હૈદરાબાદ-

કેન્દ્ર સરકારે 15 ઓક્ટોબરથી સ્કૂલો શરુ કરવા માટે મંજૂરી આપતી ગાઈડલાઈન બહાર પાડી છે પણ વાલીઓમાં પોતાના બાળકોને કોરોનાનું સંક્રમણ લાગશે તેવો ભય યથાવત છે. ગુજરાતમાં પણ સ્કૂલો ક્યારથી ચાલુ કરવીતેની વિચારણા ચાલી રહી છે. તે વચ્ચે હાલમાં જે રાજ્યોએ સ્કૂલો ચાલુ કરી તેમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝીટીવ મળી આવવાની સમસ્યા વધી છે.

આંધ્રપ્રદેશના વિજયનગરમાં બે સરકારી સ્કૂલોના 27 વિદ્યાર્થીઓને કોરોનાનું સંક્રમણ લાગ્યું છે. આ કિસ્સા બાદ સ્કૂલો કેવી રીતે ખોલવી તે સવાલ પણ ઉભો થઈ શકે છે. મળતી વિગતો પ્રમાણે આ બંને સરકારી હાઈ સ્કૂલમાં વિદ્યાર્થીઓને તેમના ભણતર અંગેના ડાઉટ ક્લિયર કરવા માટે બોલાવવામાં આવી રહ્યા છે.

હવે 27 વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ થતા તેમના વાલીઓમાં આક્રોશ જાેવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગ પર વાલીઓ પોતાનો ગુસ્સો ઠાલવી રહ્યા છે. જાેકે, અધિકારીઓનું કહેવું છે કે, સ્કૂલમાં તમામ તકેદારી રાખવામાં આવી રહી છે. પહેલી વખત સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓનો ટેસ્ટ પણ કરાય છે. શક્ય છે કે, તેમને બહારથી સંક્રમણ લાગ્યું હોય. અંગ્રેજી અખબારના અહેવાલ પ્રમાણે હવે રાજ્ય સરકારે આ કિસ્સા બાદ સ્કૂલો ખોલવાની તારીખ પાછી ઠેલીને 2 નવેમ્બર કરી દીધી છે.