કલોલ,તા.૧ 

કલોલ નગરપાલિકાની બોર્ડની બેઠક યોજાઇ હતી. જેમાં શહેરના વિવિધ વિસ્તારોમાં વિકાસના ૮ કરોડના કામોને મંજૂરી આપવામાં આવી હતી. છેલ્લાં કેટલાયે વર્ષોથી પાંચમાં તથા છઠ્ઠા પગારપંચથી વંચિત રહી ગયેલા કર્મચારીઓને સભાસદોની બહુમતીથી તેનો લાભ આપવામાં આવતા કર્મચારીઓમાં હર્ષની લાગણી ફેલાઇ જવા પામી છે.આ રીતે લાંબા સમયથી નગરના લોકો જે વિવિધ સુવિધાની રાહ જોઈ રહ્યા હતા તેવા શહેરના વિવિધ વિકાસકામોને પાલિકાના બોર્ડમાં મંજૂરી મળતા નગરજનોમાં નવી આશાનો સંચાર થયો છે. આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ નગરપાલિકાના જનરલ બોર્ડની મિટિંગ ગત તા ૨૩ જુલાઈને ગુરૂવારના રોજ પાલિકા સંચાલિત ભારતમાતા ટાઉન હોલ ખાતે યોજવામા આવી હતી. નગરપાલિકાના પ્રમુખ લવ બારોટની અધ્યક્ષતામાં યોજાયેલ આ બેઠકમાં પાલિકાના કાઉન્સિલરો તેમજ ચીફ ઓફિસર મનોજ સોલંકી સહિત અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં કલોલ નગરના વિવિધ વિસ્તારોમાં રૂ. ૮ કરોડના ખર્ચે થનાર વિકાસના કામોને મંજૂરી આપવામાં આવી હતી. જેમાં શહેરના જાહેર માર્ગો પર આર.સી.સી રોડ, લાઈટ, સ્ટ્રોમ વોટરલાઈન, હાઈમાસ ટાવર, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર હેલ્થ સેન્ટરના પ્રથમ માળે નવિન લાઈબ્રેરી, ચિલ્ડ્રન પાર્ક તથા સિનિયર સિટીઝન પાર્ક તેમજ પેવર બોલ્ક સહિતના કામોને મંજૂરી આપવામાં આવી હતી. આ ઉપરાંત છેલ્લા કેટલાક વર્ષોથી પાંચમાં તેમજ છઠ્ઠા પગારપંચથી વંચિત રહી ગયેલા પાલિકાના કર્મચારીઓને તેનો લાભ મળી રહે તે માટે શાસક પક્ષના સભાસદો દ્વારા મંજૂરી આપવામાં આવી હતી. ઘણા વર્ષોથી પાલિકાના કેટલાંક કર્મચારીઓ પાંચમાં તેમજ છઠ્ઠા પગારપંચના લાભથી વંચિત હતા ત્યારે પાલિકાના પ્રમુખ લવ બારોટ તેમજ સાથી કાઉન્સિલરો દ્વારા સમાન કામ સમાન વેતનને ધ્યાનમાં રાખીને આ કર્મચારીઓને પાંચમા તેમજ છઠ્ઠા પગારપંચનો લાભ આપવામા આવતા કર્મચારીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. પાલિકાને ૮ કરોડની ગ્રાન્ટ મળતા કલોલના જાહેર માર્ગો પર આર.સી.સી રોડ, ચાર રસ્તાઓ પર હાઈમાસ ટાવર, લાઈબ્રેરી, ચિલ્ડ્રન પાર્ક ,સિનિયર સિટીઝન પાર્કના કામો કરી શહેરની કાયા પલટ કરાશે.જેના કારણે શહેરના લોકોને જે હાલ સુવિધા મળી રહી છે તેમાં વધારો થશે ત્યારબાદ નગરજનોને પડતી હાલાકીમાંથી છુટકારો મળતો થઈ જશે.