથી બંધ કરવાનો આદેશ આવ્યો છે, જેના પગલે ર૦૦ જેટલી એસ.ટી. બસો બંધ કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં કોઈ બસ જશે નહીં.