વડોદરા : વડોદરા શહેર અને જિલ્લામાં દિવસે દિવસે કોરોનાના કેસોની સંખ્યામાં કુદકેને ભૂસકે વધારો થતો જાય છે.જેને લીધે તંત્ર દ્વારા હજારો બેડની વ્યવસ્થાઓ ઉપલબ્ધ કરવા છતાં એવી સ્થિતિ નિર્માણ થવા પામી છે કે આભ ફાટ્યું હોય ત્યારે માત્ર થીંગડા દેવા જેટલી જ વ્યવસ્થાઓ ઉભી થઇ સાકી છે. આને કારણે સૌથી વધુ આફત સામાન્ય માનવીઓ પર આવી પડી છે. આ સંકટે પ્રજાને દયનીય અને લાચારીભરી સ્થિતિમાં લાવીને મૂકી દીધી છે. શહેર અને જિલાના નાના મથકોમાં પણ ખાનગી અને સરકારી હોસ્પિટલોમાં બેડ ઉપલબ્ધ નથી. જેને લઈને ઓક્સિજનના અભાવે પરિજનોની નજર સામે મોત ડોકાઈ રહ્યું છે. આવી દારુણ વકરતી જતી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાક દિવસથી કોરોનાના સંક્રમિતોના કેસો સતત વધી રહ્યા છે. જેમાં આજે વધુ ૪૪૧ પોઝીટીવ દર્દીઓનો ઉમેરો થવા પામ્યો છે. જયારે બિનસત્તાવાર રીતે મૃતાંક ૬૯ છે.જે આંક મોડી સાંજે ૮૦ને વટાવી ગયાનું આધારભૂત સૂત્રોએ જણાવ્યું છે. પરંતુ નફ્ફટ તંત્ર સત્યનો સ્વીકાર કરવાને બદલે હજુ સત્તાવાર માત્ર બેના મોતને બહાલી આપી રહ્યું છે. અત્યાર સુધીના કુલ ૩૩૧૭૫ દર્દીઓમાં આજના ૪૪૧ દર્દીઓના વધારા સાથે એનો આંક ૩૩૬૧૬ સુધી પહોંચ્યો છે. જે આ તબક્કાનો વિક્રમી આંક છે. આજે વડોદરા શહેરના ૩૦ જેટલા અને વડોદરા ગ્રામ્યના ૧૫ જેટલા વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધવા પામ્યું છે. આજરોજ લેવાયેલા ૬૧૪૦ સેમ્પલોમાંથી ૫૬૯૯ નેગેટિવ અને ૪૪૧ પોઝિટિવ આવ્યા છે. જયારે સરકારી દફતરે સત્તાવાર રીતે ગણાયેલા ૨૭૦ મૃતાંકમા વધુ બેનો ઉમેરો થતા સરકારી ચોપડે મૃતાંકની સંખ્યા ૨૭૨ સુધી પહોંચી છે.

હાલમાં કુલ ૪૧૬૧ જેટલા કોરોના પોઝિટિવના દર્દીઓ દાખલ છે.જેમાં ૩૮૪૯ સ્ટેબલ,૧૮૭ ઓક્સિજન ઉપર અને ૧૨૫ વેન્ટિલેટર પર સારવાર લઇ રહ્યા છે. આજે સરકારી હોસ્પિટલોમાંથી ૨૬ અને ખાનગી હોસ્પિટલોમાંથી ૧૪ તેમજ હોમ આઇસોલેશનમાંથી ૧૯૬ દર્દીઓને રજા આપવામાં આવી છે. આમ દિવસ દરમ્યાન ૨૩૬ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ગતરોજ સુધી કરાયેલા ૨૮૯૪૭ દર્દીઓમાં વધુ ૨૩૬નો ઉમેરો થતા સંખ્યા ૨૯૧૮૩ થતા હવે ૨૯ હજારને આંબી ગયો છે. કોવિદઃ૧૯ના જે દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવતા હોય છે.તેઓના સંપર્કમાં આવેલ વ્યક્તિઓને હોમ ક્વૉર્ટનટાઇન કરવામાં આવે છે. આવી ૮૭૦૪ વ્યક્તિઓને હોમ ક્વોરેન્ટાઇન કરાઈ છે. આમ હાલના તબક્કે કોરોનાની સ્થિતિ દિવસે દિવસે અત્યંત વિકટ બની રહી છે.જેને લઈને ખુદ તંત્રના આયોજકો પણ ગણતરીઓ ઉંધી પડતા માથું ખંજવાળી રહ્યા છે, એટલુંજ નહિ કોરોનાના કહેર સામે તંત્ર વામણું સાબિત થયું છે. જયારે કોરોના દિવસે દિવસે વામનમાંથી વિરાટ પછીથી હવે તો સંક્રમણ અને મોતના બંને મામલે મહાકાય સ્વરૂપે નજરે પડી રહ્યો છે.

હોસ્પિટલો હાઉસફુલ થતાં દર્દીઓને હોટલમાં અ૫ાતી સારવાર

વડોદરા મહાનગરપાલિકા દ્વારા કોરોના સારવાર આપતી ખાનગી હોસ્પિટલો માટેના જે ભાવ નક્કી કર્યા છે એ પ્રમાણે ફાઈવ સ્ટાર હોટલ કરતાં પણ વધુ ખર્ચ દર્દીઓને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખાનગી દવાખાનામાં દર્દી દાખલ થાય છે તો સેગમેન્ટ વનની હોસ્પિટલમાં રોજનો રૂપિયા ૫૦ હજાર અને સેગમેન્ટ-ટૂની હોસ્પિટલમાં સારવાર લેતા દર્દીને રોજના ૨૫ હજાર રૂપિયાનો ખર્ચ થતો હોય છે, જેથી કોરોનાના દર્દીઓ હાલાકી ભોગવી રહ્યા છે.વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન જે ભાવ નક્કી કર્યા છે એમાં સામાન્ય વોર્ડમાં દર્દી દાખલ થાય તો એક બેડના રૂપિયા ૬,૦૦૦ અને એચડીયુ હોય તો રૂપિયા ૮૫૦૦નો ભાવ નક્કી કરવામાં આવ્યો છે, તેની સાથે અન્ય જે સુવિધા આપવામાં આવે છે એમાં સરકારનાં ધારાધોરણ પ્રમાણે નક્કી કરેલા ભાવમાં સેગમેન્ટ વનની હોસ્પિટલ હોય તો એક દિવસનો રૂપિયા ૫૦ હજારથી વધુનો ખર્ચ અને સેગમેન્ટ-૨ની હોસ્પિટલમાં દાખલ થાય તો રોજનો રૂપિયા ૨૫ હજારનો ખર્ચ થાય છે.

સાવલીમાં ગર્લ્સ હોસ્ટેલમાં કોવિડ કેર સેન્ટર કાર્યરત

સાવલી ખાતે ગર્લ્સ હોસ્ટેલમાં આજથી ૩૦ પથારીનું કોવિડ કેર સેન્ટર કાર્યરત થઇ ગયું છે.જિલ્લા કલેકટર શ્રીમતી શાલિની અગ્રવાલે તાજેતરમાં સાવલીની મુલાકાત લીધી ત્યારે સ્થાનિક સ્તરે કોવિડ સારવાર સુવિધા માટે ધારાસભ્ય તેમજ સ્થાનિક અગ્રણીઓ સાથે પરામર્શ કર્યો હતો. તેના અનુસંધાને ત્રણ ખાનગી સંસ્થાઓને આરોગ્ય તંત્ર દ્વારા ૯૦ બેડની સુવિધાની મંજુરી આપવામાં આવી હતી.

જીએસએફસી દૈનિક ૧૦ ટન ઓક્સિજન પુરવઠો આપશે

ખાસ ફરજ પરના અધિકારી ડો.વિનોદ રાવે જણાવ્યું છે કે વિશેષ સૌજન્ય રૂપે જી.એસ.એફ.સી. એ તેમના ઔધોગિક વપરાશમાંથી અંદાજે દૈનિક ૧૦ ટન જેટલો ઓકસીજન તબીબી હેતુ માટે મોકલવાનું ગઈકાલથી શરૂ કર્યું છે. જે ઓકસીજનની માંગને પહોંચી વળવામાં ઉપયોગી થશે.