આબુ-

ભલે કોરોનાનો કકળાટ હોય પણ જુગારીઓને જલસા કરવા હોય તો ગમે ત્યાં પહોંચે. આવી જ એક ઘટના માઉન્ટ આબુમાં સામે આવી છે. માઉન્ટ આબુની લાશા હોટેલમાં પોલીસ દ્વારા દરોડા પાડવામા આવ્યા ત્યારે અંદરના દ્રશ્યો જાેઈને ચોંકી ગયા હતા. હોટલની અંદરથી એક-બે નહીં પરંતુ પુરેપુરા ૨૨ જુગારીઓ મળી આવ્યા હતા.

સૌથી ચોંકાવનારી વાત તો એ છેકે પકડાયેલા તમામ જુગારી ગુજરાતના જ છે. જેમાં ગોઝારીયા, રાજકોટ, કલોલ, અંબાજી, લાંઘણજ, દ્વારકા, અમદાવાદ, દિયોદર, પાંથાવાડા અને પાલનપુરના છે. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, રાજસ્થાનની સંતમેરી સ્કૂલ રોડ પર આવેલી હોટલ લાસામાં જીગારધામ ચાલતુ હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં ૨૨ જુગારીયાઓ ગંજીપાનાનો જુગાર રમતા રંગે હાથ ઝડપાયા હતા.

આ તમામ પાસે થી રૂપિયા ૨.૬૩ લાખ રોકડા આ સિવાય રૂપિયા ૫,૧૮,૮૭૦ના જુગાર રમવાના ટોકન પણ મળી આવ્યા હતા. આ સાથે ૨૫ મોબાઇલ, પાંચ મોંઘી કાર અને ગુજરાતથી સ્પેશિયલ લકઝરી કરી તેમા બેસી આબુમાં જુગાર રમવા આવ્યા હોવાથી તે લક્ઝરી બસ પણ તપાસ અર્થે કબજે કરાઈ છે. પોલીસે તમામની ધરપકડ કરી હતી.