અમદાવાદ, એક તરફ તેલના ડબ્બાની કિંમતોમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે અમદાવાદમાં સનફ્લાવર તેલના ડબ્બામાં સોયાબીનનું તેલ નાંખીને વેચવાના કૌભાંડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. આ મામલે નારણપુરા પોલીસે ૪ લોકોની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.શહેરના નારણપુરા વિસ્તારમાં આવેલા આકાશ ફ્લેટ્‌સ્‌ સ્થિત તિરુપતિ પ્રોવિઝન સ્ટોર્સમાં પોલીસે દરોડા પાડ્યીને ફોચ્ર્યુન બ્રાન્ડના સર ફ્લાવર કુકિંગ ઓઈલના ડુપ્લિકેટ ડબ્બા જપ્ત કર્યાં હતા. જ્યારે વેપારી વિક્રમ ચૌધરીને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેણે શૈલેશ મોદીનું નામ આપ્યું હતું. જે બાદ પોલીસે શૈલેશ મોદીને ઝડપી પાડી તેની આગવી ઢબે પૂછપરછ કરતાં તેણે આ ડૂપ્લિકેટ તેલના ડબ્બા ઓઢવના મહેશ અને અજિત પટેલ પાસેથી મંગાવ્યા હોવાનું કબૂલ્યું હતું.નારણપુરા પોલીસની તપાસમાં સામે આવ્યું કે, ઓઢવના મહેશ પટેલ નામનો આરોપી શ્રી ગણેશ ઓઈલ ઈન્ડસ્ટ્રીઝ નામે પરવાનગી લઈને પોતાની ફેક્ટરીમાં સોયાબીન તેલના ડબ્બા પર ફોચ્ર્યુન સનફ્લાવર તેલના લોગો સાથેની સ્ટીકર લગાવીને શહેરના વિવિધ વેપારીઓને વેચાણ કરતો હતો. હાલ પોલીસે કોપીરાઈટ અને ઠગાઈ સહિતની વિવિધ કલમો હેઠળ આરોપીઓની ધરપકડ કરીને આગળની તપાસ આદરી છે.