ભુજ-

ઈન્ડિયન પ્રિમિયર લીગ શરૂ થઈ જતા સટ્ટોડિયાઓ પણ મેદાનમાં ઉતરી આવ્યા છે. ત્યારે ભુજના સ્ટેશન રોડ પરથી પોલીસે આઈપીએલની મેચ પર સટ્ટો રમતા અને રમાડતા ૩ શખ્સોને ઝડપી પાડ્યા હતા. આરઆર સેલની ટીમે બાતમીના આધારે ધોંસ બોલાવીને સટ્ટો પકડી પાડ્યો હતો.પ્રાપ્ત વિગતો મુજબ ગઈકાલે આઈપીએલની સનરાઈઝ હૈદરાબાદ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ગુલલ પર ડાયમન્ડ એકચ ડોડ કોમ વેબસાઈટ પર આઈડી બનાવીને ક્રિકેટ મેચ પર હારજીતનો સટ્ટો રમાતો હતો. જેમાં આરોપી બાદલભાઈ પરસોત્તમભાઈ ઠક્કર અને પરેશભાઈ નરભેરામ વડોર અને જગદીશ દયાલજી પરમારની ધરપકડ કરાઈ હતી.

આરોપીઓ સ્ટેશન રોડ પર કિષ્ના ચેમ્બર્સ બિલ્ડીંગના ત્રીજા માળે ઓફિસ નં. ૩૦૩માં સટ્ટો રમતા હતા. આરઆરસેલની ટીમે બાતમીને આધારે દરોડો પાડીને આરોપીઓના કબ્જામાંથી ટીવી, સેટટોપ બોક્સ, ૩ મોબાઈલ ફોન અને રોકડ રૂા.૧૧,ર૬૦ મળીને કુલ ૩૭,૪૬૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. બનાવને પગલે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગુનો રજીસ્ટ્રર કરાવીને આરઆર સેલના પીએસઆઈ પી.કે. ઝાલાએ આગળની તપાસ હાથ ધરી છે.