બાલાસિનોર, તા.૨૦ 

મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન કરવા ઇચ્છતા યુવાનોને લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને વિરપુર પોલીસે ઝડપી પાડી હતી.

પોલીસ સૂત્રોનો જણાવ્યાં મુજબ, મહિસાગર જિલ્લાના વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રહેતાં યુવાનોને લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના ૬ આરોપીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. વિરપુર પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલ માહિતી મુજબ, વિરપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં લગ્ન કરવા ઇચ્છતા યુવાનોને લગ્ન કરી અપાવવાની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ ખાટા ગામમાં બોલેરો ગાડી લઈ આવી છે. આ બાતમીના આધારે વિરપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ પ્રકાશભાઈ પંડ્યા અને પોલીસ સ્ટાફના જવાનો સાથે ખાટા ગામમાં રેડ કરતાં છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગના ૬ આરોપીઓ સહિત બોલેરો ગાડી સાથે ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

છેતરપિંડી કરતી ગેંગના ઝડપાયેલાં આરોપીઓ

• અલ્પેશ ઊર્ફે લાલો ઊર્ફે જયેશભાઈ કોદરભાઈ પારગી

• રામાભાઇ જયંતીભાઇ પારગી

• રત્નાભાઇ રામાભાઇ પારગી

• મનજીભાઈ ભુરાભાઈ પારગી

• જીવાભાઇ બદાભાઈ કલાસવા

• સુકનાબેન સોહનલાલ હડાત

(તમામ રહે સીમલવાડા, જિલ્લા ડુંગરપુર, રાજસ્થાન)

ગેંગ લગ્ન કરવા ઈચ્છતા યુવાઓને જાળમાં કેવી રીતે ફસાવતી હતી?

પોતાના વિસ્તારની અથવા પોતાના ગેંગની છોકરીને લગ્ન કરવા ઇચ્છતા છોકરાને બતાવી લગ્નની લાલચ આપતાં હતાં. લગ્ન કરી ન આપી લગ્નની ઈચ્છા ધરાવતાં યુવાનો પાસેથી પોતાના અંગત ફાયદા માટે રૂપિયા પડાવી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરતી હતાી.

ક્યા ગામમાં છેતરપિંડી આચારી?

વિપુલ તાલુકાના સરડિયા ગામના યુવક પાસેથી રૂપિયા ૫૫ હજાર, ખાટા ગામના યુવક પાસેથી ૯૩ હજાર અને બાર ગામના એક યુવાન પાસેથી રૂપિયા ૩ લાખ ૫૦ હજાર મળી કુલ રૂપિયા ૪ લાખ ૯૮ હજારનો વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરતી આંતરરાજ્ય ગેંગને ઝડપી લેવામાં આવી હતી.