વડોદરા : મહાનગરપાલિકાની ચૂંટણીની પૂર્વતૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચે તૈયારી શરૂ કરી છે ત્યારે બીજી બાજુ ભાજપ-કોંગ્રેસ સહિત રાજકીય પક્ષોએ ઉમેદવારોની પસંદગી, રણનીતિ નક્કી કરવા બેઠકોનો દોર શરૂ કર્યો છે. શહેર કોંગ્રેસે વડોદરા કોંગ્રેસના પ્રભારીની ઉપસ્થિતિમાં બેઠકોનો દોર શરૂ કર્યો છે જેથી શિયાળામાં રાજકીય મોરચે ગરમાવો આવી ગયો છે. કોંગ્રેસમાં ૧૯ વોર્ડની ૭૬ બેઠકો પર ૪૩૨ જણાએ ચૂંટણી લડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. 

આગામી ૨૦૨૧ની મહાનગરપાલિકાની ચૂંટણી માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ ઓફિસ ખાતે વડોદરા કોંગ્રેસના પ્રભારી રાજેન્દ્ર પરમારની હાજરીમાં કોંગ્રેસ પક્ષના કોર્પોરેટરો, પદાધિકારીઓ અને કાર્યકરો જે ચૂંટણી લડવા ઈચ્છતા હોય તેઓની સાથે રૂબરૂ મુલાકાત કરી અને ગત દિવસોમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, પ્રદેશ પ્રભારી રાજીવ સાતવના આદેશ અનુસાર જે કોંગ્રેસ પરિવારના સભ્યોએ પ્રજાની વેદના માટે જનઆંદોલન કર્યા છે. કોરોના સમયમાં કામગીરી કરી છે, પક્ષના સંગઠનમાં મહત્ત્વની ભૂમિકા ભજવી છે અને હાલના કોર્પોરેટરોને પોતાના પાંચ વર્ષમાં કરેલ કામોનું આકલન કરી ઉમેદવાર બનાવવાનું માર્ગદર્શન આપ્યું હતું.  

પ્રભારી રાજેન્દ્ર પરમારે આગામી ચૂંટણીમાં ઉમેદવારોને પક્ષના પ્રચાર થકી જનવિશ્વાસ પ્રાપ્ત કરવા કહ્યું હતું. આ બેઠકમાં પ્રભારી રાજેન્દ્ર પરમાર, શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા ભથ્થુ, કોર્પોરેટરો, પૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, પૂર્વ પ્રમુખ અનુજ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આજે વિવિધ વોર્ડમાંથી ચૂંટણી લડવા ઈચ્છતા કુલ ૪૩૨ કોંગ્રેસી કાર્યકરોએ ઈચ્છા વ્યક્ત કરી છે તેમને આવનાર સમયમાં પોતાના વિસ્તારમાં જનસંપર્ક કરી લોકોની સમસ્યાને વાચા આપવા માટે અને લોકોની વચ્ચે રહેવા જણાવ્યું હતું.