વડોદરા : વડોદરા મહાનગર પાલિકાના પાણી પુરવઠા વિભાગની કુંભકર્ણ જેવી નિંદ્રાને પગલે ચાર ચાર દિવસથી મહીસાગરના ફ્રેન્ચવેલમાંથી આવતી રાયકા દોડકાની મુખ્ય ફીડર લાઈનમાં પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાવવાને પગલે વિપુલ પ્રમાણમાં પાણીનો વેડફાટ થવા પામ્યો છે. આને લઈને ચાર દિવસ સુધી ઊંઘતા તંત્રને પાપે ઉત્તરના લોકોને ભર ચોમાસે બે દિવસ સુધી પાણીની તંગી ભોગવવી પડશે. આ આકસ્મિક સમસ્યાના નિરાકારણને માટે મહીસાગર પરના ફ્રેન્ચવેલ બંધ કરીને ક્ષતિગ્રસ્ત પાઇપ લાઇનનું સમારકામ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. મહીસાગર નદીમાંથી વડોદરા શહેરને પાણી પૂરું પાડવાને માટે વિવિધ જગ્યાઓએ ફ્રેન્ચવેલ બનાવવામાં આવ્યા છે.આ ફ્રેન્ચવેલમાંથી મહીસાગરનું પાણી ઉલેચીને શહેરના ઉત્તર વિસ્તારને પૂરું પાડવામાં આવે છે.શહેરની અંદાજે સાડા ચાર લાખ જેટલી વસ્તીને મહીસાગરનું પાણી આપવામાં આવે છે.જેને માટે મહીસાગરના ફ્રેન્ચવેલથી વડોદરા શહેર સુધી પાણીની પાઇપ લાઈન નાખવામાં આવી છે. આ પાઇપ લાઇનમાંથી શહેરના ઉત્તર વિસ્તારમાં આવેલા પમ્પીંગ સ્ટેશનો મારફતે પ્રજાને ઘેર ઘેર પાણી પૂરું પડાય છે. આ ફ્રેન્ચવેલના પાણીને ઉલેચીને લઇ જતી રાયકા દોડકાની ફીડર લાઈનમાં જ્યા બે પાઇપ લાઈનો ભેગી થાય છે. એ પાઇપ લાઈનમાં ચાર દિવસ અગાઉ ભંગાણ સર્જાતા વિપુલ પ્રમાણમાં પાણીનો વેડફાટ થયો હતો. આ બાબતની જાણ હોવા છતાં પાલિકાના અધિકારીઓ બેસી રહ્યા હતા. તેમજ ભંગાણ મોટું સર્જાય એની રાહ જોતા હતા.આખરે ભંગાણને લઈને પાણીનો પુરવઠો ઘટતા હવે આગ લાગી ત્યારે કૂવો ખોદવાની માફક પાઇપ લાઈનના તત્કાળ સમારકામને માટે ર્નિણય લેવામાં આવ્યો છે. જેને લઈને મહીસાગર પરના ફ્રેન્ચવેલ બંધ કરાતા શહેરના ઉત્તર વિભાગમાં બે દિવસ સુધી પાણીની તંગી સર્જાશે એમ સૂત્રોએ ઉમેર્યું હતું. 

વ્રજ સિદ્ધિ ટાવરમાં ભરાયેલું પાણી ઉલેચાયું નથી

શહેરના માર્કેટ વિસ્તારમાં જૂની મહારાણી ટોકીઝવળી જગ્યાએ આવેલ વ્રજ સિદ્ધિ ટાવરમાં ચોમાસા દરમ્યાન બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા હતા.આ પાણીને ઉલેચવાને માટે વહેલી સવારે આઠ વાગ્યાથી પમ્પો લગાવી દેવામાં આવ્યા હતા.પરંતુ બારબાર કલાક સુધી પમ્પો લગાવવા છતાં બેઝમેન્ટનું પાણી ઉલેચાયું નહોતું.બલ્કે એનો એટલોજ જથ્થો દેખાતા દુકાનદારોમાં આશ્ચર્ય સર્જાયું હતું. આ કોમ્પ્લેક્ષના બેઝમેન્ટમાંથી જે પાણીનો જથ્થો બહાર કઢાયો હતો. એ ત્રણ માસ સુધી ચાલે એટલો વિપુલ પાણીનો જથ્થો હોવાનું વેપારીઓએ જણાવ્યું હતું. આને લઈને કોમ્પ્લેક્ષના દુકાનદારોમાં ચિંતા વધી ગઈ છે.