ગાંધીનગર-

ગાંધીનગરના સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવતી 31 વર્ષીય યુવતી સાથે વિશ્વાસ કેળવીને ચાર ગાડીઓ હજીરા પોર્ટ ઉપર ભાડે ચડાવી રોજના રૂ. 3800 ચૂકવવાની લાલચ આપી વલસાડ વાપીનો શખ્સ રૂ. 26.25 લાખની ચાર ગાડીઓ લઈને છૂમંતર થઈ ગયો હતો. જે અંગે મહિલા ડેપ્યુટી સેક્શન ઓફિસર દ્વારા ફરિયાદ નોંધાવાઇ હતી. જેના પગલે અડાલજ પોલીસે મુંબઈથી આરોપીની ધરપકડ કરીને લઈ ગયેલી ચારેય ગાડીઓને પરત મેળવી લીધી છે, જેના કારણે પોલીસની સાથોસાથ મહિલા ડેપ્યુટી સેકશન ઓફિસરે પણ રાહત અનુભવી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ ગાંધીનગરના સરગાસણ ખાતે હરિ આલયમ ફ્લેટ નંબર - 501 માં પરિવાર સાથે રહેતી રિદ્ધિ રતનસિંહ ગઢવી સચિવાલય ખાતે ડેપ્યુટી સેકશન ઓફિસર તરીકે ફરજ બજાવે છે. જેણે આજથી ત્રણ વર્ષ પૂર્વે પરિવારને ફરવા જવાનું હોવાથી રિદ્ધિએ અમદાવાદની યુગ ડ્રાઈવર સર્વિસમાં ફોન કરીને ડ્રાઈવર સંજય નટવર પટેલને બોલાવ્યો હતો. ત્યાર બાદમાં તેનું ડ્રાઈવિંગ યોગ્ય અને વ્યવસ્થિત જણાતા જરૂર પડે ત્યારે સંજયને જ ડ્રાઈવર તરીકે બોલાવતા હતા. આવી રીતે રિદ્ધિ ગઢવી સાથેની મુલાકાતોના કારણે સંજય પટેલ સાથે ઓળખાણ થઈ હતી. ત્યાર બાદ વર્ષ 2020માં સંજયે રિદ્ધિને કહ્યું હતું કે, નોકરીમાં વધુ કમાણી થતી નથી. જો તમે મને ગાડીઓ ભાડે આપો તો તેને હજીરા પોર્ટ પર ભાડે મૂકીને બન્નેને સારો એવો આર્થિક ફાયદો થશે. સારી આવકનો વિશ્વાસ આપતા રિદ્ધિએ તેમના ઓળખીતા ભરત દેસાઈની સ્વિફ્ટ કાર, કનુભાઈ સોલંકીની બલેનો કાર, બાબુભાઈ જાદવની રેનોલ્ટ કાર તેમજ નીકીન પટેલની ઇનોવા કાર સંજય પટેલને ભાડે મૂકવા માટે આપી હતી.

જેની સામે સંજય પટેલે ત્રણ કાર પેટે રૂ. 1800 તેમજ ઇનોવા કાર પેટે રૂ. 2 હજાર દૈનિક ચૂકવવાનો વિશ્વાસ આપ્યો હતો. બીજી તરફ રિદ્ધિ ત્રણ વર્ષથી સંજય ને ઓળખતી હોવાથી તેની સાથે કોઈ જાતનું લખાણ કર્યું ન હતું. બાદમાં ગત.તા 4/2/2021 નાં રોજ રૂ. 49, 500 તેમજ તા. 4/3/2021 નાં રોજ રૂ. 20 હજાર સંજયે ચૂકવ્યા હતા. જે રકમ નક્કી થયા કરતા ઓછી હતી. જેથી રિદ્ધિએ તેની પાસેથી ગાડીઓ પરત માંગી હતી. જેનાં કારણે સંજયે ફોન કરીને કહ્યું હતું કે, ગાડીઓ તેમજ બાકીના પૈસાનો હિસાબ આપી જશે. જો કે ત્યાર બાદ સંજયે તેનો મોબાઈલ ફોન બંધ કરી દીધો હતો. જેથી શંકા જતા રિદ્ધિએ હજીરા મુદ્રા પોર્ટ પર તપાસ કરતા આ પ્રકારે કોઈ ગાડીઓ ભાડે મૂકાઈ નહીં હોવાનું જાણવા મળ્યું હતું. જેથી રિદ્ધિ સંજયનાં ઘરે ગઈ હતી. જ્યાં તેની પત્ની અંજના તેમજ દીકરા દેવેને કહેલું કે સંજય મુંબઈ જતો રહ્યો છે અને ગાડીઓ વિશે કાંઈ ખબર નથી. આખરે રિદ્ધિને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનો અહેસાસ થયો હતો. જેથી તેણીએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.