અમદાવાદ, અમદાવાદ મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી તા-૨૧ મી ફેબ્રુઆરીને રવિવારના રોજ યોજાનાર છે. ત્યારે અમદાવાદ મહાનગરપાલિકામાં જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયા અંતર્ગત આખરી ઓપ આપી દેવાયો છે. આ ચૂંટણીમાં ૪૬,૨૪,૪૨૫ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે તેમ પણ અમદાવાદ શહેરના ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સંદીપ સાગલે એ જણાવ્યું છે.

ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર સંદીપ સાગલેએ જણાવ્યું હતું કે, અમદાવાદ મહાપાલિકામાં કુલ ૪૮ વોર્ડમાં ૧૯૨ બેઠકો માટે ચૂંટણી યોજાનાર છે. જે માટે ચૂંટણી તંત્ર દ્વારા ૪,૫૩૬ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન અને દેખરેખ માટે ૧૬ આર.ઓ(રિટનિંગ ઓફિસર) અને ૧૬ એ.આર.ઓ(આસિસ્ટન્ટ રિટનિંગ ઓફિસર) ની નિમણૂક કરવામાં આવી છે.

આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે ૨૨,૬૮૦ પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરાયા છે. સાથે સાથે ૩૭૦ સેક્ટર ઓફિસ સ્ટાફ અને ૧૮,૧૪૪ પોલીસ સ્ટાફ પણ તહેનાત કરાયો છે. જયારે મતદાન માટે તંત્ર દ્વારા ઇ.વી.એમ. હેઠળ કુલ ૧૦,૯૬૦ બી.યુ.(બેલેટિંગ યુનિટ) અને ૫,૪૬૦ સી.યુ.(કંટ્રોલ યુનિટ) કાર્યરત કરવામાં આવ્યા છે. જયારે અમદાવાદ મહાપાલિકાની ચૂંટણીમાં ૨૪,૧૪,૪૮૩ પુરૂષ મતદાર અને ૨૨,૦૯,૯૪૨ સ્ત્રી મતદારો, મળી કુલ ૪૬,૨૪,૪૨૫ મતદારો અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં મતદાન કરશે.